18 December 2017

આજે પરિણામ: ઉમેદવારોમાં ઉચાટ, મતદારોમાં ઉત્સુક્તા


નવસારી જિલ્લાની ચાર વિધાનસભા બેઠકોનાં પરિણામ 18મીએ જાહેર થવાના છે ત્યારે લોકોમાં ઉત્સૂકતા અને અને ઉમેદવારોમાં ઉચાટ જોવા મળી રહ્યો છે. સાથે જ જિલ્લાનાં રાજકારણનાં સમીકરણો બદલાઇ જશે.

નવસારી જિલ્લાની ચાર વિધાનસભા બેઠકો નવસારી, જલાલપોર, ગણદેવી અને વાંસદાની ચૂંટણી માટે ગત 9મી ડિસેમ્બરને ગુરૂવારનાં રોજ મતદાન થયું હતુ. ચારેય બેઠકો ઉપર સરેરાશ 73.19 ટકા મતદાન થયું હતુ. આ મતદાન 1159 ઇવીએમ મશીનોમાં સીલ થઇ ગયું મતગણતરી 18મીને સવારે 8 કલાકથી ભુતસાડની ગાંધી એન્જીનિયરીંગ કોલેજમાં શરૂ થશે. મતદાન પૂર્ણ થયા બાદ છેલ્લા કેટલાક દિવસોથી જિલ્લામાં આ ચારેય બેઠકોનાં પરિણામ અંગે ચર્ચા ચાલી રહી છે. પરિણામ અંગે તર્કવિતર્કો ચાલી રહ્યાં છે. પરિણામ જે આવે તે પરંતુ આ પરિણામોથી નવસારી જિલ્લાના રાજકીય સમીકરણો બદલાઇ જશે એ વાત નક્કી છે.

નવસારી બેઠક ભાજપના પિયુષ દેસાઇ જીતશો તો તેઓ બીજી વખત ધારાસભ્ય બનશે. આ સ્થિતિમાં જિલ્લાનાં રાજકારણમાં તો તેમનું કદ વધશે પરંતુ રાજ્ય કક્ષાએ પણ કદ વધશે એ નક્કી છે. બીજી તરફ કોંગ્રેસના ભાવનાબેન પટેલ જીતે તો જિલ્લા કોંગ્રેસના સમીકરણો બદલાઇ જશે. કોંગ્રેસનાં ભાવનાબેન મહત્વનું સ્થાન પામશે. જલાલપોર બેઠક ઉપર ભાજપના આરસી પટેલ પુન: વિજેતા બનશે તો તેઓ સતત પાંચમી વખત ધારાસભ્ય બનવાનું માન મેળવશે. જિલ્લામાં તો તેઓ ટોચના નેતા બની જશે, સાથોસાથ ભાજપ સરકાર બનાવે તો મંત્રીપદ માટે પ્રબળ દાવો પણ કરશે.

બીજી તરફ કોંગ્રેસનાં પરિમલ પટેલ વિજેતા બને તો જિલ્લા કોંગ્રેસમાં તેમનું કદ વધશે,સાથે યુવા કોળી નેતા તરીકે આગળ આવશે. આ બેઠકમાં અપક્ષ ધનંજય ભટ્ટ પણ રાજકીય સમીકરણો ખોરવે એવી શક્યતા છે. ગણદેવી બેઠકમાં ભાજપના નરેશ પટેલ વિજેતા બને તો આદિવાસી આદિવાસી નેતા તરીકે તેઓ ભાજપમાં આગળ આવશે બીજી તરફ કોંગ્રેસના સુરેશ હળપતિ વિજેતા બને તો તેઓ કોંગ્રેસમાં સારું સ્થાન મેળવી લેશે.સાથે હળપતિ સમાજમાં કોંગ્રેસનો અવાજ પણ બનશે.

આ બેઠક ઉપર અપક્ષ સુનીલ પટેલ પણ મહત્વના મનાય છે.વાંસદા વિધાનસભાની બેઠક છેલ્લા કેટલાક ટર્મથી કોંગ્રેસ પક્ષ પાસે છે. જો કોંગ્રેસનાં ઉમેદવાર અનંત પટેલ વિજેતા બને તો વાંસદા તાલુકામાં કોંગ્રેસનો દબદબો યથાવત રહેશે સાથે કોંગ્રેસનાં આદિવાસી નેતા તરીકે અનંત પટેલનો ઉદય થશે. ભાજપના ગણપત માહલા જીતે તો વાંસદા તાલુકામાં કોંગ્રેસની વિજયકૂચ ઉપર બ્રેક મરાશે અને વ્યક્તિગત રીતે માહલા ભાજપમાં સારું સ્થાન મેળવશે. અહીં ઉલ્લેખનીય છે કે 18 મીએ પરિણામો જ્યાં ઉમેદવારોનાં વ્યક્તિગત ભાવિ તો બદલી દેશે પરંતુ જિલ્લાનાં રાજકારણને પણ વળાંક મળશે અને રાજકીય સમીકરણો બદલાઇ જશે એ નક્કી છે.

આ વખતે ત્રણ નહીં ચારેય બેઠકો જીતી જઇશું
ભાજપે ગત વખતે જીતેલ ત્રણ બેઠકો નવસારી,જલાલપોર અને ગણદેવીએ અમારી એ’ ગ્રેડની બેઠકો છે તેથી તે તો જીતી જ જશું પરંતુ કોંગ્રેસના કબજામાં રહેતી વાંસદા બેઠક પણ આ વખતે ભાજપ જીતી જશે. વાંસદા બેઠક માટે અમે છેલ્લા ત્રણ-ચાર વર્ષથી કડી મહેનત કરી છે. બીજું કે અહીંના જાતીય સમીકરણો પણ અમને ફળશે. - નરેશ પટેલ,નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ

નવસારી જિલ્લાની ચારેય બેઠકો કોંગ્રેસ જીતી જશે
આ વખતે પાટીદા-દલિત-ઠાકોર આંદોલનો થવાથી પ્રજામાં આક્રોશ હતો. જી.એસટી નોટ બંધી જેવા મુદ્દા પણ ભાજપની સામે હતા. એક અંડર કરંટ પણ ભાજપની વિરૂદ્ધ ચાલી રહ્યો હતો. ભાજપ વિકાસ’ ને બદલે પાકિસ્તાન, કોમવાદ જેવા મુદ્દાઓ ઉછાળવામાં લાગી ગયો હતો. - ધર્મેશ.જે.પટેલ, નવસારી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ