13 December 2017

અંડરબ્રિજ કે ઓવરબ્રિજ, મામલો ફરી ઉચ્ચકક્ષાએ


નવસારીમાં રેલવે અંડરબ્રિજ બનાવવાનો નિર્ણય લેવાયા બાદ લોકોએ ઓવરબ્રિજ બનાવવાની માગ કરતા આ મામલો પુન: ઉચ્ચકક્ષાએ ગયો છે અને અનિશ્ચિતતા સર્જાઈ છે. નવસારી શહેરમાંથી પણ ફ્રેઈટ કોરિડોર (રેલવે કોરિડોર) પસાર થનાર છે. જે અંતર્ગત હાલના રેલવેના બે ટ્રેક સિવાય વધુ બે ટ્રેક નાંખવામાં આવશે. આ યોજના અમલી બનતા ટ્રેનોની વધુ પડતી ફ્રિક્વન્સીને લઈને હાલની રેલવે ફાટકો અપ્રસ્તુત થઈ જશે. આ બાબતને ધ્યાને લઈને સરકારે રેલવે ફાટકો નજીકથી બ્રિજ બનાવવાનો નિર્ણય લીધો હતો.

ફ્રેઇટ કોરિડોર બન્યા બાદ ટ્રેનોની ફ્રિક્વન્સી વધતાં હાલની ફાટકોની જગ્યાએ નવો બ્રિજ બનાવવાનું આયોજન
નવસારીમાં રેલવે સ્ટેશન નજીક રેલવે ફાટક છે ત્યાં નજીક પણ બ્રિજ બનાવવાનો નિર્ણય લીધો હતો. અગાઉ રેલવે ફાટક વિસ્તારમાં ઓવરબ્રિજ બનાવવાનો નિર્ણય લેવાયો હતો. જોકે બાદમાં નવસારીમાં ‘ઓવરબ્રિજ’ નહીં પરંતુ ‘અંડરબ્રિજ’ બનાવવાની યોજના હાથ ઉપર લેવાઈ હતી. હાલની રેલવે ફાટકની ઉત્તરે રેલવે ગરનાળાથી દૂર વધુ એક અંડરબ્રિજ બનાવવાનો નિર્ણય લેવાયો હતો. અંડરબ્રિજની યોજના આગળ ધપી રહી હતી ત્યાં લોકવિરોધ ઉભો થયો હતો. શહેરના પશ્ચિમ વિસ્તારના હજારો લોકોની સહી સાથે અંડરબ્રિજ ન બનાવી ઓવરબ્રિજ જ બનાવવાની માગ કરતી લેખિત રજૂઆત સરકારમાં થઈ હતી.

લોકોનો વિરોધને લઈને સ્થાનિક ધારાસભ્ય પિયુષભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં મિટિંગ પણ કરાઈ હતી. જેમાં પણ લોકોએ ઉગ્ર સ્વરે અંડરબ્રિજનો વિરોધ કર્યો હતો. આ દરમિયાન બ્રિજ સંદર્ભની કામગીરી આગળ ધપાવતી નવસારી પાલિકા પાસેથી બ્રિજનું કામ માર્ગ મકાન વિભાગને સુપરત કરવામાં આવ્યું હતું. માર્ગ મકાન વિભાગે બ્રિજનું કામ હજુ આગળ ધપાવ્યું ન હોવાનું જાણવા મળ્યું છે. બીજા શબ્દોમાં કહીએ તો પાંચ વર્ષથી ય વધુ સમય રેલવે બ્રિજનું કામ હાથ ઉપર લેવાયાને થયું છે છતાં હજુ અનિશ્ચિતતાનો જ માહોલ છે.

નવસારીના બ્રિજનો ઘટનાક્રમ
સૌ પ્રથમ રેલવે ઓવરબ્રિજ પૂર્વ બાજુએ ગિરિરાજ ટોકીઝ નજીકથી ચઢાવી રેલવે ટ્રેક ઉપરથી પસાર થઈ પશ્ચિમે જલાલપોર રોડ તરફ અને પશ્ચિમ-દક્ષિણે હિરામેન્શન નજીક બ્રિજ ઉતારવાની વાત ચાલી હતી, જે આગળ ધપી ન હતી.

બીજી વાત ‘યુ’ શેપમાં ઓવરબ્રિજ બનાવવાની વાત ચાલી હતી. જે અંતર્ગત અશોકા ટાવર નટરાજ ટોકીઝથી ઉત્તર બાજુ બ્રિજ લઈ જઈ પશ્ચિમે રાયચંદ રોડ નજીક બ્રિજ ઉતારવાની હતી, જેના ઉપર પૂર્ણવિરામ મુકાયું.

ઓવરબ્રિજની વાત આગળ ન ધપતા રેલવે અંડરબ્રિજની યોજના બની જે અંતર્ગત હાલનો પ્રકાશ ટોકીઝ સામેનો અંડરબ્રિજ યથાવત રાખી તેનાથી ઉત્તરે થોડો દૂર બીજો મોટો વધુ મોટો અંડરબ્રિજ બનાવવાની યોજના બની હતી. જેની સામે લોકવિરોધ ઉભો થતા યોજના ઘોંચમાં મુકાઈ છે.

અંડરબ્રિજ સામે લોકવિરોધને લઈને કયા પ્રકારનો બ્રિજ બનાવવો તેનો મામલો હવે ઉચ્ચકક્ષાએ ગયો છે.

હજુ કોઇ નિર્ણયની જાણકારી મળી નથી
નવસારીમાં રેલવે અંડરબ્રિજ બનાવવાનો નિર્ણય લેવાયો હતો. જેની સામે રેલવે ઓવરબ્રિજ બનાવવાની રજૂઆત થઈ છે. આ ઓવરબ્રિજ બનાવવાની રજૂઆત ગાંધીનગર ઉચ્ચકક્ષાએ મોકલવામાં આવી છે. હજુ જોકે ત્યાંથી કોઈ નિર્ણયની જાણકારી અમને મળી નથી. - એન.એસ. નાયક, ડેપ્યુટી ઈજનેર, નવસારી માર્ગ મકાન વિભાગ