9 January 2018

નવસારી જિલ્લાનાં 28 ગામોમાંથી પસાર થશે મહત્વાકાંક્ષી બૂલેટ ટ્રેન


નવસારી જિલ્લામાંથી બહુચર્ચિત બૂલેટ ટ્રેન 28 ગામોમાંથી પસાર થવાની માહિતી આપવામાં આવી છે. અગાઉ 22 ગામોમાંથી ટ્રેન પસાર થવાની જાણકારી બહાર આવી હતી.

ભારત સરકારે મહાત્વાકાંક્ષી પ્રોજેકટ બૂલેટ ટ્રેનનો માનવામાં આવે છે. અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડનારી આ ટ્રેન અહીંના નવસારી જિલ્લામાંથી પણ પસાર થવાની છે. આમ તો બૂલેટ ટ્રેન અંગેનો પ્રિસરવે કરવા અસરગ્રસ્ત ગામોમાં ખૂંટા મારી માપણી કરવામાં આવી હતી પરંતુ અસરગ્રસ્ત ગ્રામજનોમાં ગ્રામજનો યા ગ્રામજનોના પ્રતિનિધિઓને ટ્રેન અંગેની વિધિવત જાણકારી આપવામાં આવી ન હતી.

ટ્રેન સંલગ્ન એજન્સી, સરપંચો, પ્રતિનિધીઓની પ્રથમવાર બેઠક મળી
ભારત-જાપાન સરકાર વચ્ચેના કરાર બાદ હાલમાં પ્રથમ વખત બૂલેટ ટ્રેન અંગેની જાણકારી આપવા ટ્રેન સંલગ્ન એજન્સીના માણસો, સરકાર સાથે ટ્રેન જ્યાંથી પસાર થનાર છે તે ગામોમાં સરપંચો, પ્રતિનિધિઓની બેઠક જલાલપોર મામલતદાર કચેરીમાં મળી હતી. બેઠકમાં ટ્રેન સંલગ્ન કેટલીક માહિતી આપવામા આવી હતી. ટ્રેન પસાર થનાર ગામો તો જણાવાયા પરંતુ કઈ જગ્યાએથી (કયા સરવે નંબરમાંથી) ટ્રેન પસાર થશે તે જણાવાયું ન હતું. ટ્રેનના સ્ટેશનો, જરૂરી અંદાજિત જમીન, જિલ્લામાં ટ્રેન પસાર થવાની લંબાઈ વગેરે અનેક બાબતોની જાણકારી આપતી એક પત્રિકા પણ વિતરણ કરાઈ હતી.

અમારા સિસોદ્રા ગામનો વિરોધ છે
જલાલપોર તાલુકા મામલતદાર કચેરીમાં બૂલેટ ટ્રેન સંલગ્ન યોજાયેલી બેઠકમાં ભાગ લીધો હતો. આ બૂલેટ ટ્રેન અંગેની બેઠકમાં કેટલીક જાણકારી અપાઈ અને જાણકારી આપતું લખાણ પણ અપાયું હતું. જોકે અમારા સિસોદ્રા ગામનો તો વિરોધ છે કારણ કે જીઆઈડીસી બનાવવામાં, નેશનલ હાઈવે માટે અગાઉ જ ઘણી જમીન અપાઈ હતી. હવે બૂલેટ ટ્રેન માટે જમીન આપવું હિતાવહ નથી.

આ ગામોને ચીરીને દોડશે બૂલેટ ટ્રેન
આ બેઠક બાદ સ્થાનિક તંત્રમાંથી જિલ્લામાંથી બૂલેટ ટ્રેન જે ગામોમાંથી પસાર થનાર છે તેની માહિતી સાંપડી છે. કુલ 28 ગામોમાંથી ટ્રેન પસાર થવાની જાણકારી છે. અગાઉ 22 ગામોની નામાવલિ બહાર આવી હતી. જે 28 ગામોમાંથી ટ્રેન પસાર થનાર છે. અહીં ઉલ્લેખનીય છે કે અગાઉની યાદીમાં પાથરી, ઈચ્છાપોર, ખડસુપા, વીરવાડી, આમરી, પરથાણ, આસણા ન હતા. બીજુ કે અગાઉની યાદીમાં વાડા નામ હતું, જે ગામ હવે નથી.

ગામોનાં નામો જણાવાયા પણ જે તે જગ્યાઓના સરવે નંબરની માહિતી ન અપાઇ
  • જલાલપોર તાલુકો : ડાભેલ અને આસણા 
  • નવસારી તાલુકો : ધામણ, પરથાણ, વેજલપોર, પડઘા, આમરી, આમડપોર, ધારાગીરી, વીરવાડી, નસીલપોર, ગણેશ સિસોદ્રા, કછોલ અને ખડસુપા 
  • ગણદેવી તાલુકો : ઈચ્છાપોર, પીંજરા, માણેકપોર, પાથરી, ધનોરી, વડસાંગળ, ખેરગામ, દેસાડ, પાટી, કેસલી, નાંદરખા અને ઉંડાચ વાણિયા ફળિયા
  • ચીખલી તાલુકો : ઘેકટી અને વંકાલ 

ટ્રેનની માહિતીનું લખાણ અપાયું
અમારે ત્યાં બૂલેટ ટ્રેન સંલગ્ન બેઠક યોજાઈ હતી. બેઠકમાં ટ્રેનની એજન્સીના માણસોએ ટ્રેન સંબંધી કેટલીક જાણકારી આપી હતી. બેઠકમાં અસરગ્રસ્ત ગામોના સરપંચો યા અન્ય પ્રતિનિધિઓ હાજર હતા. સરકારની ભૂમિકા ખાસ જમીન સંપાદન કરવામાં રહેતી હોય છે.- એસ.આર. કુબાવત, મામલતદાર, જલાલપોર