3 December 2017

વિજલપોરમાં એપાર્ટમેન્ટના મીટરમાં શોર્ટસર્કિટથી ધડાકાભેર આગ


વિજલપોરના અયોધ્યાનગરમાં આવેલા શ્રીરામ કોમ્પલેક્સ (એપાર્ટમેન્ટ)માં આવેલા પેસેજની જગ્યામાં મુકવામાં આવેલા વીજમીટરમાં બપોરના સમયે ધડાકાભડાકા થતા સ્થાનિક રહીશોમાં ફફડાટ ફેલાય ગયો હતો. વીજ મીટરમાં પકડાયેલી આગથી ચોમેર ધુમાડાના ગોટેગોટા ઉડતા કોમ્પલેક્સમાંથી બહાર નીકળવું સ્થાનિક રહીશો માટે મુશ્કેલ બન્યું હતું. જોકે ફાયરબ્રિગેડ અને વીજ કંપનીના કર્મચારીઓને ઘટનાની જાણ થતા ઘટનાસ્થળે ધસી ગયા હતા. જેથી રહીશોએ રાહતનો શ્વાસ લીધો હતો.

નવસારી સ્ટેશનથી એરૂ રોડ ઉપર આવેલા વિજલપોરના અયોધ્યાનગરમાં શ્રીરામ કોમ્પલેક્સ (એપાર્ટમેન્ટ) આવેલું છે. જેમાં 36 જેટલા ફલેટમાં 120થી વધુ લોકો વસવાટ કરે છે. આજે બપોરે 2.30 કલાકની આસપાસ કેટલાક છોકરાઓ કોમ્પલેક્સના પેસેજમાં રમી રહ્યા હતા. તે વખતે અચાનક જ કોમ્પલેક્સમાં આવેલા પેસેજમાંથી ધડાકાભડાકાનો અવાજ આવવા લાગ્યો હતો, ત્યાં મુકેલા વીજ કંપનીના મીટરમાં આગ પકડાઈ જતા ધુમાડાના ગોટેગોટા ઉડવા લાગ્યા હતા.

આ ઘટનાને લઈ એપાર્ટમેન્ટમાં રહેતા લોકો ગભરાઈ ગયા હતા. અચાનક સમગ્ર એપાર્ટમેન્ટમાંધુમાડો છવાઈ જતા ક્યાં જવું તે પણ લોકોને સમજ પડી ન હતી અને ભારે ઉહાપોહ મચી ગયો હતો. જોકે આ ઘટનાની જાણ તાત્કાલિક ફાયર બ્રિગેડ અને વીજ કંપનીમાં કરાતા તેઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. વીજ કંપનીના કર્મચારીઓએ વીજ પુરવઠો બંધ કરી દીધો હતો.

એ પછી ફાયરબ્રિગેડના જવાનોએ આગ ઉપર કાબૂ મેળવ્યો હતો, ત્યારબાદ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. હાલ વીજપુરવઠો ખોરવાતા એપાર્ટમેન્ટમાં અંધારપટ છવાયો હતો અને લોકોને હાલાકિ વેઠવાનો વારો આવ્યો છે. વીજ મીટરમાં કયા કયા કારણોસર આગ લાગી તે અંગે ચોક્કસ વિગત મળી નથી પરંતુ શોર્ટસર્કિટને કારણે આ ઘટના બની હોવાનો અંદાજ લગાવાય રહ્યો છે. જેમાં એપાર્ટમેન્ટના ફલેટના મોટાભાગના મીટર બળીને ખાખ થઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે.

ઈન્ટરનલ વાયરિંગને કારણે ઘટના બની
હાલ એપાર્ટમેન્ટમાં વીજ કંપનીએ આપેલા વીજ કનેકશન પછી જે ઘરોમાં વીજ કનેકશન અપાયું છે તે વાયરિંગ યોગ્ય નહીં હોવાને કારણે શોર્ટસર્કિટ થતા ફોલ્ટ થયો હોવાનું તપાસમાં જાણવા મળ્યું છે. હાલ વીજપુરવઠો બંધ કરાયો છે- કમલેશભાઈ ગાંધી, એન્જિનિયર, વિજલપોર વીજ કંપની

એપાર્ટમેન્ટમાં ધુમાડાના ગોટેગોટા છવાઈ ગયા
એપાર્ટમેન્ટમાં અચાનક ધડાકાનો અવાજ અને બાળકોએ બૂમાબૂમ કરી મુકતા કંઈક ઘટના બન્યાનું જણાયું હતું. એ પછી ગણતરીની મિનિટોમાં ધુમાડાના ગોટેગોટા છવાઈ જતા ગભરાઈ ગયા હતા. બહાર જઈ શકાય તેવી સ્થિતિ અંગે પણ અવઢવ ઉભી થતા જ્યાંને ત્યાં જ રોકાય ગયા હતા. ફાયરબ્રિગેડ આવ્યાનું લાગતા રાહત મળી હતી- દયાબેન ભાવેશભાઈ ગજેરા, સ્થાનિક રહીશ

અચાનક બનેલી ઘટનાથી શું કરવું તે જ સમજ ન પડી
બોમ્બ જેવા ધડાકાના અવાજથી હું એલર્ટ થઈ ગયો હતો. બહારના ભાગે જોયું તો ઠેર ઠેર ધુમાડો ફેલાયો હતો. શું કરવું સમજ ન પડી. લોકોમાં ગભરાટ છવાયો હતો. પાવર પણ કટ થઈ ગયો હતો-પ્રાગજીભાઈ ચૌહાણ, સ્થાનિક રહીશ