10 February 2018

નવસારીમાં પ્રથમ ‘લેકફ્રંટ’ પૂર્ણતાના આરે, આ સુવિધાઓથી છે સજ્જ


નવસારી શહેરમાં દુધિયા તળાવના કિનારે સૌ પ્રથમ આકાર લઈ રહેલો લેક ફ્રંટ પૂર્ણતાને આરે છે. અંદાજે પોણા બે કરોડ રૂપિયાથી વધુના ખર્ચે બની રહેલા લેકફ્રંટમાં અનેક સુવિધા ઉભી કરવામાં આવી છે, જ્યાં હજારો લોકો હરવા ફરવા આવી શકશે.નવસારીની ઓળખ સાથે દુધિયા તળાવ વણાઈ ગયેલું છે. આમ તો આ તળાવનો મુખ્ય ઉપયોગ નગરપાલિકા પાણી યોજના માટે કરી રહી છે.

લુન્સીકૂઇ સાથે લોકોને હવે બીજુ ફરવાનું સ્થળ મળશે

નહેરનું પાણી તળાવમાં લાવી આ પાણીને ફિલ્ટર કરી પાલિકા શહેરીજનોને આપી રહી છે. પાલિકાએ આ તળાવનો વધુ એક ઉપયોગ લોકોપયોગી કરવાનો નિર્ણય લીધો હતો. શહેરમાં નાના ગાર્ડનો સિવાય હરવાફરવાનું કોઈ જ નોંધનીય સ્થળ નથી ત્યારે દુધિયા તળાવને હરવા ફરવાનું સ્થળ બનાવવાનો નિર્ણય પાલિકાએ કર્યો હતો. જે અંતર્ગત દુધિયા તળાવની ફરતે ‘લેક ફ્રંટ’ બનાવાઈ રહ્યું છે. લુન્સીકૂઇ સાથે લોકોને હવે બીજુ ફરવાનું સ્થળ મળશે.

સરબતિયા અને થાણા તળાવને પણ વિકસાવાશે
નવસારી નગરપાલિકાએ ‘લેકફ્રંટ’ બનાવવા માટે સરકારની ‘આગવી ઓળખ’ પ્રોજેકટની ગ્રાંટનો ઉપયોગ કર્યો છે. અંદાજે પોણા બે કરોડ રૂપિયાથી વધુની ગ્રાંટમાંથી ‘લેકફ્રંટ’ બની રહ્યો છે. અગાઉ દુધિયા તળાવ ફરતે માંડ અઢી મીટરની જગ્યાનો ઉપયોગ થતો હતો, તેની જગ્યાએ કિનારના પુરા 4 મીટર યા તેથી વધુ (કેટલીક જગ્યાએ 8થી 10 મીટર) જગ્યાનો મહત્તમ ઉપયોગ કરી લેવામાં આવ્યો છે. તળાવના 40 ટકાથી વધુ ઘેરાવની ફરતે લેકફ્રંટને ડેવલપ કરવામાં આવ્યું છે.

સિનિયર સિટીઝન પાર્ક નિર્માણ કરાયો

દુધિયા તળાવના કિનારે અગાઉથી જ સિનિયર સિટીઝન પાર્ક નિર્માણ કરાયો છે. આ પાર્કને હવે લેકફ્રંટ યોજના થકી વધુ સુવિધાજનક બનાવાયો છે. અહીં ઉલ્લેખનીય છે કે રાજ્યમાં અનેક રિવરફ્રંટ બની રહ્યા છે ત્યારે અહીંની પાલિકાએ શહેરના તળાવોનો ઉપયોગ કરી ‘લેકફ્રંટ’ બનાવવાનો નિર્ણય કર્યો છે. આ લેકફ્રંટ આગામી સમયમાં શહેરનું મુખ્ય હરવા-ફરવાનું સ્થળ બનશે.

લેકફ્રંટમાંથી સુવિધાઓ
  • જોગીંગ પથ: મોટી સંખ્યામાં એકસાથે લોકો વોકિંગ કરી શકશે.
  • ગાર્ડન: તળાવના કિનારાની વધુ જગ્યા જ્યાં છે ત્યાં નાના ગાર્ડનો બનાવાયા.
  • સિટિંગ ફેસિલિટી: થોડા થોડા અંતરે લોકો બેસી શકે તે માટે બાકડા સહિતની સુવિધાઓ.
  • લાઈટિંગ; અનેક જગ્યાએ આકર્ષક લાઈટિંગ મુકાશે, જે ખુબસુરતી વધારશે.
  • ગઝીબો (કુટિર): લોકો આરામ લઈ શકે તે માટે કુટિર પણ બનાવાયા છે. 
  • ફુવારા: સિનિયર સિટીઝન પાર્ક નજીક ફુવારો મુકાશે.
  • ઓપન થિયેટર: નાની પ્રવૃત્તિ માટે મંકોડીયા સામે બનવાયું છે. 
  • ઓપન જીમ: હળવી કસરતો કરી લોકો રિલેક્સ થાય તે માટે બનાવાશે.

85થી વધુ વૃક્ષોનું આવરણ

લેકફ્રંટમાં એક મહત્ત્વની બાબત અહીંના વૃક્ષો છે. આખાય લેકફ્રંટમાં વૃક્ષો અગાઉથી જ હયાત છે. લગભગ 85 જેટલા વૃક્ષો છે તેમાંથી એકપણ વૃક્ષ લેકફ્રંટના નિર્માણ કરવા કાપવામાં આવ્યું નથી. આ હયાત વૃક્ષો ઉપરાંત વધુ વૃક્ષોના રોપાણનું આયોજન છે. આખોય લેકફ્રંટ વૃક્ષાચ્છાદિત હોવાથી લોકો ભરઉનાળે ગરમીમાં પણ ફ્રંટનો લાભ લઈ શકશે. આખો દિવસ ફ્રંટ ઉપયોગી બની શકશે.

શહેરમાં વધુ બે લેકફ્રંટ પણ બનાવાશે
નવસારીમાં દુધિયાતળાવના ફરતે જ માત્ર લેકફ્રંટ પાલિકા બનાવી રહ્યું નથી પરંતુ વધુ બનાવશે. લુન્સીકૂઈ નજીક આવેલા સરબતિયા તળાવ ફરતે તથા જલાલપોર વિસ્તારમાં પોલીસ મથક નજીકના થાણા તળાવના ફરતે પણ લેકફ્રંટ બનશે. આ વધુ બે લેકફ્રંટ બનવાની પણ શરૂઆત થઈ રહી છે.

ટોયલેટ બનાવવાનો વિવાદ, તોડી પડાયું
નવસારીના આ પ્રથમ લેકફ્રંટમાં લોકોને ઉપયોગ અનેક સુવિધાઓ તો છે પરંતુ ટોયલેટની સુવિધા ઉભી થઈ શકી નથી. આ લેકફ્રંટના આયોજનમાં પણ ટોયલેટ હતું જ, નિર્માણ થઈ રહ્યું હતું પરંતુ તળાવ કિનારે ટોયલેટ ન બનાવી શકાય તે બાબતે વિરોધ થતા બનેલું ટોયલેટ તોડી પડાયું હતું.

હોળીના અરસામાં સંપૂર્ણ કામ પુરૂ થશે
દુધિયા તળાવની ફરતે બનાવાઈ રહેલા લેકફ્રંટમાં લોકોની સુવિધાઓનો પૂરો ખ્યાલ રખાયો છે.  90 ટકા કામ પુરુ થયું છે. ઓપન જીમ સહિતના કેટલાક કામો હજુ બાકી છે. જે પુરા થતા હોળીના અરસામાં કામ પુરુ થઈ લોકો માટે ખુલ્લુ મુકાવાની શક્યતા છે. - રાજુ ગુપ્તા, સિટી ઈજનેર, નવસારી પાલિકા