14 January 2018

કુલ 50 કરોડના ખર્ચે, નવસારી શહેર વીજતાર મુક્ત બનશે


નવસારી આગામી દિવસોમાં નવસારી શહેરમાં ઠેર ઠેર ઝુલતા હાઈટેન્શન વીજતાર લોકોને જોવા નહીં મળે. નવસારી વીજ કંપનીએ એચટી (હાઈટેન્શન) વીજલાઈન અંડરગ્રાઉન્ડ કરવાની કામગીરીનો પ્રારંભ કરી દીધો છે. એ કામગીરી પૂર્ણ થયા બાદ એલટી (લો ટેન્શન) વીજલાઈન પણ અંડરગ્રાઉન્ડ કરી દેવામાં આવશે. આ કામગીરીમાં રૂ. 50 કરોડથી વધુનો ખર્ચ થવાનો અંદાજ લગાવાય રહ્યો છે.

નવસારી શહેરને સુંદર અને સ્વચ્છ બનાવવાની નવસારી નગરપાલિકાએ ઝૂંબેશ ઉપાડી છે. સ્વચ્છતામાં પણ નગરપાલિકાએ પારિતોષિક પ્રાપ્ત કર્યું છે અને આગામી દિવસોમાં પણ શહેરને સુંદર બનાવવાની કામગીરી પાલિકાના સત્તાધિશો આયોજન કરી રહ્યા છે. જોકે તે પહેલા જ શહેરમાં ઠેર ઠેર લટકતા વીજતારને દૂર કરી વીજતારના જાળને દૂર કરવાની કામગીરી નવસારી વીજ કંપનીએ શરૂ કરી દીધી છે. હાલ પ્રથમ તબક્કામાં એચટી લાઈન (હાઈ ટેન્શન) વીજલાઈન અંડરગ્રાઉન્ડ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. સૌ પ્રથમ પાંચહાટડીથી જૂનાથાણા એ પછી લક્ષ્મણ હોલથી લાયબ્રેરી અને ત્યારબાદ વીજ કંપનીની ઓફિસ બનાતવાલા સ્કૂલથી ડેપો વિસ્તારની એચટી લાઈન અંડરગ્રાઉન્ડ કરી દેવાશે. શહેરમાં આ પ્રથમ તબક્કાની કામગીરીમાં એચટી લાઈન અંડરગ્રાઉન્ડ કરી દેવાશે.

હાલ પ્રથમ તબક્કામાં 30 લાખ, એ પછી 60 લાખ અને પછી સરકારની વિવિધ યોજના અંતર્ગત ગ્રાંટ થકી નવસારી વીજ કંપની આ એચટી લાઈન અંડરગ્રાઉન્ડ કામગીરી આગામી એક માસમાં પૂર્ણ કરી દેશે. એ પછી શહેરમાં ઘરવપરાશના ઉપયોગમાં આવતી એલટી (લો ટેન્શન) વીજલાઈન પણ અંડરગ્રાઉન્ડ કરી દેવાશે. જોકે સૌ પ્રથમ એચટી લાઈન પૂર્ણત: અંડરગ્રાઉન્ડ થયા પછી જ એલટી લાઈન અંડરગ્રાઉન્ડ કામગીરી સમયાંતરે લોકોને તકલીફ ન પડે તે રીતે અલગ અલગ સ્કિમના આધારે ગ્રાંટ મેળ‌વીને પૂર્ણ કરાશે. જોકે તેની સમયમર્યાદા હાલના તબક્કે આંકી શકાય તેમ નથી પરંતુ આ તમામ વીજલાઈન અંડરગ્રાઉન્ડ કરી દેવા માટે અંદાજિત 50 કરોડથી વધુનો ખર્ચ થવાનો અંદાજ વીજ કંપનીના સૂત્રો કાઢી રહ્યા છે.

લોકોને શું ફાયદો થશે 
અંડરગ્રાઉન્ડ એચટી લાઈન કરી દેવાથી ટ્રાન્સફોર્મરના થાંભલા દૂર થશે અને જગ્યા ખુલ્લી થશે. ઉપરાંત વીજતાર જોડાય જવાથી જે ફોલ્ટ થતા હતા અને કલાકો સુધી લોકોએ વીજળી વિના રહેવું પડતું હતું તેવુ નહીં થાય. અંડરગ્રાઉન્ડ લાઈન હોવાથી ફોલ્ટની શક્યતા ઘટી જશે.

પ્રથમ તબક્કાની કામગીરી શરૂ થઇ ગઇ છે
એચટી લાઈન મુખ્ય વીજલાઈન છે અને તેમાંથી ઘરવપરાશની એલટી લાઈન આપવામાં આવે છે. એચટી લાઈન અંડરગ્રાઉન્ડ કરવાની પ્રથમ તબક્કાની કામગીરી શરૂ કરાઈ છે. જે વહેલી તકે પૂર્ણ કરી દેવાશે. એ પછી એલટીની કામગીરી હાથ ધરાશે. જોકે એ તમામ કામગીરી પણ સરકારમાંથી ગ્રાંટને આધારે કાર્યવાહી થશે. તેનો ખર્ચ અંદાજિત 50 કરોડથી વધુ થવાની શક્યતા છે. - જયંતિભાઈ પટેલ, એક્ઝિક્યુટીવ એન્જિનિયર, નવસારી

લોકોને તકલીફ ન પડે તે રીતે કામગીરી કરાશે
હાલ એચટી લાઈન અંડરગ્રાઉન્ડ કરવાની કામગીરી શરૂ કરી છે. થોડા દિવસોમાં તે કામગીરી પૂર્ણ કરી દેવાશે. જોકે વીજકાપ કરવો પડતો હોવાથી તે બાબતે લોકોને તકલીફ નહીં પડે તે રીતે કામગીરી કરાશે. - આર.જે. મિસ્ત્રી, એન્જિનિયર, નવસારી સબડિવિઝન

આઠ કલાક વીજકાપ રખાયો
એચટી લાઈન અંડરગ્રાઉન્ડ કરવાની કામગીરી પાંચહાટડી વિસ્તારમાં શરૂ કરાઈ હતી. જેના કારણે પાંચહાટડી, લાયબ્રેરી, જૂનાથાણા વિસ્તારમાં વીજકાપ મુકવામાં આવ્યો હતો. જેના કારણે લોકોએ સવારે 10થી સાંજે 6 વાગ્યા સુધી મુશ્કેલી વેઠવી પડી હતી. જોકે વીજ કંપનીએ તે અંગે અગાઉથી જાણ કરી હતી.