8 January 2018

નવસારીમાં કાતિલ ઠંડી, પારો 7 ડિગ્રીએ પહોંચ્યો


નવસારી પંથકમાં વર્તમાન શિયાળાનું સૌથી ઓછું તાપમાન 7 ડિગ્રી રવિવારે નોંધાતા લોકોએ કડકડતી ઠંડીનો અનુભવ કર્યો હતો. નવસારી પંથકમાં છેલ્લા કેટલાક દિવસોથી તાપમાનમાં ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. ગુરૂવારે સવારે તાપમાન 12 ડિગ્રી નોંધાયા બાદ તાપમાનનો પારો ઉતરતો રહ્યો છે. જે અંતર્ગત શનિવારે તાપમાન સવારે 10 ડિગ્રી નોંધાયું હતુ. આજે રવિવારે તો વાતાવરણમાં વધુ ફેરફાર જોવા મળ્યો હતો અને વહેલી સવારે તાપમાનનો પારો વધુ 3 ડિગ્રી નીચે ઉતરી 7 ડિગ્રીએ જ સ્થિર થઇ ગયો હતો.

ઉત્તર ભારતમાં હિમવર્ષાને કારણે ઠંડો પવન ફૂંકાતા વાતાવરણમાં પલટો
તાપમાનમાં ભારે ગિરાવટની સાથે હવામાં ભેજના પ્રમાણમાં પણ ભારે વધારો થઇ ભેજ 94 ટકા સવારે થઇ ગયું હતુ. (શુક્રવારે ભેજનું પ્રમાણ 79 ટકા રહ્યું હતુ) રવિવારે મોડી રાત્રે મળસ્કેનાં સમયે સાધારણ (ગાઢ નહીં) ધુમ્મસ પણ જોવા મળ્યું હતુ. ધુમ્મસ, વધુ ભેજ અને પારો 7 ડિગ્રીએ પહોંચી જતાં વહેલી સવારે લોકોએ કડકડતી ઠંડીનો અનુભવ કર્યો હતો. ઠંડીના કારણે સવારનાં સમયે મોટાભાગનાં લોકો ગરમ વસ્ત્રો ધારણ કરેલા જોવા મળ્યા હતા. ગ્રામ્ય વિસ્તારમાં ઘણાએ તાપણાંનો પણ સહારો લીધો હતો.

ઠંડીના કારણે જનજીવન પ્રભાવિત થયેલું જોવા મળ્યું હતુ.રવિવારે સવારની સાથોસાથ બપોરે પણ તાપમાનમાં સાધારણ ઘટાડો થયો હતો. બપોરે મહત્તમ તાપમાન 28.5 ડિગ્રી (શનિવારે 29 ડિગ્રી) થયું હતુ. બપોરે હવામાં ભેજનું પ્રમાણ 28 ટકા રહ્યું હતુ. પવન મધ્યમ ગતિનો રહ્યો હતો. પવન સરેરાશ 5.7 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દક્ષિણ-પશ્ચિમ દિશાએ ફૂંકાયો હતો.

હજી અઠવાડિયા સુધી તાપમાન નીચું રહેશે
સામાન્યત: શિયાળાની મૌસમ ચાલી રહી હોય તાપમાન તો નીચું રહે જ છે જોકે હાલમાં તાપમાન વધુ નીચે ઉતરી ઠંડી વધવાનું કારણ દેશનાં ઉત્તર ભારતમાં બદલાયેલ મૌસમ અને ત્યાં તાપમાન ઘટવાની અસર જોવા મળી રહી છે. હજુ એક અઠવાડિયા સુધી તાપમાન નીચું રહેવાની શક્યતા છે. સાથોસાથ ઉત્તર ભારતમાં કેવો બદલાવ આવે છે તેના ઉપર પણ સ્થાનિક વાતાવરણ નિર્ભર રહેશે.

નાતાલમાં 8.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતુ
નવસારીમાં છેલ્લા કેટલાક દિવસોથી (ખાસ કરીને 15 દિવસથી) તાપમાનમાં ઘટાડો થયો છે. સવારનાં સમયે પારો 9થી 12 ડિગ્રીની વચ્ચે વધુ રહેતો હતો. જોકે 25મી ડિસેમ્બરને નાતાલનાં દિવસે સવારે તાપમાનમાં ઘટાડો થઇ પારો 8.5 ડિગ્રી એ જ સ્થિર થયો હતો. આ તાપમાનને અગાઉ સિઝનનું સૌથી ઓછું તાપમાન ગણાવ્યું હતુ. રવિવારે તો તાપમાન 7 ડિગ્રી જ થઇ જતાં વર્તમાન સીઝનનો સૌથી ઠંડો દિવસ બન્યો હતો.