9 February 2018

ગાંધીસ્મૃતિ ફાટક સાથે હંગામી એપ્રોચ રોડની માગ


જિલ્લા મેજિસ્ટ્રેટે 20મી ડિસેમ્બર 2017થી 20મી ડિસેમ્બર 2018 સુધી ઈંટાળવાથી એરૂ ચાર રસ્તા તરફ જતા રેલવે ક્રોસિંગવાળા રોડ પ્રતિબંધિત (બંધ) કર્યો હોવાનું જાહેરનામું બહાર પાડ્યું હતુ. તેમ છતાં લોકોની સુવિધા માટે અત્યાર સુધી ફાટક બંધ કરવામાં આવી નથી. હવે ફાટકનું કામ ગતિ પકડશે ત્યારે ફાટક બંધ થઇ જશે જેથી અહીંથી રોજીંદા પસાર થતાં લોકોને લાંબો ચકરાવો લેવો પડશે. આથી આસપાસના ગામના રહીશોએ આ ફાટક બંધ કરવામાં આવે તો નજીકમાં જ હંગામી ફાટક સાથે હંગામી એપ્રોચ રોડની માગ કરી છે.

રેલવે ફાટક બંધ થતાં લોકોને મોટો ચકરાવો લેવો પડશે
અહીં ઉલ્લેખનીય છે કે આ ગાંધીસ્મૃતિ ફાટક બંધ કરાય તે સ્થિતિમાં નજીકની અનેક શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તથા સ્થાનિક લોકો મુશ્કેલીમાં મુકાશે એવી વાત નક્કી છે ત્યારે આ સંસ્થાઓ અને લોકોની સહી સાથે આ વિસ્તારના અગ્રણી ભાજપ કિસાન મોરચાના પ્રમુખ દિપક ઉર્ફે દેવાંશુ દેસાઈ, એથાણના રાહુલ નાયક, હાંસાપોરના મહેશ દેસાઈ, નવસારીના પિયુષ નાયક અને ધર્મેશ નાયકે ગુરૂવારે ઈનચાર્જ કલેકટર તુષાર સુમેરાને રૂબરૂ લેખિત-મૌખિક રજૂઆતો કરી હતી.

આ રજૂઆતમાં જણાવ્યું કે ગાંધીસ્મૃતિ રેલવે ક્રોસિંગની ઉત્તરે વિજલપોર અંડરપાસ તેમજ દક્ષિણે હાંસાપોર રેલવે ક્રોસિંગ દૂર છે. હાંસાપોર રેલવે ક્રોસિંગ તો સવારે 8થી સાંજે 6 વાગ્યા સુધી જ અવરજવર માટે ખુલ્લો રહેતો હોય છે. આ સ્થિતિમાં ગાંધીસ્મૃતિ રેલવે સ્ટેશનની નજીક ટેમ્પરરી રેલવે ક્રોસિંગ બનાવી તેને એપ્રોચ રોડ સાથે ઈંટાળવા એરૂ માર્ગ સાથે જોડી દઈ ગાંધીસ્મૃતિ રેલવે ક્રોસિંગ ડાયવર્ટ કરી રસ્તો ચાલુ રાખી શકાય એમ છે.

સરકારની ડેડીકેડેટ ફ્રેઈટ કોરિડોર યોજના અંતર્ગત હાલની રેલવેની બે ટ્રેક ઉપરાંત વધુ બે ટ્રેક બનનાર છે. જેને લઈને ટ્રેનોની આવૃત્તિ વધતા હાલની રેલવે ફાટકો બંધ કરવી પડે એવી સ્થિતિ સર્જાશે. જેને લઈને સરકારે ઘણી ફાટકો ઉપર રેલવે ઓવરબ્રિજ બનાવવાનો નિર્ણય કર્યો છે. આવો જ એક બ્રિજ ગાંધીસ્મૃતિ રેલવે ફાટક ઉપર પણ બનશે. નવસારી વિસ્તારમાં ગાંધીસ્મૃતિ ફાટક ઉપર પ્રથમ રેલવે ઓવરબ્રિજ બનશે. આ બ્રિજનું ખાતમુહૂર્ત થયા બાદ કામગીરી શરૂ પણ થઈ ગઈ છે. આ પ્રતિબંધિત માર્ગ અવેજીમાં બે વૈકલ્પિક માર્ગની જાહેરાત પણ કરી છે.

માર્ગ મકાન વિભાગ તથા પોલીસ વિભાગ સાથે બેઠક કરીશું

આજે ગાંધીસ્મૃતિ ફાટક રોડ સંદર્ભે એક આવેદનપત્ર જરૂર મળ્યું છે. ગાંધીસ્મૃતિ ફાટક રોડનો નિર્ણય લેવા માટે પ્રથમ તો માર્ગ મકાન વિભાગ, પોલીસ વિભાગ સાથે બેઠક કરી શું શક્ય છે તે જોવું પડશે. - તુષાર સુમેરા, ઈનચાર્જ કલેકટર

લોકોને અગવડ ન પડવી જોઈએ
રેલવે ઓ‌વરબ્રિજનું કામ શરૂ થવાની સ્થિતિમાં પણ ગાંધીફાટક માર્ગ ખુલ્લો જ રાખવો જોઈએ. આ શક્ય પણ છે. હયાત રોડની નજીક માટી પુરાણ કરી રસ્તો બનાવવો જોઈએ. લોકો અને વાહનચાલકોને અગવડ ન પડે તેનું તંત્રએ ધ્યાન રાખવું જોઈએ. - મુન્નાભાઈ પાંચાલ, સામાજિક કાર્યકર, એરૂ

બ્રિજ અંગે સાઈનબોર્ડ મૂકો
રેલવે ઓવરબ્રિજsનું કામ ગાંધીસ્મૃતિ ફાટક નજીક શરૂ કરી દેવામાં આવ્યું છે પરંતુ હજુ સુધી ઓવરબ્રિજ કઈ રીતનો બનનાર છે તેની માહિતી નથી. આ માહિતી આપવા માટે સાઈનબોર્ડ મુકવું જોઈએ. - રાહુલ નાયક, અગ્રણી, એથાણ