16 January 2018

પતંગદોરીથી ઘાયલ 70 પક્ષીને બચાવાયા


મકરસંક્રાંતિના તહેવાર દરમિયાન પતંગદોરીથી 70 પક્ષીઓને નવસારી પંથકમાં ઈજા થઈ છે. 6 કબૂતરોના મૃત્યુ પણ થયા હતા.

દર વર્ષે મકરસંક્રાંતિના તહેવાર દરમિયાન આકાશમાં ઉડતા પતંગ-દોરાથી ઘણાં પક્ષીઓને ઈજા થાય છે તથા કેટલાક પક્ષીઓ મૃત્યુ પણ પામે છે. ગત વર્ષની જેમ આ વર્ષે પણ સરકારે ઘાયલ પક્ષીઓને સારવાર આપી બચાવી લેવાનું આયોજન કર્યું હતું.

નવસારી પંથકમાં ચાર સેવાભાવી સંસ્થાઓએ ઉત્તરાયણના પર્વ દરમિયાન ઘાયલ પક્ષીઓને ભેગા કરી ઉન સ્થિત કલરવ પક્ષી ક્લિનિકે સારવાર આપવાનું આયોજન કરાયું હતું.


11થી 15 તારીખ સુધીમાં પંથકની સેવાભાવી સંસ્થાઓ પાર્શ્વનાથ ભક્તિ મંડળ, ડબલ્યુડબલ્યુએફ, એનિમલ સેવિંગ ગ્રુપ અને ભગવાન કરૂણા મંડળે ઘાયલ પક્ષીઓને સારવાર અપાવવા જહેમત ઉઠાવી હતી. આ જહેમત થકી કુલ 70 પક્ષીઓ પતંગ-દોરાને કારણે ઈજા થયેલી હાલતમાં મળી આવ્યા હતા. જેમાં સૌથી વધુ 62 કબૂતરોહતા. આ ઉપરાંત 6 પેન્ટેડ સ્ટ્રોકસ, 1 સારસ અને 1 ચકલીનો સમાવેશ થાય છે. આ તમામ ઘાયલ પક્ષીઓને ઉન ક્લિનિક ખાતે સારવાર આપી બચાવી લેવાયા હતા. જોકે કમનસીબે 6 કબૂતરો આ દિવસો દરમિયાન મૃત હાલતમાં મળી પણ આવ્યા હતા.