1 February 2018

નવસારીમાં પ્રાંત અધિકારીની ટીમ દ્વારા કરાયું ચેકિંગ, 4 રેસ્ટોરાં સીલ કરાઈ


નવસારી કલેકટર રવિકુમાર અરોરાના માર્ગદર્શન હેઠળ નવસારી પ્રાંત અધિકારી કુ. નેહાએ નવસારીમાં શહેર અને હાઇવે પર આવેલી હોટલોનું સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરતાં હોટલ માલિકોમાં ફફડાટ વ્‍યાપી ગયો છે. પ્રાંત અધિકારીએ તેમની ટીમે સાથે વિવિધ હોટલની સ્‍વચ્‍છતા, ફાયર સેફટી, લીલા-સુકા કચરાનો નિકાલ, ખાદ્યપદાર્થોની ચકાસણી હાથ ધરી હતી.

4 રેસ્ટોરામાં પ્રાંત અધિકારીની ટીમ ત્રાટકી
પ્રાંત અધિકારીએ જાતે જ આગેવાની લઇને વિવિધ ચીજવસ્તુઓની ચકાસણી કરીને, હોટલ માલિકોને કાયદાનું પાલન કરવા સ્‍થળ પર સુચનાઓ આપી હતી. પ્રાંત અધિકારીએ શહેરની લુન્‍સીકુઇ ખાતેની ડોમીનોઝ પીઝા, ચટરપટર, રીસ્ટો બીસ‍ટો, હોટલ તુલસી (કોર્ટ સામે) રેસ્‍ટોરેન્‍ટ/હોટલનું ચેકિંગ દરમિયાન ગેરરીતિઓ જણાતા સીલ કરવામાં આવી હતી. પ્રાંત અધિકારીએ પારસી હોસ્‍પિટલ સામે તેમજ અટલ બિહારી વાજપાઇ ગાર્ડનવાળા માર્ગ પર આવેલી હોટલનું સઘન ચેકિંગ કર્યું હતું.


ડોમીનોઝ પીઝા ખાતે ચોકોલાવા, પાસ્તા, ચીલીસોસનો જથ્‍થો એકસપાયરી તારીખનો નીકળતા ડોમીનોઝને સીલ કરી હતી. ડોમીનોઝ ખાતે ફાયર સેફટી બોટલની સમયમર્યાદા પણ પુરી થઇ ગઇ હતી. ચટરપટરના માલિક અને રીસ્‍ટો બીસ્‍ટો રેસ્‍ટોરા પાસે પ્રાંત અધિકારીનું લાયસન્‍સ પણ ન હતું. પ્રાંત અધિકારી કુ.નેહાએ જણાવ્યું હતું કે, નવસારીમાં લાયસન‍સ વગર તેમજ સ્‍વચ્‍છતા અને લોકોના આરોગ્‍યને નુકસાન થાય તેવી ચીજવસ્‍તુઓનું વેચાણ કરતી રેસ્ટોરા સીલ કરવામાં આવશે. લોકોના આરોગ્‍ય સામે જોખમ ઊભુ કરતી હોટલો/રેસ્‍ટોરન્‍ટ સામે કડક પગલાંઓ લેવામાં આવશે.

પ્રાંત અધિકારીએ ખાઉધરી ગલીમાં હોટલ ભુનેશ્વરી, ચાટ એમ ગ્રીલ વગેરે ખાતે પણ ખાણીપીણીની લારીઓ પર વેચાતા ફુડની ચકાસણી કરી હતી. હાલમાં કાર્યવાહી ચાલી રહી છે. પ્રાંત અધિકારી અને શહેર મામલતદાર પટેલ, પ્રાંત કચેરીના શીરસ્‍તેદાર, સેનેટરી ઇન્‍સ્‍પેકટર વિમલ ટેલર સહિતનો કાફલો આ અભિયાનમાં જોડાયો હતો.

આ સ્થળે ચેકિંગ
* ડોમીનોઝ પીઝા (સીલ), * રીસ્ટોબીસ્ટો (સીલ), * ચટરપટર (સીલ), * તુલસી હોટલ (કોર્ટ સામે) (સીલ), * સુરતી ઢોસા, લઝીઝ પીઝા, * પંજાબી તડકા, અજય પીઝા, * એસએચ ઢોસા, ચટકાઝ, * સાંઈ ફેન્સી ઢોસા, કેફે સાઉથ, * બોમ્બે ગ્રીલ, * બડીઝ ફાસ્ટફૂડ, * કેફેકલાચે, * ફૂડ સ્ટ્રીટ, * ગણદેવીની સિઝન રેસ્ટોન્ટમાં ચેકિંગ હાથ ધરાયું હતું.