28 January 2018

રેલવેના સ્ટાફે એમ્બ્યુલન્સને ના બોલાવી, સ્મશાનભૂમિ લારીમાં લઇ જવાઇ લાશ


શનિવારના રોજ નવસારીમાં બિનવારસી લાશનું પીએમ કરાયા બાદ તેને હાથલારીમાં કફનમાં લપેટી સ્મશાનભૂમિ લઈ જવાની ઘટનાએ ચકચાર જગાવી દીધી છે. અગાઉ પણ આવી જ રીતે નવસારી નગરપાલિકાના કચરાના ટ્રેકટરમાં લાશને સ્મશાનભૂમિ લઈ જવાતા વિવાદ સર્જાયો હતો. શનિવારે ફરી એમ્બ્યુલન્સના વાંકે એક મૃતદેહ હાથલારીમાં સ્મશાને લઇ જવાની નોબત આવી હતી.

ટ્રેકટરમાં લાશને સ્મશાનભૂમિ લઈ જવાતાં મામલો બિચક્યો હતો
નવસારીમાં રેલવે સ્ટેશન ખાતે 25મી જાન્યુઆરીએ એક ભીખારી જેવા લાગતા શખ્સનું મોત નીપજ્યું હતું. રેલવે પોલીસે તેના મૃતદેહને નવસારી સિવિલ હોસ્પિટલમાં પીએમ માટે ખસેડ્યો હતો અને તે પછી તે લાશને હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવ્યો હતો. જોકે રેલવે પોલીસની ભીખારી જેવા લાગતા અને બિનવારસી લાશ અંગે કોઈ ઓળખ નહીં મળતા શનિવારે સાંજના સમયે તેને સ્મશાનભૂમિમાં અગ્નિદાહ આપવાની તૈયારી કરી લીધી હતી.

રેલવે સ્ટાફના માણસોએ આ લાશને સ્મશાનભૂમિ વિરાવળ ખાતે લઈ જવા માટે એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરી ન હતી અને તેને હાથલારીમાં ખુલ્લામાં સ્ટ્રેચર ઉપર મુકી તેના ઉપર કફન ઓઢાડી સ્મશાનભૂમિ રવાના કરી હતી. એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવાની તસદી નહીં લેવાના કારણે ઘટના પ્રકાશમાં આવતા મોડી સાંજ સુધીમાં તે ચર્ચાનો વિષય બની ગઈ હતી. અગાઉ પણ એક ખાનગી હોસ્પિટલમાંથી બિનવારસી લાશને સ્મશાનભૂમિ લઈ જવા શબવાહિની કે અમ્બ્યુલન્સનો ઉપયોગ કરાયો ન હતો અને તેને કચરો લઈ જતા પાલિકાના ટ્રેકટરમાં ખુલ્લી મુકીને લઈ જવાને કારણે ભારે ઉહાપોહ થયો હતો.

પાલિકા પ્રમુખે પણ તાકિદ કરી હતી
અગાઉ સ્થાનિક પોલીસ દ્વારા બિનવારસી લાશને અગ્નિદાહ આપવા પાલિકાના ટ્રેકટરનો ઉપયોગ કરાયો હતો. જે ટ્રેકટરમાં ગંદો કચરો ભરીને લઈ જવાતો હતો એવા ટ્રેકટરમાં બિનવારસી લાશ મૂકીને અગ્નિદાહ માટે લઈ જવામાં આવી હતી. તે વખતે પાલિકા પ્રમુખ અલકાબેન દેસાઈએ પણ મોતનો મલાજો જળવાય તે માટે શબવાહિની આપવાની પાલિકા તરફથી ખાતરી આપવામાં આવી હતી પરંતુ આ વખતે પણ રેલવે પોલીસ દ્વારા શબવાહિની કે એમ્બ્યુલન્સની માંગણી જ કરાઈ ન હતી, જેના કારણે વિવાદ સર્જાયો છે.

રેલવે વિભાગને વાહન માટે રજૂઆત કરાશે
ટ્રેન અડફેટે લોકોના મોત અંગેની ઘટના અવારનવાર બનતી રહી છે પરંતુ બિનવારસી લાશ હોય કે પછી કોઈપણ મૃતદેહ હોય તેના મોતાનો મલાજો જળવાવો જોઈએ. હાથલારીમાં તેને સ્મશાનભૂમિમાં લઈ જવાનું અયોગ્ય છે. રેલવે વિભાગમાં આ બાબતે રજૂઆત કરી સ્ટેશન ખાતે એક એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવશે. - મહેન્દ્રભાઈ દરબાર, સામાજિક કાર્યકર, નવસારી

અગાઉ મૃતદેહને સ્મશાને લઈ જવા એમ્બ્યુલન્સની માંગણી કરાઈ હતી, શનિવારે નહીં કરાઈ
રેલવેની ઘટનામાં હંમેશા શબવાહિની કે એમ્બ્યુલન્સનો ઉપયોગ કરીને જ મૃતદેહને સિવિલ સુધી લઈ જવામાં આવે છે પરંતુ શનિવારે લાશને સ્મશાનભૂમિ અગ્નિદાહ માટે લઈ જવા શબવાહિનીની માંગણી કરાઈ ન હતી. તેના કારણે લાશ હાથલારીમાં લઈ જવાઈ હતી. - રમેશભાઈ, જમાદાર, નવસારી રેલવે પોલીસ