6 January 2018

નવસારીમાં પ્રજ્ઞાચક્ષુ NRI યુગલના સાતફેરા


નવસારીમાં એનઆરઆઇ યુગલ પારસ અને ચાંદની લગ્નના તાંતણે બંધાયા હતા. તેમના જીવનમાં રંગોનુ મહત્ત્વ ન હોવા છતાં લગ્નની એક-એક ક્ષણ તેમના માટે રંગીન સંભારણું બની ગયું હતું. આ દંપતીના લગ્નનો ફોટો આલ્બમમાં બ્રેઇલ લિપીથી કેપ્શન લખવામાં આવશે. આ સાથે તેમણે પ્રિ વેડિંગ ફોટો શુટ તાજમહલમાં કરાવ્યું હતુ. અહીં ઉલ્લેખનીય છે કે સાત વર્ષ બાદ પહેલીવાર તાજમહેલની અંદર શુટિંગ કરવાની પરવાનગી આપવામાં આવી છે.

તાજમહેલની અંદર, યમુના નદી, ધોબી ઘાટ અને તાજમહેલની પાછળ શુટ કરવામાં આવ્યું હતુ. ચાંદની અને પારસ બેઉ બ્લાઇન્ડ હોવાને કારણે બેઉ લગ્નને માણી શકે એ માટે લગ્નનો થીમ ‘ફ્રેગ્રન્સ’ રાખવામાં આવ્યો હતો, જેમાં જુદી જુદી ફ્રેગ્રન્સનો ઉપયોગ સજાવટમાં કરાયો છે. વોક-વેમાં રોઝ અને એ બંને જે ઝૂલા પર બેસયા હતા ત્યાં ચમેલીની ફ્રેગ્રન્સ મૂકવામાં આવી હતી.


નવસારીના બી.આર.ફાર્મમાં આયોજીત પ્રજ્ઞાચક્ષુ પારસ અને ચાંદનીના ભવ્ય લગ્ન મંડપમાં તાજા ફૂલોનો શણગાર કરવામાં આવ્યો હતો. એમાં પણ સ્થળ અનુસાર સુગંધી પુષ્પોની પસંદગી કરવામાં આવી હતી. જેથી સુંગધને આધારે પારસ અને ચાંદની પોતાના લગ્નની તમામ વિધિઓને જીવનભર પોતાના માનસપટ પર કંડારી રાખે. અમેરિકાના કેલિફોર્નિયા ખાતે સ્થાયી થયેલો પારસ શાહ એપલ કંપનીમાં બ્રેઇલ લિપિ વિભાગમાં મેનેજર તરીકે કાર્યરત છે.

અમેરિકાના લોસ એન્જેલસમાં રહેતી ચાંદની પટેલ નોકરી સાથે એક સારી ગાયિકા પણ છે. ચાંદનીએ અમેરિકામાં બોલિવૂડના જાણીતા સંગીતકારો હિમેશ રેશમિયા, એ.આર.રહેમાન, સોનુ નિગમ સાથે ગીતો ગાયા છે. પારસ પણ સંગીતમાં રૂચિ ધરાવે છે અને તબલા પણ વગાડે છે. પરિવારના પ્રયાસોથી મળ્યા બાદ પાંગરેલા પ્રેમમાં ચાંદનીને પારસના ગાલ પર પડતું ડિમ્પલ ગમે છે, જ્યારે પારસ ચાંદનીમાં રહેલી કામ પ્રત્યેની લગન પર ફીદા છે.

પારસ-ચાંદનીના લગ્નને પણ એમના પરિવારે અનોખા બનાવી સમાજમાં દિવ્યાંગોને સામાન્ય સમજી એમને પણ એમની ભાવનાને વ્યક્ત કરવાની તક આપવી જોઇએ એવો સંદેશો આપ્યો હતો