19 February 2018

નવસારી પાલિકાને 1.82 કરોડના ખર્ચે 'કોર્પોરેટ લુક' અપાશે


શહેરીજનો સૌથી વધુ સેવાઓ માટે અહીંની પાલિકા કચેરી સાથે જ જોડાયેલા રહે છે. રોજીંદા મોટી સંખ્યામાં લોકો અહીંની પાલિકા કચેરીએ અવરજવર કરે છે. આમ તો નવસારી પાલિકા જુના ગાયકવાડી સમયથી અસ્તિત્વમાં આવેલી છે પરંતુ હાલનું જે મકાન છે તે સને 1973 માં બનાવવામાં આવ્યું છે. મકાન બન્યાને 45 વર્ષ થયા છે જેમાં આંતરિક થોડા ફેરફારો સમયાંતરે કરવામાં આવતા રહ્યાં છે.

સમય બદલાયો છે ત્યારે પાલિકાની કાર્યશૈલી, લોકોની માંગ વિગેરે પણ સહજ બદલાઇ છે ત્યારે હાલનાં સત્તાધીશોએ હાલની પાલિકાની કચેરીને અદ્યતન ‘કોર્પોરેટ લુક’ આપવાનો નિર્ણય લીધો છે. હાલની કચેરી પ્રમાણમાં જુનાઢબની, વિવિધ વિભાગો ગમે ત્યાં આયોજનબદ્ધ નથી ત્યારે આગામી પાલિકાની કચેરીને આયોજનબદ્ધ, લોકાભિમુખ બનાવવાનો નિર્ણય લેવાયો છે. અંદાજે 1.82 કરોડનાં ખર્ચે કચેરીનો નવો લુક અપાશે ત્રણ માળની હાલની કચેરીમાં ભોંયતળિયે અને પહેલા માળે જ પાલિકા કચેરી કાર્યરત છે, ત્યારે આ ભોંયતળિયે, પ્રથમ માળે ઉપર જ અદ્યતન રીનોવેશન કરવામાં આવશે પ્રારંભિક કામગીરી શરૂ થઇ ગઇ છે. ભોંયતળિયે ચાલતી પાલિકાની ઓફિસો શાકમાર્કેટનાં પ્રથમ માળે શિફ્ટ પણ થઇ ગઇ છે. નવી કચેરીમાં લોકોને સુવિધા સારી મળે તેનું ધ્યાન રખાનાર હોવાનું જાણવા મળ્યું છે.

હાલની કચેરી જુના ઢબની, વિવિધ વિભાગો આયોજનબદ્ધ નથી, ભોંયતળિયે ચાલતી પાલિકાની ઓફિસો શાકમાર્કેટનાં પ્રથમ માળે શિફ્ટ થઇ

મહાપાલિકાની જરૂરિયાત સંતોષાશે
નવસારી પાલિકાએ રાજ્યની સૌથી મોટી પાલિકામાંની એક છે. આ ‘અ’ વર્ગની પાલિકાનાં નજીકનાં વિસ્તારોને ભેળવી ‘મહાનગરપાલિકા’ બનાવવાની દરખાસ્ત છે અને ભવિષ્યમાં બનશે એવી પૂરી શક્યતા પણ છે. આ સ્થિતિમાં ભવિષ્યમાં પણ વિચાર કરી હાલની પાલિકા કચેરીનાં બાંધકામને અપગ્રેડ કરી નવીન બનાવાથી ફાયદો થશે.

છ-સાત મહિનામાં કામ પૂર્ણ થવાની આશા 
નવસારી પાલિકાની નવી કચેરીના નિર્માણ માટે 90 લાખની સરકારી ગ્રાંટ તથા અન્ય રકમ સ્વભંડોળમાંથી ખર્ચાશે. પ્રાથમિક કામ શરૂ થઇ ગયું છે. આગામી છ-સાત મહિનામાં કામ પુરું થઇ જવાની આશા છે. રાજુ ગુપ્તા સીટી ઇજનેર, નવસારી પાલિકા

નવી કચેરી કેવી હશે? 
  • જન સેવા કેન્દ્ર તથા વેરાલક્ષી તમામ વિભાગ એક સાથે (લોકોની સુવિધા માટે).
  • મહત્તમ સેવાઓમાં ડીજીટલાઇઝેશન, કમ્પ્યુટરરાઇઝ સેવા.
  • લોકોને સીધી રીતે સ્પર્શતી 80 ટકા સેવાઓ એક જ જગ્યાએ (એક વિન્ડો સિસ્ટમ જેવું)
  • લોકોને માટે વેઇટીંગ રૂમ જેવી બેસવાની ફેસીલીટી.
  • પ્રમુખ, સીઓ, ઉપપ્રમુખ, એક્ઝીક્યુટીવ, ચેરમેનો જેવા ઉચ્ચ પદાધિકારી-અધિકારીઓની નજીકમાં ચેમ્બરો.
  • તમામ કમિટીના ચેરમેનોની અલાયદી ચેમ્બર.
  • હાલની ખુલ્લી ચેમ્બરોની જગ્યાએ સુવિધામુક્ત બંધ ચેમ્બરો.

સમયની જરૂરિયાત છે 
હાલની પાલિકા કચેરી જૂની થઇ ગઇ છે. સમયની જરૂરિયાત જોતાં તેને અદ્યતન બનાવવાની જરૂરિયાત જોતાં નવી કચેરીઓ બનાવાઇ રહી છે. સરકારે આ માટે ગ્રાંટ આપી છે. પ્રેમચંદ લાલવાણી, એક્ઝિકયુટિવ સમિતી ચેરમેન