9 January 2018

ડૉ. દિપલના આપઘાત કેસમાં ઘટનાનું FSLની મદદથી રિકન્સ્ટ્રકશન કરાયું


નવસારીના કબીલપોર વિસ્તારમાં ધર્મિનનગર વિસ્તારમાં મહિલા ડોકટર દિપલના આપઘાત કેસમાં આજે મૃતકા પિતાની આપઘાત માટે દુષ્પ્રેરણાની ફરિયાદને આધારે ગ્રામ્ય પોલીસે એફએસએલની મદદથી ઘટનાનું રિકન્સ્ટ્રકશન કર્યું હતું. નવસારીને અડીને આવેલા કબીલપોરના ઈશ્વરદર્શન સોસાયટીમાં રહેતી મહિલા ડૉ. દિપલ પટેલે બે માસ અગાઉ આપઘાત કરી લેતા પટેલ પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.

મૃતક દિપલના પતિ પણ વ્યવસાયે ડોકટર છે

આ ઘટનામાં ગ્રામ્ય પોલીસે સૌ પ્રથમ અકસ્માત મોતની નોંધ લીધી હતી. તે પછી મૃતકના પિતા દિપલને આપઘાત માટે દુષ્પ્રેરણા આપવાની મૃતકના પતિ અને સસરા સામે ફરિયાદ નોંધાવી હતી. એથી પોલીસ હરકતમાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે મૃતક દિપલના પતિ પણ વ્યવસાયે ડોકટર છે. આ દુષ્પ્રેરણાના કેસને ધ્યાને લઈ તેમણે હાઈકોર્ટમાં આગોતરા જામીન અરજી વકીલ મારફત દાખલ કરાવી હતી પરંતુ એ અરજી નામંજૂર થતા આખરે ગ્રામ્ય પોલીસ મથકના પીઆઈ બી.એમ. પરમાર તથા તેમની ટીમે આરોપી ડોકટર મયંકની ધરપકડ લીધી હતી.

ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા 
તેને કોર્ટમાં રજૂ કરી ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. આ રિમાન્ડ દરમિયાન પોલીસે ઘટનાના મૂળ સુધી જવા માટે ઘટનાનું રિકન્સ્ટ્રકશન કર્યું હતું. જેને લઈ ઈશ્વરદર્શન સોસાયટી વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. પોલીસે સુરત એફએસએલની મદદ લીધી હતી. સુરત એફએસએલની સાથે નવસારી એફએસએલે પણ આ ઘટનામાં સુરતના એફએસએલ અધિકારીઓને મદદ કરી હતી. જોકે આ બાબતે આગામી બે દિવસ પછી એફએસએલનો રિપોર્ટ આવ્યા બાદ સમગ્ર હકીકત સામે આવે તેવી શક્યતા છે.

કેવી રીતે રિકન્સ્ટ્રકશન કરાયું ?
મહિલા ડોકટરે પંખા ઉપર જે રીતે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું, એ પંખા ઉપર તેમના જેવી જ મહિલાને લટકાવાઈ હતી. એ પછી તેને પંખા પરથી ઉતાર્યા બાદ ગાડીમાં બેસાડી દવાખાને લઈ જવાની તમામ પ્રક્રિયાનું ડેમો કરવામાં આવ્યું હતું. એ વખતે આરોપી પતિને સાથે રાખવામાં આવ્યો હતો. આ ઉપરાંત સાક્ષીઓને પણ ધ્યાને લેવાયા હતા. એફએસએલની કુલ પાંચ અધિકારીઓની ટીમે આ કામગીરીને પાર પાડી હતી. આગામી બે દિવસમાં એફએસએલની આ ટીમ દ્વારા રિપોર્ટ આપવામાં આવશે. એ રિપોર્ટના આધારે જ સમગ્ર ઘટનાનો ખુલાસો થશે અને પોલીસ વધુ કાર્યવાહી કરશે.





એફએસએલના રિપોર્ટ બાદ જ હકીકત બહાર આવશે
સોમવારે મહિલા ડોકટરના આપઘાતની ઘટના હકીકતને ધ્યાને રાખી રિકન્સ્ટ્રકશન કરાયું હતું. ઘટનાના તમામ પાસાઓને ચકાસવામાં આવ્યા છે. જોકે એફએસએલનો રિપોર્ટ બાદ જ તેનો વધુ ખુલાસો થશે.