3 January 2018

નેશનલ મેડિકલ કમિશન બીલના વિરોધમાં નવસારીના 350 તબીબોએ બંધ પાળ્યો


નેશનલ મેડિકલ કમિશન બીલના વિરોધમાં મંગળવારે નવસારી પંથકના 350 જેટલા તબીબોએ બંધ પાળતા પંથકની આરોગ્ય સેવા ખોરવાઈ ગઈ હતી. તબીબોએ ઈમરજન્સી સેવા જરૂર પૂરી પાડી હતી.

દેશમાં સરકાર આરોગ્ય વિભાગ માટે નવુ બીલ લાવી રહી છે. આ નેશનલ મેડિકલ કમિશન બીલ સામે ઈન્ડિયન મેડિકલ એસોસિએશને વિરોધ કર્યો છે. એસો.નું માનવું છે કે સરકાર દ્વારા રચાનાર નવા સંગઠનને કારણે અનેક મુશ્કેલીઓ ઉભી થશે. નવા બીલથી આરોગ્ય સેવા મોંઘી થશે અને ભ્રષ્ટાચાર પણ વધશે. આવા અનેક કારણોને લઈને ઈન્ડિયન મેડિકલ એસોસિએશને મંગળવારે સવારે 6થી સાંજે 6વાગ્યા સુધી બ્લેક ડે મનાવી બંધનું એલાન આપ્યું હતું. આ બંધમાં નવસારી મેડિકલ એસોસિએશન જોડાયું હતું.

સરકારી સેવા યથાવત રહી
નવસારી શહેર, વિજલપોર શહેર અને પંથકના મોટાભાગના ખાનગી તબીબોની ઓપીડી સેવા મંગળવારે સવારથી જ બંધ રહી હતી. ઘણાં તબીબોએ દવાખાના ખોલ્યા જ ન હતા. પંથકમાં આવેલી પારસી હોસ્પિટલ, દાબુ હોસ્પિટલ સહિતની મોટાભાગની ટ્રસ્ટની હોસ્પિટલમાં ઓપીડી સેવા બંધ રહી હતી. ખાનગી હોસ્પિટલોમાં પણ રૂટિન ઓપીડી બંધ રહી હતી. ઓપીડી બંધ રહેતા દર્દીઓથી ઉભરાતી ટ્રસ્ટ અને ખાનગી હોસ્પિટલો સુમસામ ભાસતી હતી. નવસારી પંથકમાં મેડિકલ એસો. સાથે 350 જેટલા તબીબો જોડાયેલા છે

તે તમામ હડતાળમાં જોડાયાનું મેડિકલ એસો.ના સૂત્રોએ જણાવ્યું છે. મોટાભાગના ઓપીડી બંધ રહેવાથી રૂટિન આરોગ્ય સેવા મેળવવામાં લોકોને તકલીફ પડી હતી. જોકે તબીબોએ ઈમરજન્સી સેવા કાર્યરત રાખતા રાહત થઈ હતી. નવસારીમાં ધરણા જેવા કાર્યક્રમ તો યોજાયા ન હતા પરંતુ મેડિકલ હોલ ખાતે મોટી સંખ્યામાં તબીબો જનરલ સભા અંતર્ગત ભેગા થયા હતા. જ્યાં તબીબોને નેશનલ મેડિકલ કમિશન બીલ અંગે સમજ આપી તેનાથી પડનારી મુશ્કેલીથી વાકેફ કરવામાં આવ્યા હતા.

સરકારી આરોગ્ય સેવા યથાવત
નવસારી જિલ્લામાં ખાનગી આરોગ્ય સેવાની સાથે સરકારી આરોગ્ય સેવા પણ પૂરી પાડવામાં આવે છે. જિલ્લામાં 45 પીએચસી, 12 સીએચસી, 2 સબ ડિસ્ટ્રિકટ હોસ્પિટલ અને સિવિલ હોસ્પિટલો છે. આ આરોગ્ય કેન્દ્રો, હોસ્પિટલોમાં મંગળવારે આરોગ્ય સેવા રૂટિન મુજબ જ પૂરી પાડવામાં આવી હતી અને અહીં ફરજ બજાવતા તબીબો હડતાળમાં જોડાયા ન હતા અને સેવા બજાવી હોવાનું જિલ્લાના મુખ્ય તબીબી અધિકારી ડો. કન્નરે જણાવ્યું હતું.

મેડિકલ સ્ટોરને પણ અસર
આરોગ્ય સેવા સાથે સીધી રીતે મેડિકલ સ્ટોરો જોડાયેલા હોય છે ત્યારે મંગળવારે તબીબોની હડતાળની અસર મેડિકલ સ્ટોર ઉપર જોવા મળી હતી. નવસારીના એક મેડિકલ સ્ટોરના સંચાલક નરેન્દ્ર શાહે જણાવ્યું કે રોજબરોજ કરતા મંગળવારે લોકો દવા લેવા 50 ટકા જ (અડધા જ) આવ્યા હતા. જોકે હોસ્પિટલમાં તથા હોસ્પિટલની નજીક ચાલતા મેડિકલ સ્ટોરને તો અસર વધુ હતી.