26 January 2018

નવસારીના ગેરેજમાં શોર્ટસર્કિટથી આગ, ધુમાડાથી ભય


નવસારીના દુધિયા તળાવ વિસ્તારમાં પાલિકાનું જવાહરલાલ નહેરુ શોપિંગ સેન્ટર આવેલુ છે. આ શોપિંગ સેન્ટરમાં અનેક દુકાનો આવેલી છે. જેમાં ભોંયતળિયાના ભાગે મનોજ દાજી પટેલની ઓટો ગેરેજ પણ આવેલી છે. રોજબરોજની જેમ જ સવારના સમયે ગેરેજ ખોલવામાં આવી હતી.

ગેરેજમાં કામ કરનારા ગેરેજના ઉપરના ભાગે હતા ત્યારે ગેરેજમાં આગ લાગી હતી. ગેરેજમાંથી ધુમાડો દેખાતા ગેરેજમાં હાજર કામ કરનારા તુરંત નીચેના ભાગે આવી ગયા હતા.


નવસારી પાલિકાના ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયરના ત્રણ બંબા સ્થળ ઉપર જ આવી ગયા હતા. ફાયરબ્રિગેડે થોડા સમયમાં આગને કાબૂમાં લીધી હતી. ગેરેજમાં ઓઈલને કારણે ધુમાડો બહુ નીકળ્યો હતો અને દૂર સુધી દેખાયો હતો. આગમાં ગેરેજમાં મુકેલો કેટલોક સામાન બળીને ખાખ થઈ ગયો હતો. એક સ્કૂટરને પણ નુકસાની થઈ હતી. આગથી જોકે કોઈ ઈજાગ્રસ્ત યા હાનિ થઈ ન હતી. આગ લાગવાનું ચોક્કસ કારણ તો જાણી શકાયું ન હતું પરંતુ પ્રાથમિક તબક્કે આગ શોટસર્કિટથી લાગી હોવાનો અંદાજ મુકાઈ રહ્યો છે.


નવસારીમાં આવેલા પાલિકાના નહેરુ શોપિંગ સેન્ટરમાં આવેલા ઓટો ગેરેજમાં આગ લાગતા કાળા ધુમાડા નીકળ્યા હતા,જે દૂર સુધી દેખાયા હતા.