13 February 2018

બે સપ્તાહમાં નવસારી પાલિકાએ 70થી વધુ લારીગલ્લા - શેડના દબાણો દૂર કર્યા


નવસારીમાં સોમવારથી પાલિકા તંત્રએ શહેરમાં હયાત લારી ગલ્લાનાં વધારાનાં શેડ સહિતનાં દબાણ હટાવવાની કામગીરી શરૂ કરી હતી.


નવસારી શહેરમાં મોટી સંખ્યામાં લારી ગલ્લાઓ આવેલા છે. જેમાં કેટલીક જગ્યાએ હોકીંગ ઝોનની રીતે મોટી સંખ્યામાં એકસાથે એક જગ્યાએ આવેલા છે, તો કેટલાય લારીગલ્લા ટ્રાફિકને નડતરરૂપ રોડને લાગુ પણ ઉભા રહેતા આવેલા છે. અહીં પાલિકા ઘણા સમયથી ઉભા લારી ગલ્લાઓ પાસે ભાડું વસુલાતી આવી છે. જ્યારે કેટલાક પાછળથી ઉભા લારી ગલ્લા પાછળથી ઉભા લારી ગલ્લા પાસે ભાડું પણ વસુલતી નથી.

લગભગ બે અઠવાડિયાથી નવસારી પાલિકા શહેરમાં નડતરરૂપ લારીગલ્લા હટાવ અભિયાન શરૂ કર્યું છે. આ અભિયાન અંતર્ગત ગણદેવી રોડ, સ્ટેશન પશ્ચિમ સહિતના મુખ્યમાર્ગ પરના અંદાજે 70થી વધુ લારીગલ્લા ઉઠાવી લીધા છે. હજુ આ અભિયાન જારી જ રાખ્યું છે. આ દરમિયાન સોમવારથી પાલિકાએ વર્ષોથી ઉભેલ લારીગલ્લાઓ દ્વારા ઉભા કરેલ વધારાનાં શેડ, દબાણો હટાવવાની કામગીરી શરૂ કરી છે. અનેક લારીગલ્લાવાળાઓને પાલિકા ઓછી જગ્યા માટે લારી ઉભા રાખવા મંજૂરી આપી છે પરંતુ કેટલાક લારીગલ્લાવાળા મોટા શેડ વધારી વધુ દબાણ કરી રહ્યાં છે. આવા વધારાના શેડ સહિતના અન્ય દબાણ હટાવવાનું શરૂ કર્યું છે. સોમવારે સાંજે સ્ટેશન વિસ્તાર (પૂર્વ બાજુ)માં જે લારીઓ ઉભી રહી છે તેનાં શેડ વિગેરેનાં વધારાનાં દબાણો દૂર કર્યાં હતાં. સાથોસાથ જે દબાણો હાલમાં દૂર કર્યા હતા તે પૂન: સ્થપિત થઈ ગયા છે કે નહીં તે અંગે મોનીટરીંગ પણ શરૂ કર્યું છે.