25 February 2018

નવસારીના તળાવમાં પાણીની આવક વધતા લોકોને વધુ પુરવઠો અપાશે


નવસારીવાસીઓને આગામી દિવસોમાં હવે રોટેશન પ્રમાણે પાણી પુરવઠો પૂરો પાડવામાં આવશે. જેમાં ચાર દિવસ સવાર સાંજ બે વખત અને ત્રણ દિવસ એક જ વખત પાણી અપાશે. અગાઉ માત્ર એક જ ટાઈમ પાણી અપાતું હતું. હાલ દુધિયા તળાવમાં પાણીની આવક વધતા પાલિકા સત્તાધિશોએ લોકોને પાણીમાં આંશિક રાહત આપતો નિર્ણય કર્યો છે. જેને લઇ નગરજનોમાં આનંદની લાગણી છવાઇ છે

નહેર શરૂ થતાં નવસારીના દુધિયા તળાવમાં પાણીની આવક વધતા લોકોને વધુ પુરવઠો અપાશે
ઉકાઈ કાકરાપાર નહેરમાં મોટાપાયે કામ કરવામાં આવ્યું હતું. જેના કારણે નહેરમાં પાણી પુરવઠો છોડાયો ન હતો. આ ઉપરાંત વરસાદ ઓછો થવાને કારણે ડેમમાં પાણીની આવક ઓછી રહી હતી. જેના કારણે ચાલુ વર્ષે ડાંગરને પાણી આપવામાં આવ્યું ન હતું. ફક્ત શેરડી માટે જ પાણીની વ્યવસ્થા કરાઈ હતી. હાલ પાણીનું રોટેશન શરૂ થતા નહેરમાં પાણી આવવાના કારણે નવસારીના દુધિયા તળાવમાં પણ પાણીનો પુરવઠો વધ્યો હતો.

જેના કારણે શહેરીજનોને આગામી દિવસોમાં પાણીમાં આશિંક રાહત મળશે. પાલિકા સત્તાધિશોએ શહેરીજનોને અઠવાડિયા (સપ્તાહ)માં એકાંતરે ચાર દિવસ મંગળવાર, ગુરૂવાર, શનિવાર અને રવિવારના દિવસમાં સવાર-સાંજ એમ બે વખત તેમજ સપ્તાહમાં ત્રણ દિવસ સોમવાર, બુધવાર અને શુક્રવારના દિવસમાં એક જ વખત પાણી આપવામાં આવે તેવું આયોજન કર્યું છે. અગાઉ શહેરીજનોને દિવસમાં એક જ સમયે પાણી આપવામાં આવતું હતું પરંતુ હવે દુધિયા તળાવમાં પાણીનો પુરવઠો વધતા રોટેશન પ્રમાણે પાણી લોકોને આપવાનું નક્કી કરાતા શહેરીજનો માટે આંશિક રાહત સાંપડી છે.

પાણી હજુ કરકસરપૂર્વક વાપરવા માટે અપીલ
હાલ ભલે દુધિયા તળાવમાં પાણીનો જથ્થો વધ્યો હોય પરંતુ આગામી રોટેશન નહેરનું 22 દિવસ કે તે પછીના દિવસો લંબાવાય તેવી શક્યતા પ્રબળ હોવાથી લોકોને પાણીનો વપરાશ કરકસરપૂર્વક કરવા નગરપાલિકા પ્રમુખ અલકાબેન દેસાઈએ કરી છે. પાણીનો બગાડ નહીં થાય અને આગામી સમયમાં પણ પાણીનો જથ્થો દુધિયા તળાવમાં બની રહે તો તેનો ઉપયોગ લાંબાગાળા સુધી કરી શકાશે અને પાણીની ખેંચ ઓછી વર્તાશે. - અલકાબેન દેસાઈ, પ્રમુખ, નવસારી નગરપાલિકા

અગાઉ બોરનાં પાણી મિક્સ કરવા પડતા હતાં
અગાઉ લોકોને પાણી બોરમાંથી મિક્સ કરીને પુરું પાડવામાં આવતું હતું પરંતુ હવે પાણીનો જથ્થો વધતા મીઠું પાણી લોકો સુધી પહોંચાડવામાં આવશે. - રાજુભાઈ ગુપ્તા, ઈનચાર્જ ચીફ ઓફિસર, નવસારી નગરપાલિકા