21 December 2017

રીંગરોડ વિસ્તારમાં ગેસલાઇન લીક થતાં અફરાતફરી


નવસારીના રીંગરોડ વિસ્તારમાં બુધવારે ગેસલાઇન સુસવાટાભેર લીકેજ થતા અફરાતફરી મચી ગઇ હતી. લીકેજ રહેણાંક એપાર્ટમેન્ટ નજીક થતા એપાર્ટમેન્ટનાં તમામ રહેવાસીઓ ભયભીત થઇ ઘરની બહાર નીકળી ગયા હતા. નવસારી પંથકમાં ગુજરાત ગેસ કંપનીએ લોકોનાં ઘરે ઘરે ગેસ પહોંચાડવા માટે ગેસલાઇનનું નેટવર્ક બીછાવ્યું છે. આવી જ એક ગેસલાઇન કંપનીએ ગણદેવી રોડ ઉપરનાં સેવન ઇલેવન પેટ્રોલપંપથી જુનાથાણા થઇ, રીંગરોડથી વિરાવળ તરફ જાય છે.

રિંગ રોડના એક એપાર્ટમેન્ટ પાસે સેફ્ટી વોલ બનાવવાની કામગીરી દરમિયાન જેસીબી લાગી જતાં લાઈન ફાટી ગઈ

બુધવારે બપોરે ત્રણ વાગ્યાના અરસામાં રીંગરોડ ઉપરથી પસાર થતી મીડીયમ પ્રેસરની ગેસલાઇન હનીન હેરીટેજ-બી એપાર્ટમેન્ટ નજીક લીકેજ થઇ હતી. એપાર્ટમેન્ટ નજીક સેફ્ટી વોલ બનાવવાનું કામ ચાલુ હતુ. ત્યારે જેસીબી ગેસલાઇનમાં લાગી જતાં લાઇન ડેમેજ થઇ ગઇ હતી. વ્હીસલનાં અવાજ જેવા સૂસવાટા સાથે ગેસ લીકેજ થયો હતો. ગેસનો અવાજ અને ગંધ આવતા હનીન હેરીટેજમાં રહેતા લોકોમાં ભય ફેલાઇ ગયો હતો. સુરક્ષા માટે એપાર્ટમેન્ટમાં રહેતા 20 જેટલા ઘરોના લોકો તુરંત બહાર આવી ગયા હતા અને રીતસર અફરાતફરી મચી ગઇ હતી.


ઘટનાની જાણ નવસારી ફાયરબ્રિગેડ તથા ગુજરાત ગેસને કરાતા ફાયરબ્રિગેડનો બંબો તથા ગેસ કંપનીની મેઇન્ટેનન્સ વાન સ્થળ ઉપર આવી પહોંચી હતી. ગેસલાઇન બંધ કરી લીકેજનું કામ શરૂ કરવામાં આવ્યું હતુ. મેઇન્ટેનન્સ ટીમે લીકેજ બંધ કર્યા બાદ એપાર્ટમેન્ટનાં રહીશો ભયમુક્ત થયા હતા અને લગભગ અડધો પોણો કલાક બાદ પૂન: પોતાના ફ્લેટમાં ગયા હતા. અહીં ઉલ્લેખનીય છે કે જ્યાં ગેસલાઇન લીકેજ થઇ હતી ત્યાં જ વીજકંપનીનું ટ્રાન્સફોર્મર હતુ. જેને લઇને દુર્ઘટના મોટી સર્જાવાની લોકોમાં દહેશત થઇ હતી, જોકે આવું થયું ન હતુ.

લીકેજ લાઇનની મરામત કરવા આવેલા કર્મચારીના જણાવ્યા મુજબ જેસીબી લાગતા લાઇન ડેમેજ થઇ હતી. આ ડેમેજ લાઇન મરામત કરવા માટે આશરે બે કલાક ગેસપુરવઠો બંધ કરવામાં આવ્યો હતો. જેનાથી 1100 જેવા ગ્રાહકોને અસર થઇ હતી.

ખાનગી જમીનમાં લાઇનનો આક્ષેપ
ગેસલાઇન લીકેજ થવાની ઘટના સાથે આ લાઇનો ખાનગી જમીનોમાં પણ નંખાતી હોવાનો આક્ષેપ કરાયો છે. હનીન હેરીટેજના રહીશ અને પાલિકાનાં કોર્પોરેટર ઇકબાલ ઉસ્માનીએ જણાવ્યું કે ગેસલાઇનો ખાનગી જમીનોમાં પણ નંખાઇ છે, જેની જમીન માલિકોને પણ ઘણી વખત ખબર હોતી નથી.

ખાનગી જમીન માટે કરાર થાય છે
આમ તો કંપની માર્ગ-મકાન યા પાલિકા પાસે પરમીશન લઇ જ સરકારી જમીનમાંથી લાઇન નાંખે છે. ખાનગી જમીનમાં નાંખવી પડે તો કરાર કરે છે. ખાનગી જમીનમાલિકની ફરિયાદ કોઇકવાર આવે તો સર્વે,માપણી કરાવી નિરાકરણ લાવવામાં આવે છે. - અધિકારી,  ગુજરાત ગેસ