11 January 2018

નવસારી તપોવનનાં બાળકોએ ગરીબોને ધાબળા ઓઢાડયા


"ભૂખ્યા કારે ભોજન બનજો, તરસ્યાનું જલ થાજો, મારું જીવન અંજલિ થાજો" આ પંક્તિને પ્રેક્ટિકલ રીતે જીવનમાં અમલ કરતા તપોવન, નવસારીના બાળકોએ મકરસંક્રાતિના શુભ અવસરે પુણ્યની ક્રાંતિ કરી હતી. ઠંડીમાં ધ્રુજતા ગરીબોને ધાબળા ઓઢાડીને માનવપ્રેમ કર્યો હતો. મોટા થઈને ફેશન-વ્યસનમાં પૈસા ઉડાવાને બદલે ગરીબોના આંસુ લૂંછવાનો ભિષ્મ સંકલ્પ કર્યો હતો.

પંન્યાસ રાજરક્ષિતવિજયજીએ જણાવ્યું કે, યુગપ્રધાન સમસૂરી પંન્યાસ શ્રીચન્દ્રશેખરવિજયજી મ. સાહેબે તપોવનમાં બાળકોને સારા સંસ્કાર મળે તે માટે માનવપ્રેમ-પશુપ્રેમ-વનસ્પતિપ્રેમ જેવા કાર્યક્રમોનું આયોજન વારંવાર ગોઠવીને બાળકોના હૃદયને કોમળ બનાવવા માટે ખૂબ જ ભાર મૂક્યો હતો. તપોવનના ૨૫૦ બાળકોએ જીવરક્ષા નિમિત્તે ઉત્તરાયણમાં પતંગ નહી ચગાવવાનો નિર્ણય તથા માનવપ્રેમનો સુંદર પ્રયાસ કર્યો હતો. મુનિ અનંત સુંદરવિજયજીએ બાળકોના સંસ્કરણ યજ્ઞમાં વિશિષ્ટ યોગદાન આપીને સુંદર જીવન ઘડતર કર્યું છે.