7 January 2018

પત્નીને આપઘાત માટે પ્રેરનાર તબીબની ધરપકડ


નવસારીમાં કબીલપોર વિસ્તારમાં આવેલી ઈશ્વરદર્શન સોસાયટીમાં રહેતી પરીણિતા ડોકટરે આપઘાત કરી લીધાની ઘટનાએ ચકચાર જગાવી હતી. આ ઘટના સામે મૃતકના પિતાએ મૃતકના ડોકટર પતિ અને તેના સસરા સામે શારીરિક-માનસિક ત્રાસ આપી તેને મૃત્યુ માટે દુષ્પ્રેરણા સંદર્ભે ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા આખરે પોલીસે એક આરોપીની ધરપકડ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. આ કેસમાં ડોકટર પરીણિતાના મૃત્યુ બાબતે પોલીસ હત્યાની શંકાના આધારે તપાસ કરે તેવી શક્યતા છે.

ડોકટર દંપતી પૈકી પત્નીને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો

નવસારીમાં બહુચર્ચિત કબીલપોરમાં ધર્મિનનગર રોડ પર આવેલી ઈશ્વરદર્શન સોસાયટીમાં રહેતા ડોકટર દંપતી પૈકી ડોકટર પરીણિતા દિપલે કોઈ અગમ્ય કારણસર આપઘાત કરી લીધો હતો. આ ઘટના સંદર્ભે મૃતકના પિતાએ આશંકા વ્યક્ત કરી હતી અને તેમણે મૃતક દીકરીના પતિ ડો. મયંકકુમાર પટેલ અને તેના પિતા સામે દુષ્પ્રેરણાની ફરિયાદ ગ્રામ્ય પોલીસ મથકમાં નોંધાવી હતી.

મૃતક પરિણીતાના પિતાએ નવસારી ગ્રામ્ય પોલીસમાં પતિ અને સસરા વિરુદ્ધ ફરિયાદ આપી હતી

જેમાં તેમણે જમાઈ મયંક અને તેના પિતાએ અવારનવાર પૈસાની માંગણી કરી હોવાની તેમજ પરસ્ત્રી સાથે સંબંધ રાખવા અંગે કહેવા જતા અવારનવાર શારીરિક તેમજ માનસિક ત્રાસ આપી મારમારી અપશબ્દો બોલી હેરાન પરેશાન કરી જાનથી મારી નાંખવાની ધમકી આપતા હતા. દિપલે ત્રાસથી કંટાળી જઈ ફાંસો ખાઈ આપઘાત કરી લીધાનું ફરિયાદમાં જણાવતા પોલીસે દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો હતો.

તે બાદ પોલીસે મૃતકના ડોકટર પતિ અને તેના સસરા સામે તપાસ શરૂ કરી હતી. શનિવારે મૃતક ડોકટરના પતિ મયંક પટેલને ગ્રામ્ય પોલીસે ઝડપી પાડ્યો હતો અને તેના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. જોકે પોલીસ માત્ર દુષ્પ્રેરણા પૂરતું જ સીમિત નહીં રહે તેની હત્યા અંગે પણ શંકા દાખવી તે દિશામાં પણ તપાસ કરશે.

આરોપીને સાથે રાખી પોલીસ ઘટનાનું રિકસ્ટ્રકશન કરાશે
ડો. દિપલના મૃત્યુને લઈને પિતાએ દીકરીના મૃત્યુ સામે તેના પતિ અને સસરા સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધાવ્યો હતો. તે અગાઉ પોલીસે અકસ્માત કેસ તરીકે જ નોંધ લીધી હતી. પોલીસે જ્યારે દિપલના પતિને ઝડપી લીધો છે ત્યારે ઘટનાનું કારણ શોધવા પોલીસ ઘટના કેવી રીતે બની તે અંગે રિકન્સ્ટ્રકશન કરશે એવી માહિતી સાંપડી છે.

આગોતરા જામીન નામંજૂર કરાયા
આત્મહત્યાની દુષ્પ્રેરણાના ગુનામાં આરોપી મૃતક ડોકટરના પતિ અને તેના પિતાએ ધરપકડ ટાળવા હાઈકોર્ટમાં આગોતરા જામીન મુક્યા હતા. જે મંજૂર ન થતા આખરે આરોપી પતિની પોલીસે ધરપકડ કરી હતી. ડો. દંપતી વચ્ચે છેલ્લા કેટલાક સમયથી અણબનાવ બનતા હતા. તેને ધ્યાને લઈ આખરે પોલીસે તપાસનો દોર શરૂ કર્યો છે.

મોતનું કારણ જાણવા એફએસએલની મદદ લેવાશે
હાલ મૃતકના પિતાની ફરિયાદને આધારે આરોપી ડોકટરને ઝડપી પાડવામાં આવ્યો છે. તેના રિમાન્ડ મેળવી પૂછતાછ કરાશે અને ઘટનાનું રિકન્સ્ટ્રકશન કરી તેણે આપઘાત જ કર્યો છે કે કેમ ? તે અંગેની શંકાને આધારે એફએસએલની મદદથી તપાસ કરવામાં આવશે અને પુરાવા એકત્ર કરાશે. એફએસએલના રિપોર્ટ બાદ સમગ્ર હકીકત સામે આવશે. -બી.એમ. પરમાર, પીઆઈ, નવસારી ગ્રામ્ય