4 January 2018

નવસારી રેડક્રોસ સોસાયટીને થેલેસિમિયા સેટેલાઈટ સેન્ટરની મંજૂરી


ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી નવસારી ડિસ્ટ્રિક્ટ બ્રાંચની સામાન્ય સભા ચેરમેન ડૉ. અતુલ વી. દેસાઈના પ્રમુખપદે રવિવારે સવારે રેડક્રોસ ભવનમાં મળી હતી. જેમાં સોસાયટીને થેલેસિમિયા સેટેલાઈટ સેન્ટર માટે મંજૂરી મળી હોવાની જાહેરાત કરાઈ હતી.

સામાન્ય સભામાં માનદમંત્રી કેરસી દેબુએ વર્ષ ૨૦૧૫-૧૬ની પ્રવૃત્તિ વિગતો રજૂ કરતા જણાવ્યું હતું કે, વર્ષાન્તે ૧૬ હજાર રક્તદાતાઓએ આપેલું રક્ત સુરક્ષિત કરી નવસારી તેમજ ડાંગ જિલ્લાની હોસ્પિટલોને આપવામાં આવ્યું છે. મેજર માઈન્સ થેલેસિમિયાના બાળકોમાં વધારો થતાં ૭૦ જેટલા બાળકોને ૯૮૧ અને ૩૫૨ સિસલસેલના દર્દીઓને ફ્રીમાં રક્તબેગ આપી છે. રક્તગ્રહિત, તિથિદાન યોજના હેઠળ કુલ ૫૯૦૯ રક્તબેગ ગરીબ દર્દીઓને ફ્રીમાં આપવામાં આવ્યું છે. થેલેસિમિયા પરીક્ષણ અભિયાનમાં ૮ કોલેજોમાં ૫૭૬૦ વિદ્યાર્થીઓનું રક્તનું પરીક્ષણ કરી ડૉ. અતુલ દેસાઈએ કાઉન્સેલિંગ કરી માર્ગદર્શન આપ્યું હતું.

ચેરમેન ડૉ. અતુલ વી. દેસાઈએ જણાવ્યું હતું કે, આગામી વર્ષોમાં નવા સંશોધનોથી બ્લડ બેંકને અદ્યતન બનાવવા માટે રક્તજૂથ- રક્તબેગ ચકાસણીમાં હ્યુમન એરર ન થાય તે માટે અંદાજે રૂ ૪૫ લાખના ખર્ચે ફુલી ઓટોમેટેડ ક્રોસમેચ મશીન લવાશે અને આવનાર પાંચ વર્ષોમાં બ્લડબેંક વધુમાં વધુ અદ્યતન બંને તે માટેના સાથીમિત્રો દ્વારા પ્રયાસ જારી છે. થેલેસિમિયા સેટેલાઈટ સેન્ટર તરીકે આરોગ્ય તંત્ર તરફથી મંજૂરી મળી છે. સંસ્થાના ઓડિટેડ હિસાબો ટ્રેઝરર કે. ડી. દેસાઈએ રજૂ કર્યા હતા. સમીક્ષા વાઈસ ચેરમેન તુષાર દેસાઈએ કરી હતી. કાર્યસૂચિ ઉપરના તમામ કામો સભામાં સર્વાનમતે મંજૂર થયા હતા.

source: sandesh.com