13 January 2018

નવસારીનાં તળાવો એકબીજા સાથે જોડાશે


પાણીના અન્ય સ્રોત વધારવા માટે નવસારી નગરપાલિકાના મ્યુનિસિપલ એન્જિનિયરે એક રિપોર્ટ આપ્યો. આ રિપોર્ટમાં જણાવાયું કે શહેરમાં પાણી સંગ્રહ કરવાની ક્ષમતા વધારવી ખુબ આવશ્યક છે. આ માટેનો એક ઉપાય હયાત તળાવોને નજીકના તળાવો સાથે જોડવાનો છે.

જેમ કે દુધિયાતળાવ નજીક ટાટા હોલની બાજુમાં ટાટા તળાવ આવેલુ છે. દુધિયા તળાવ અને ટાટા તળાવને જોડવામાં આવે તો સ્ટોરેજ વધી શકે છે. આ માટે વચ્ચે ટાટા હોલ અને ડાન્સિંગ ફુવારાની જમીન આવતી હોઈ અને આ ભાગ ખુબ જ ઉંચો હોઈ ઓપન કટ કરી પાઈપલાઈન નાંખવાનું શક્ય નથી. તે માટે માઈક્રો ટનલિંગ પદ્ધતિથી બે તળાવોને જોડી શકાય. જોકે તે માટે બંને તળાવોના લેવલો જાણવા અને અધિકત્તમ તથા ન્યૂનત્તમ લેવલની ગણતરી મુજબ કોઈ એક લેવલ નક્કી કરી તળાવો જોડવાની કામગીરી કરતી પડે એમ છે.

આજ રીતે શહેરના જલાલપોર વિસ્તારમાં આવેલા દેસાઈ તળાવને નજીકના થાણા તળાવ સાથે જોડવાથી મોટી રાહત થઈ શકે એમ છે કારણ કે થાણા તળાવની ક્ષમતા ઘણી વધુ છે. દેસાઈ તળાવની બાજુમાં જ આવેલા મફતલાલ તળાવને પણ નગરપાલિકા પોતાના ઉપયોગ માટે અનામત રાખીને એને પણ દેસાઈ તળાવ સાથે જોડાણ કરી શકાય છે. તળાવો જોડવા અંગેના રિપોર્ટ નવસારી નગરપાલિકાની તાજેતરમાં મળેલી વોટરવર્કસ કમિટીની બેઠકમાં મુકવામાં આવ્યો હતો અને તેનો સૈદ્ધાંતિક સ્વીકાર કરી આગળ વધવાનો નિર્ણય કરાયો હતો.

ગામડાનાં તળાવો ભણી પણ નજર 
નગરપાલિકાએ પાણીની સંગ્રહ ક્ષમતા વધારવા માટે શહેરના તળાવોને જોડવા ઉપરાંત અન્ય વિકલ્પો ઉપર પણ નજર દોડાવી છે. પાલિકામાં સુપરત થયેલા રિપોર્ટમાં નવસારીની નજીકના હાંસાપોર, છાપરા, ઈંટાળવા જેવાના મોટા તળાવની માંગણી કરી ‘રોવોટર’ તરીકે એને સુરક્ષિત રાખવામાં આવે ! ત્યાંથી રાઈઝીંગ મેઈન પાઈપલાઈન તથા પંપરૂમ બનાવી એ પાણી શહેરની પાણીની સમસ્યાના સમયે લીફટ ઈરિગેશનથી દુધિયા તળાવ કે દેસાઈ તળાવમાં મેળવવામાં આવી શકે એમ છે.

પહેલાં તળાવોની હાલત સુધારવાની જરૂર 
નવસારીમાં પાણીની સંગ્રહ ક્ષમતા વધારવા શહેરના જે તળાવોને જોડવાની યોજનાની વાત થઈ છે ત્યાં પહેલી સમસ્યા તો આ હયાત તળાવની હાલત સુધારવાની પણ છે. દુધિયા તળાવ સાથે નજીકના ટાટા તળાવને જોડવાની વાત થઈ છે તો સવાલ એ છે કે ટાટા તળાવની હાલત કેવી છે ? આ તળાવમાં વર્ષભર પાણી રહેતું જ નથી. જો તળાવમાં પાણી જ રહેતું ન હોય તો તેમાંથી બીજા તળાવમાં પાણી કેવી રીતે લઈ જવાય! બીજુ કે આ તળાવમાં વનસ્પતિઓ ઉગી નીકળી છે અને કચરો પણ ઠલવાય છે ત્યારે પ્રથમ તો તેની હાલત સુધારવી જરૂરી છે.

કન્સલ્ટન્ટની નિમણૂક કરાશે 
નવસારી શહેરની પાણીની સમસ્યા દૂર કરવા શહેરમાં પાણીની સંગ્રહ ક્ષમતા વધારવી જરૂરી છે. એવી માગ મારા દ્વારા કરવામા આવી હતી જે સંદર્ભે મ્યુનિસિપલ એન્જિનિયરે તળાવો જોડવા અંગેનો એક રિપોર્ટ આપ્યો છે. આ રિપોર્ટ સંદર્ભે કમિટીમાં તળાવો જોડવાની વાતને મંજૂરી આપી આ માટે કન્સલ્ટન્ટ નિમવાનો નિર્ણય કમિટીમાં લેવાયો હતો. - ત્રિભોવન ચાવડા, અધ્યક્ષ, પાણી સમિતિ-નવસારીપાલિકા