20 February 2018

વિજલપોરમાં પંજાને કમળની ફરી લપડાક, 36માંથી 33 કબજે કરી


વિજલપોર નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનો ભગવો પુન: લહેરાયો હતો, જેમાં આખરે ગત 2013ની ચૂંટણીનું પરિણામ જાણે રિપીટ થતું જોવા મળ્યું હતું. 17મીને શનિવારે ચૂંટણી યોજાયા બાદ સોમવારે હાથ ધરવામાં આવેલી મતગણતરીમાં આખરે કુલ 36 બેઠકોમાંથી ભાજપે 33 બેઠક જીતી લઈ ભવ્ય વિજય મેળવ્યો હતો તો બીજી તરફ કોંગ્રેસને માત્ર 3 બેઠક જ મળતાં કારમી હાર થતી જોવા મળી હતી. કાર્યકર્તાઓમાં ખાસ્સો ઉત્સાહ જોવા મળ્યો હતો.

ત્રણ ચતુર્થાંશ બહુમતી મળતાં ભાજપની શહેરના રાજ માર્ગ પર ભવ્ય રેલી નિક‌‌‌ળી

વિજલપોર નગરપાલિકાની ચૂંટણી માટે શનિવારે મતદાન થયા બાદ સોમવારે તમામ 9 વોર્ડની 36 બેઠકો માટેની મતગણતરી વિજલપોરની સંસ્કારભારતી શાળામાં સવારે 9 વાગ્યાથી શરૂ કરાઈ હતી. મતગણતરીમાં શરૂઆતથી જ ભાજપના ઉમેદવારોની જીત શરૂ થઈ ગઈ હતી. પ્રથમ 4 વોર્ડમાં તો ભારે લીડ ભાજપીઓને મળી હતી ત્યારબાદ વોર્ડ નં. 5 અને 6મા પણ બધા જ ભાજપી ઉમેદવારો વિજયી થયા હતા.

ઠેર-ઠેર કમળના ધ્વજ અને કેસરી ખેસ સાથે આખું શહેર ભગવા રંગે રંગાયેલું જોવા મળ્યું 

આમ પ્રથમ 6 વોર્ડની તમામ 24 બેઠક ભાજપે કબજે કરી લીધી હતી. જો કે, વોર્ડ નં. 7માં એક બેઠક અને વોર્ડ નં. 9મા 2 બેઠકો ભાજપે ગુમાવવી પડી હતી અને આ 3 બેઠકો કોંગ્રેસે મેળવી સંપૂર્ણ રકાસ ખાળ્યો હતો. વોર્ડ નં. 8માં પણ 4 બેઠક ભાજપે મે‌ળવી હતી. મતગણતરીના અંતે ફાઈનલ રિઝલ્ટ જોતા વિજલપોર પાલિકાની કુલ 36 બેઠકમાંથી 33 બેઠક ઉપર વિજય મેળવી ‘ત્રણ ચતુર્થાંશ’ બહુમતી મેળવવામાં ભાજપને સફળતા મળી હતી.

આ વખતની ચૂંટણીમાં પણ કોંગ્રેસને જીતવાના ફાંફા પડી ગયા, 3 બેઠક માંડ મળી
કોંગ્રેસ 3 બેઠક જ મેળવી શકી હતી. અહીં ઉલ્લેખનીય છે કે ગત 2013ની પાલિકાની ચૂંટણીમાં પણ ભાજપે કુલ 36માંથી 33 બેઠક જ મેળવી હતી. પુન: ભાજપ વિજલપોરમાં પરિણામ રિપિટ કરવામાં સફળ રહ્યો હતો. વિજલપોર પાલિકામાં ભવ્ય વિજય મેળવ્યા બાદ ભાજપની વિજય રેલી શહેરના રાજમાર્ગ ઉપર નીકળી હતી. આ ઉપરાંત વોર્ડમાં પણ જે તે વોર્ડના ઉમેદવારોએ રેલી કાઢી હતી. રેલીમાં વિજેતા ઉમેદવારો સાથે શહેર ભાજપ પ્રમુખ મુકેશ કાનગુડે, બબલુ શર્મા, પ્રદીપ જૈન વગેરે પણ જોડાયા હતા. આખું શહેર ભગવા રંગે રંગાયેલું જણાયું હતું.

શહેર કોંગ્રેસના અગ્રણી નેતા માત્ર 1 મતથી હારી ગયા
પાલિકાની આ ચૂંટણીમાં કોંગ્રેસ માટે સૌથી દુ:ખદ હાર વોર્ડ નં. 6માં થઈ હતી. આ વોર્ડમાં કોંગ્રેસના અગ્રણી અને પાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ભૂતપૂર્વ ચેરમેન રહેલા ભરત ભીમભાઈ પટેલને 1529 મત મળ્યા હતા. જ્યારે ભાજપના ઉમેદવાર વિપુલ સાવલિયાને 1530 મત મળતા માત્ર 1 મતે ભરત પટેલ હારી ગયા હતા. વિજલપોર પાલિકાના હવે પછીના પ્રમુખ બક્ષીપંચના છે ત્યારે ભરત પટેલ કોંગ્રેસના પાલિકા પ્રમુખના દાવેદાર પણ હતા.

બીજી તરફ ભાજપ માટે ‘ગઢ આયા પર સિંહ ગયા’
ભાજપે ભવ્ય વિજય તો મેળવ્યો પરંતુ ‘ગઢ આયા પર સિંહ ગયા’ જેવી સ્થિતિ સર્જાઈ હતી. પક્ષના શહેરના સૌથી સિનિયર અને સતત ચૂંટાતા આવેલા અગ્રણી બિમલેશ શર્મા પ્રથમ વખત જ વોર્ડ 9મા માત્ર 10 મતે હારી ગયા હતા. બિમલેશ શર્મા જ નહીં પક્ષની મહિલા અગ્રણી પ્રવિણાબેન હિંગે પણ વોર્ડ 7માં હારી ગયા હતા. તાજેતરમાં પ્રવિણાબેન સામે પોલીસ કેસ થયા હતા અને તેને લઈ ચર્ચામાં પણ આવ્યા હતા.

પરિણામ અંગે પક્ષના અગ્રણીઓ શું કહે ?
ભાજપ : શહેર પ્રમુખ મુકેશ કાનગુડેએ જણાવ્યું કે ભાજપનો વિજય એ બતાવે છે કે અમારા વિકાસના મુદ્દાને લોકોએ સાથ આપ્યો છે અને વિશ્વાસ પુન: મુક્યો છે. બિમલેશ શર્મા તથા પ્રવિણાબેનની હાર જ્ઞાતિવાદ તથા કેટલાક સ્થાનિક મુદ્દાને કારણે થઈ છે.

કોંગ્રેસ : શહેર પ્રમુખ જગમલ દેસાઈએ જણાવ્યું કે આ પરિણામ એ બતાવે છે કે લોકોએ અમારા ઉપર વિશ્વાસ મુક્યો નથી. છેલ્લા એક-બે દિવસમાં ભાજપે વાતાવરણ પુન: ફેરવી કાઢ્યું હતું. અમે પક્ષના અગ્રણીઓ સાથે બેસી પરાજય અંગે મંથન કરી આગામી સમયની નીતિ બનાવીશું.