22 February 2018

નવસારીના રીલાયન્સ સુપર સ્ટોરમાંથી 1077 કિલો શાકભાજી અને ફળનો નાશ કરાયો


નવસારીમાં આવેલ રીલાયન્સ સુપર સ્ટોરમાં શડેલ-વાંધાજનક જણાવેલ 1077 કિલો શાકભાજી ફળનાં જથ્થાનો ફુડ વિભાગે નાશ કર્યો હતો. નવસારીમાં સાંઢકુવા ગેટ નજીક રીલાયન્સ સુપર સ્ટોર આવેલો છે. આ સુપર સ્ટોરમાં ઘરની ચીજવસ્તુઓનું વેચાણ કરવામાં આવે છે. આ ચીજવસ્તુઓમાં શાકભાજી-ફળોનું પણ વેચાણ કરવામાં આવે છે.

શહેરનાં એક શખ્શ ફળ લેવા ગયા હતા ત્યાં ફળ-શાકભાજી તાજા નહીં લાગતા નવસારી ફુડ વિભાગને જાણ કરી ચકાસણી કરવા જણાયું હતું. મળેલ ફરિયાદને લઇ ફુડ વિભાગનાં ઇન્સપેક્ટર એસ.આર.પટેલ તથા સ્ટાફ સોમવારે રાત્રે શાકભાજી-ફળ વિગેરેની ચકાસણી કરવા સ્થળ ઉપર પહોંચ્યો હતો.

ફુડ વિભાગે રીલાયન્સ સ્ટોરમાંથી ‘ફ્રોઝન ડેઝર્ટ’ નો સેમ્પલ પણ લીધો હતો
ચકાસણી દરમિયાન ફળ-શાકભાજીનો મોટો જથ્થો સડેલ, ફુગવાળો, વાંધાજનક લાગ્યો હતો. આ અંદાજે 1077 કિલો ફળ-શાકભાજીનાં જથ્થાને તુરંત જ પાલિકા તંત્રનાં સહયોગથી નાશ કરવામાં આવ્યો હતો. મંગળવારે ફુડ વિભાગે રીલાયન્સ સ્ટોરમાંથી ‘ફ્રોઝન ડેઝર્ટ’ નો સેમ્પલ પણ લીધો હતો અને ચકાસણી માટે લેબોરેટરીમાં મોકલવાની તજવીજ હાથ ધરી હતી.

સ્ટોરમાંથી આ જથ્થાનો નાશ કરાયો
જે જથ્થાને નાશ કરાયો તેમાં બટાકા, ટામેટા, ડુંગળી, મરચાં, ભીંડા, બીટ, સફરજન, મકાઇ, ફણસી, રીંગણ, ગુવાર, ફ્લાવર, લસણ, રતાળું, તુરીયા, કેળાં, ચણા, દ્રાક્ષ, સંતરા, બોર, તરબૂચ, દાડમ, મોસંબી, જમરૂખ, વટાણાં, કાકડી, તુવેરસીંગ, લીલી ડુંગળી, લીબું, મેથીની ભાજી, પાયનેપલ, લીલું લસણ, નારીયેલ, ચીકું, કારેલા, પાલક, પાપડી, મૂળા, સરગવા, ટીંડોળા, આદુ, ફૂદીનો સમાવેશ થાય છે.