31 January 2018

દાંડીના જંગલ વિસ્તારમાં આગ,100 વીઘાંમાં વૃક્ષો ખાક


ઐતિહાસિક દાંડી ગામ ખાતે રહેણાંક વિસ્તારને અડીને આવેલા જંગલ વિસ્તારમાં આગ લાગતા અંદાજિત 100 વીઘાથી પણ વધુ વિસ્તારમાં આવેલા વૃક્ષો બળીને ખાખ થઇ ગયા હતા. આ આગ રહેણાંક વિસ્તાર તરફ પ્રસરી જતાં ગામના 150 જેટલા યુવાનો, વડીલો તથા ફાયર બ્રિગ્રેડની ટીમે ભારે જહેમત બાદ આગને કાબૂમાં લેતાં મોટી દુર્ઘટના થતી ટળી હતી. જોકે આ આગ કયા કારણસર લાગી તે જાણી શકાયું નથી.

ગામના 150થી વધુ યુવકો અને ફાયરબ્રિગેડની ટીમે એક કલાક જહેમત ઉઠાવી આખરે કાબૂ મેળવી લીધો
ઐતિહાસિક દાંડી ગામ ખાતે આઝાદ ફળિયા, દેસાઇ ફળિયા તથા હળપતિવાસ જેવા રહેણાંક વિસ્તારને અડીને આવેલા જંગલ તથા ખેતી વિસ્તારમાં સોમવારે રાત્રે આઠેક વાગ્યાના અરસામાં આગ પ્રસરી હતી.જોતજોતામાં આ આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરી ઉપરોકત રહેણાંક વિસ્તાર નજીક આવી જતાં લોકોમાં અફરાતફરી મચી જવા પામી હતી. આ વાત વાયુવેગે સમગ્ર ગામમાં પ્રસરી જતાં ગામના 150થી વધુ યુવાનો તથા વડીલોનું ટોળુ ઘટનાસ્થળે પહોંચી જઇ આગ ઓલવવામાં કામે લાગી ગયું હતું.

જોકે તેમ છતાં આગ કાબૂમાં ન આવતા રહેણાંક વિસ્તાર તરફ આગળ વધતા ગામના યુવાન રાજુ પટેલ, પ્રવિણ પટેલ તથા દાંડી ગામના સરપંચ વિમલ પટેલે વિજલપોર ફાયર બ્રિગ્રેડને જાણ કરી હતી. વિજલપોર ફાયર બ્રિગ્રેડની ટીમ તાબડતોબ પાણીના બંબા સાથે પંદરથી વીસ મિનિટ જેટલા ટૂંકા સમયમાં જ ઘટનાસ્થળે પહોંચી જઇ આગ જે તરફ પ્રસરતી હતી તે વિસ્તારને કુનેહ અને સમયસૂચકતાથી પાણીના છંટકાવથી કોર્ડન કરી લઇ એકાદ કલાકની ભારે જહેમત બાદ આગને કાબૂમાં લઇ લેતા મોટી ખુવારી થતી અટકી હતી.

તો મોટી દુર્ઘટના ઘટી ગઇ હોત... 

આગના કારણે ખેતીમાં કોઇ નુકસાની થઇ નથી,પરંતુ પશુઓ માટેના ઘાસચારો આગની લપેટમાં આવી જતાં ઘાસચારાનો વિસ્તાર બળીને ખાખ થઇ ગયો હતો.તે ઉપરાંત દેશી તથા વિલાયતી બાવળો તથા અસંખ્ય જંગલી વૃક્ષો બળીને રાખ થઇ ગયા છે.જો કે આ નુકસાનીનો અંદાજ જાણી શકાય તેમ નથી પરંતુ વ્યાપક પ્રમાણમાં નુકસાન થયુ છે.ફાયર ફાઇટરોની સમયસૂચકતા અને કુનેહના કારણે રહેણાંક વિસ્તારને બચાવી શકાયો છે.જો કદાચ ફાયર ફાઈટરની ટીમ થોડી પણ મોડી પહોંચી હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ હોત. -વિમલ પટેલ, સરપંચ, દાંડી

ગ્રામજનોના સહયોગથી કલાકમાં આગ પર કાબૂ મેળવાયો

આગ લાગ્યાની ટેલિફોનિક જાણકારી મળતા જ હું મારી ટીમ સાથે તાબડતોબ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. સ્થળ ઉપર આગ જે તરફ આગળ વધતી હતી એ વિસ્તારને પાણીના છંટકાવથી કોર્ડન કરી લઇ એકાદ કલાકમાં આગને કાબૂમાં કરી લીધી હતી. જોકે અમારા કામમાં અમને ગામના યુવાનોએ મદદ કરી હતી. - સુરેશભાઇ, ફાયર ઇનચાર્જ, વિજલપોર ફાયર બ્રિગ્રેડ