26 January 2018

નવસારીમાં દિવસે ભારે વાહનોના અવરજવર પર પ્રતિબંધ મુકાયો


નવસારીમાં ‌વધતી જતી ટ્રાફિક સમસ્યાનું નિરાકરણ લાવવા અને લોકોને કોઈ અગવડ ન પડે તે હેતુથી નવસારી જિલ્લા મેજિસ્ટ્રેટ રવિકુમાર અરોરાએ શહેરમાં દિવસ દરમિયાન ભારેખમ વાહનોના આવાગમન ઉપર પ્રતિબંધ ફરમાવી જાહેરનામુ બહાર પાડ્યું છે. આ ઉપરાંત શહેરમાં વનવે અને એકી-બેકી તારીખ પ્રમાણે પાર્કિંગ અંગે પણ હુકમ કર્યો છે.

નવસારી અને જિલ્લામાં ટ્રાફિકની સમસ્યા વધતી રહી છે. વાહનોની ‌વધતી જતી સંખ્યા અને તેની સામે સાંકડા માર્ગોથી શહેરમાં ટ્રાફિકનું ભારણ વધ્યું હતું. ઉપરાંત ટ્રાફિક નિયમોનો પણ ભંગ થયો હતો. આથી નવસારી જિલ્લા પોલીસવડા ડો. ગિરીશ પંડ્યાએ જિલ્લા મેજિસ્ટ્રેટ રવિકુમાર અરોરાને ટ્રાફિકની સમસ્યાના નિરાકરણ અંગે કેટલાક સૂચનો કરી તે અંગે જાહેરનામુ પ્રસિદ્ધ કરવા અનુરોધ કર્યો હતો. આથી તે બાબતોને ધ્યાનમાં રાખી જિલ્લા મેજિસ્ટ્રેટે શહેરમાં ભારે વાહનોના આવાગમન ઉપર દિવસ દરમિયાન પ્રતિબંધ ફરમાવી દીધો છે. નવસારી અને વિજલપોરપાલિકા વિસ્તારમાં ગુડસ તથા પેસેન્જર વ્હિકલ જેનું વજન 7.5 ટન તેથી વધુ વજનવાળા વાહનો સવારે 8થી રાત્રે 9 કલાક સુધી પાલિકા વિસ્તારમાં પ્રવેશી શકશે નહીં કે અવરજવર કરી શકશે નહી. આ જાહેરનામુ 25મી જાન્યુઆરીથી 25મી માર્ચ 2018 સુધી અમલમાં રહેશે.

વન વે માર્ગ નક્કી કરાયા 
મોટા બજાર નવસારીથી કંસારાવાડ નાકા સુધીના રોડને વનવે મોટાબજાર નવસારીથી કંસારવાડ નાકા તરફના વાહનો જઈ શકશે પરંતુ કંસારવાડ નાકા તરફથી આવતા વાહનો માટે પ્રતિબંધ ફરમાવ્યો છે. આ ઉપરાંત ચાંદની ચોકથી ગોલવાડ ચાર રસ્તા સુધીનો રોડ વન વે કરાયો છે. (ચાંદની ચોક સર્કલથી ગોલવાડ ચાર રસ્તા તરફ આવતા વાહનો માટે પ્રતિબંધ) તેની સામે ચાંદની ચોક સર્કલથી ગોલવાડ જવા માટે નગરપાલિકા મેઈન રોડ થઈ કે.કે. બેકરી ત્રણ રસ્તાથી ટાવર તરફ જતા રોડનો ઉપયોગ કરી શકાશે.

એકી-બેકી તારીખ વિભાજીત વિગત અને વૈકલ્પિક માર્ગ 
નવસારી ટાઉન પોલીસ સ્ટેશનથી કંસારવાડ નાકા તરફ જતા રોડ ઉપર એકી તારીખે ડાબી બાજુ પાર્કિગ કરાશે તેમજ બેકી તારીખે જમણી બાજુ પાર્કિંગ રહેશે. જ્યારે ટાવરથી ખાટકીવાડ તરફ જતા રોડ પર એકી તારીખે ડાબી બાજુ પાર્કિંગ કરાશે તેમજ બેકી તારીખે જમણી બાજુ પાર્કિંગ કરાશે. ટાવરથી ફુવારા તરફ જતા રોડ પર એકી તારીખે ડાબી બાજુ પાર્કિંગ કરાશે તેમજ બેકી તારીખે જમણી બાજુ પાર્કિંગ કરાશે.