17 February 2018

અનેક રેસ્ટોરાં સંચાલકોની પ્રાંતના લાઇસન્સની તજવીજ


નવસારીમાં પ્રાંત અધિકારીએ લાયસન્સ અને અન્ય બાબતે 20 જેટલી રેસ્ટોરાને સીલ કર્યા બાદ આ 20 હોટેલો સિવાય પણ અનેક રેસ્ટોરા ચાલકોએ લાયસન્સ માટે તજવીજ હાથ ધર્યાની જાણકારી મળી છે.

તાજેતરમાં નવસારીના પ્રાંત અધિકારી અને સબ ડીવીઝ્નલ મેજીસ્ટ્રેટ કુ.નેહાએ નવસારી શહેરમાં આવેલી અનેક હોટેલોમાં લાયસન્સ સહિત અન્ય બાબતોની ચકાસણી હાથ ધરી હતી. ચકાસણી દરમિયાન 20 જેટલી હોટેલોમાં લાયસન્સ ન હોવા ઉપરાંત અન્ય બાબતોની અનિયમિતતા બહાર આવી હતી. આ 20 હોટેલોને તાબડતોડ સીલ કરી દેવાઇ હતી.

બાદમાં આ સીલ હોટેલનાં સંચાલકોએ લાયસન્સની કાર્યવાહી હાથ ધરી હતી અને તેને લઇને રેસ્ટોરા પુન: ખોલી શકાઇ હતી. સરકારી સુત્રોમાંથી મળતી માહિતી મુજબ હોટેલ ચાલકો માટે પ્રાંત કચેરી (સબ ડીવીઝ્નલ મેજીસ્ટ્રેટ) નું લાયસન્સ પણ જરૂરી હોય છે. આમ છતાં ઘણી રેસ્ટોરા આ લાયસન્સ મેળવતા નથી (જે બાબત હાલનાં ચેકીંગમાં ખુલી હતી) હજુય નવસારી પંથકમાં કેટલીય રેસ્ટોરા પાસે લાયસન્સ ન હોવાની શક્યતા છે. આ લાયસન્સ નહીં ધરાવતી રેસ્ટોરામાંથી કેટલાકે લાયસન્સ મેળવવાની તજવીજ હાથ ધર્યાની જાણકારી મળી છે. પ્રાંત કચેરીમાંથી અંદાજે 15થી વધુ ફોર્મ લાયસન્સ માટે રેસ્ટોરા સંચાલકો લઇ ગયાની જાણકારી મળી છે. તંત્રની કડક કાર્યવાહીને લઇને જ અનેક રેસ્ટોરા સંચાલકો લાયસન્સ મેળવવા હવે સક્રિય થયા છે.