7 February 2018

બોલો, નૂડામાં કેટલાં ગામ બચ્યાં, 6 કે 15? તંત્ર જ અવઢવમાં


નવસારી અર્બન ડેવલપમેન્ટ એજન્સી (નૂડા)ના હદ વિસ્તાર અંગે ગૂંચવણો સર્જાઈ છે. હવે માત્ર 6 ગામો જ નૂડામાં રહ્યા છે એવી માહિતીના આધારે આ 6 ગામોના સરપંચો પણ નૂડામાંથી તેમના ગામોને રદ કરાવવા મંગળવારે કલેકટરાલય દોડ્યા હતા અને એડિશનલ કલેક્ટરને રજૂઆત કરી હતી. સૌપથ્રમ નૂડાની જ્યારે જાહેરાત કરવામાં આવી હતી ત્યારે તેમાં 95 ગામ અને બે શહેરનો સમાવેશ કરવમાં આવ્યો હતો.

ડિસેમ્બર-2015મા સરકારે નવસારી અને વિજલપોર શહેર સહિત નવસારી-જલાલપોર તાલુકાના 97 ગામોને જોડી નવસારી અર્બન ડેવલપમેન્ટ એજન્સી (નૂડા)ની જાહેરાત કરી હતી.

નવસારીથી દૂરના પણ ઘણાં ગામોને નૂડામાં સામેલ કરાતા આ મહત્તમ ગામોમાંથી વિરોધ ઉઠ્યો હતો. જેને લઈને મહત્તમ ગામોને નૂડામાંથી કાઢી 24 ગામો અને 2 શહેરોને જ રાખવામાં આવ્યા હતા. ઘણાં ગામો નીકળી જવા છતાં પણ વધુ ગામોની માગ નૂડામાંથી નીકળી જવાની હતી.

જેને લઈને વિધાનસભાની ચૂંટણી અગાઉ પૂર્ણા નદીપારના વધુ 9 ગામોને નૂડામાંથી રદ કરતુ જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું હતું. 9 ગામોની બાદબાકી બાદ 15 ગામ અને 2 શહેર જ નૂડામાં રહ્યા છે. જોકે હાલમાં એવી વાત વાયુવેગે પ્રસરી છે કે નૂડામાં સામેલ 15 ગામોમાંથી વધુ 9 ગામો નીકળી જઈ હવે નવસારીને અડીને આવેલા 6 ગામો જ રહ્યા છે. માત્ર 6 ગામો જ નૂડામાં રહી ગયાની વાત માની લઈ મંગળવારે નવસારી નજીકના 6 ગામો જમાલપોર, ઈંટાળવા, છાપરા, કબીલપોર, વિરાવળ અને કાલીયાવાડીના સરપંચો-ઉપસરપંચો નવસારી કલેકટરાલય પહોંચી ગયા હતા.

આ ગામોના સરપંચોએ કલેકટરને ઉદ્દેશીને એક લેખિત આવેદનપત્ર એડિશનલ કલેકટર અને નૂડાના કારોબારી અધિકારી કે.એલ. વસાવાને આપ્યું હતું. આ લેખિત રજૂઆતમાં જણાવ્યું હતું કે હવે નૂડામાં 6 ગામો રહી જવા પામ્યા છે. જેથી આ 6 ગામોના સરપંચોની રજૂઆત છે કે આગામી સમયમાં આ છ ગામોને નૂડામાંથી બાદ કરાવવા ઉપલી કક્ષાએ રજૂઆત કરવા વિનંતી છે.

અહીં ઉલ્લેખનીય છે કે 6 ગામના સરપંચ-ઉપસરપંચોની રજૂઆત બાદ નૂડાના હદ વિસ્તાર અંગે જ ગૂંચવણ-અસમંજસતા પેદા થઈ છે. જ્યાં આ ગામના સરપંચો માત્ર 6 ગામો જ નૂડામાં રહ્યાની વાત કરી રહ્યા છે ત્યારે બીજી તરફ નૂડાની સ્થાનિક કચેરીમાં 15 ગામો અને 2 શહેર નૂડામાં બોલી રહ્યા છે.

બાંધકામની મંજૂરી મળવામાં મુશ્કેલી
નૂડામાં ગામને સમાવાયા બાદ બાંધકામ વગેરેની પરમિશન લેવામાં તકલીફ પડે છે. લોકોને નૂડા કચેરીએ ધક્કા ખાવા પડે છે અને સમયવધુ જાય છે. મહિનામાં ઘર બાંધવાની શરૂઆત કરનારને રાહ જોવી પડે છે. પંચાયતમાં કામ તરત જ થઈ જાય છે. નૂડામાંથી પરમિશન લેવામાં મુશ્કેલી પડી રહી છે અને ગામનો વિકાસ પણ અવરોધાયો છે. - હસુમતીબેન પટેલ, સરપંચ છાપરા