22 January 2018

પદમાવતના વિરોધમાં ચક્કાજામ, 3 કિ.મી લાંબી કતાર


ભારે વિવાદિત બનેલી ફિલ્મ ‘પદમાવત’ ફિલ્મનો વિરોધ રવિવારે નવસારીમાં પણ થયો હતો. હિંન્દુ સંગઠનો, કરણી સેનાના કાર્યકરોએ નવસારી નજીક હાઇવે ઉપર ટાયરો બાળી ચક્કાજામ કરી દીધો હતો. જેને લઇ હાઇવે પર 3 થી 4 કિ.મિ લાંબી વાહનોની કતારો લાગી ગઇ હતી. બાદ માં પોલીસે સ્થળ પર પહોંચી ટ્રાફિક નિયમનની કામગીરી હાથ ધરતા વાહનવ્યવહાર પુન: ધબકતો થયો હતો.

સંજયલીલા ભણશાલી ની પદમાવત ફિલ્મનો દેશભરમાં ઉગ્ર વિરોધ થઇ રહ્યો છે. હિન્દુ સંગઠનો તથા રાજપૂત સમાજના લોકોફિલ્મમાં ઇતિહાસ સાથે ચેંડા કરાયાની રજૂઆત કરી રહ્યાં છે અને ફિલ્મની રિલીઝનો વિરોધ કરી રહ્યાં છે. શનિવારે કીમ-કોસંબા પંથકમાં ફિલ્મનો વિરોધ કરી વાહનોનાં ચક્કાજામ કરાયા હતા. રવિવારે વિરોધનો વંટોળ નવસારી પંથકમાં ફૂંકાયો હતો.


રવિવારે સવારે 11 વાગ્યાનાં અરસામાં અનેક લોકોનો સમૂહ વાહનો ઉપર સવાર થઇ નવસારી નજીક આરટીઓ કચેરી પાસે નેશનલ હાઇવે નંબર-48 ઉપર ભેગો થઇ ગયો હતો. પદમાવત ફિલ્મ વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કરી રહેલ આ યુવાનોએ નેશનલ હાઇવે ઉપર ટાયરો બાળવાનાં શરૂ કર્યા હતા. આ યુવાનો અખિલ ભારત હિન્દુ યુવા મોરચા, કરણીસેના સહિત હિંન્દુ સંગઠનો સાથે જોડાયેલ હોવાનું જાણવા મળ્યું હતુ. અમદાવાદ તરફ જતા ટ્રેક અને મુંબઇ તરફ જતા ટ્રેક એમ બંને તરફ માર્ગ ઉપર ટાયરો બાળવાને કારણે હાઇવે ઉપરથી પસાર થતાં વાહનોનાં પૈંડા થંભી ગયા હતા.


સ્થળ ઉપર હાજર રાજપૂત, હિંદુ સંગઠનોનાં લોકો ફિલ્મ પદમાવત રિલીઝ ન કરવાની માંગ કરી હતી. લગભગ 20થી 25 મિનીટનો સમય સુધી નેશનલ હાઇવે ઉપર ચક્કાજામનું વાતાવરણ સર્જાયું હતુ. બંને તરફ ત્રણથી ચાર કિલોમીટર લાંબી વાહનોની કતારો લાગી ગઇ હતી. દેખાવકારોનાં ચક્કાજામ નાં કાર્યક્રમ ટાણે પોલીસ સ્થળ ઉપર હાજર જણાઇ ન હતી. જોકે પાછળથી પોલીસનો કાફલો સ્થળ ઉપર પહોંચ્યો હતો અને માર્ગ ઉપર સળગાવેલ ટાયરો હટાવી દઇ બંને તરફનો વાહનવ્યવહાર પુન: કાર્યરત કરી દીધો હતો.

આ દરમિયાન ચક્કાજામ કરેલ દેખાવકારોએ પણ કાર્યક્રમ પૂરો કરી ત્યાંથી જતા રહ્યાં હતા. મળતી માહિતી મુજબ દેખાવકારોએ ચક્કાજામનાં કાર્યક્રમ બાદ નવસારીનાં રાજહંસ સિનેમા સહિતનાં સંચાલકોને પદમાવત ફિલ્મ ન લગાવવા રજૂઆત કર્યાની જાણકારી મળી છે.


પદમાવત ફિલ્મનાં વિરોધમાં નવસારી નજીક હાઇવે ઉપર ટાયરો બાળી વાહનોનો ચક્કાજામ કરાયો હતો. જેને લઇને વાહનોની લાંબી કતારો લાગી ગઇ હતી. જ્યારે અન્ય તસવીરમાં ફિલ્મને ન રિલિઝ કરવા અંગે આવેદન આપતા વાંસદાના સંગઠનોતસવીર- રાજેશ રાણા

નવસારીમાં ‘થોભો અને રાહ જુઓ’ની નીતિ
નવસારી સીનેમાઓમાં હજુ સુધી પદમાવત ફિલ્મ રિલીઝ કરવાનો કોઇ જ નિર્ણય લેવાયો નથી. થોભો અને રાહ જુઓ’ ની સ્થિતિમાં છે. અમારી પાસે ફિલ્મ ન રજુ કરવાની રજુઆત આવી હતી. તેમને પણ કહ્યું હતુ કે વિરોધ હશે તો રિલીઝ ન કરીશું. સર્વસંમતિતી મુદ્દો ઉકેલાય અને બધે જ રિલીઝ કરાય તો નવસારીમાં પણ રીલીઝ કરવા વિચારીશું - મુકેશ દેસાઈ, લક્ષ્મી સીનેમેજીક, માલિક