25 January 2018

નવસારીમાં પદ્માવત ફિલ્મ રિલિઝ નહીં થાય, 12 થિયેટરો પર પોલીસ તૈનાદ


નવસારી જિલ્લાના તમામ 12 થિયેટરોમાં હવે પદમાવત ફિલ્મ રિલિઝ નહીં કરવામાં આવે તેવો નિર્ણય થિયેટરના સંચાલકોએ કલેકટર સાથે મળેલી બેઠકમાં કર્યો હતો, તેમ છતાં નવસારી જિલ્લા પોલીસના કાફલામાં વધુ 100 જવાનો પેટ્રોલિંગમાં જોડાયા છે અને પરિસ્થિતિ થાળે નહીં પડે ત્યાં સુધી પોલીસ નવસારીના તમામ થિયેટરો ઉપર બંદોબસ્તમાં રહેશે અને તોફાની તત્વો પર વોચ રાખશે.

પરિસ્થિતિ થાળે નહીં પડે ત્યાં સુધી પોલીસ તમામ થિયેટરો ઉપર બંદોબસ્તમાં રહેશે

નવસારીમાં શાંતિ જળવાય રહે અને કોઈપણ જાનમાલને નુકસાન નહીં થાય તે માટે આજે 25મી જાન્યુઆરીએ રિલિઝ થઈ રહેલી પદમાવત ફિલ્મ નવસારી જિલ્લામાં રિલિઝ નહીં થાય. દેશભરમાં આ ફિલ્મને લઈને ભારે વિવાદ સર્જાયો છે. નવસારીમાં રવિવારના રોજ પદ્માવત ફિલ્મને લઇ હાઇવે પર ચક્કાજામ કરવામાં આવ્યો હતો. રાણી પદમાવતીના પાત્ર સાથે અને ઈતિહાસ સાથે છેડછાડ કરીને આ ફિલ્મ રિલિઝ કરવામા આવી હોવાનો આક્ષેપ કરણી સેનાએ કર્યો છે અને ચોમેરથી તેનો વિરોધ કરી આ ફિલ્મ સામે દેખાવો શરૂ કર્યા હતા.

ઠેર ઠેર આગચંપી અને કેટલીક જગ્યાએ ખાનાખરાબાની ઘટનાઓ પણ બની હતી. જોકે સુપ્રિમ કોર્ટે આ ફિલ્મમાં સુધારાવધારાની અને કેટલાક દૃશ્યો કાપી તેને રિલિઝ કરવાની પરવાનગી આપી હતી પરંતુ આ ફિલ્મને લઈને શરૂ થયેલો વિવાદ શમ્યો નથી. ગુજરાતમાં આ ફિલ્મ રિલિઝ નહીં કરવાનો સરકારે નિર્ણય જાહેર કર્યો હતો તો કરણી સેનાએ પણ જો ફિલ્મ રિલિઝ થશે તો દેખાવો કરવાની ચીમકી આપી હતી. જેને લઈને થિયેટર માલિકોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું હતું. તેની અસર નવસારીમાં પણ જોવા મળી.

100 જેટલા પોલીસ જવાનો અન્ય જિલ્લામાંથી ઉતારી દેવામાં આવ્યા
નવસારીમાં પણ હાઈવે ઉપર કરણી સેનાના સભ્યો અને કેટલાક હિંદુ સંગઠનોએ ફિલ્મના વિરોધમાં દેખાવ કર્યા હતા. હવે કલેકટર સાથે બેઠક બાદ થિયેટર માલિકોએ પણ નવસારીમાં ફિલ્મ નહીં રિલિઝ કરવાનો નિર્ણય કર્યો છે. જોકે આ ફિલ્મનો વિવાદ જ્યાં સુધી નહીં શમે ત્યાં સુધી નવસારીમાં 100 જેટલા પોલીસ જવાનો અન્ય જિલ્લામાંથી ઉતારી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત તમામ થિયેટરો ઉપર ચૂસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો છે. આગામી દિવસોમાં કોઈપણ તે ચાલુ રાખવાનો નિર્ણય કરાયો છે. અહીં ઉલ્લેખનીય છે કે નવસારી પંથકમાં કુલ 8 સિનેમા સ્ક્રિન છે. આ ઉપરાંત જિલ્લાના અન્ય વિસ્તારમાં 4 થિયેટર મળી કુલ 12 થિયેટર (સ્ક્રિન) છે ત્યારે આ તમામમાં વિવાદીત ફિલ્મ રિલિઝ થશે નહીં !

પ્રેક્ષકોની સુરક્ષાના કારણોસર નિર્ણય
નવસારીના જાણીતા સિનેમા લક્ષ્મી સિનેમેજીકના સંચાલક અને સિને અગ્રણી મુકેશ દેસાઈએ જણાવ્યું કે આખાય ગુજરાતમાં પદમાવત સિનેમા રિલિઝ ન કરવાનો નિર્ણય લેવાયો છે. તેથી નવસારીમાં પણ ફિલ્મ રિલિઝ થશે નહીં. કાયદો વ્યવસ્થા બની રહે, અનિચ્છનીય બનાવ ન બને તથા પ્રેક્ષકોની સુરક્ષાના કારણોસર આ નિર્ણય લેવાયો છે.

વિહિપ-બજરંગદળે આવેદનપત્ર પાઠવ્યું
પદમાવત ફિલ્મમાં ઈતિહાસને તોડીમોડીને રજૂ કરવાના કારણે ફિલ્મ વિવાદમાં સપડાઈ ગઈ છે. બુધવારે વિશ્વ હિન્દુ પરિષદ-બજરંગદળે જિલ્લા અધ્યક્ષ કિશોર કબાટવાલાની અધ્યક્ષતામાં જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું અને થિયેટર માલિકોને તે પોતાના થિયેટરોમાં પદમાવત ફિલ્મ ન લગાવવા અપીલ કરી હતી.

સુરક્ષાને ધ્યાને રાખી સતત પેટ્રોલિંગ
છેલ્લા ત્રણ દિવસથી પદમાવત ફિલ્મને લઈ કોઈ અઘટિત ઘટના ન ઘટે તેમજ સુરક્ષા વ્યવસ્થા જળવાય રહે તે હેતુથી સતત રાઉન્ડ ધ કલોક પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. જ્યાં સુધી આ ફિલ્મનો વિવાદ છે ત્યાં સુધી આ કામગીરી કરાશે. - ડો. ગિરીશ પંડ્યા, પોલીસવડા, નવસારી જિલ્લા