24 February 2018

નવસારી પોસ્ટઓફિસ ખાતે પાસપોર્ટ સેવા કેન્દ્રનો પ્રારંભ


નવસારી સુપ્રિન્ટેડન્ટ ઓફ પોસ્‍ટ ઓફિસ નવસારી ડિવિઝન હેડ પોસ્‍ટ ઓફિસ ખાતે પોસ્ટ ઓફિસ પાસપોર્ટ સેવા કેન્દ્રનો પ્રારંભ સાંસદ સી.આર.પાટીલે કર્યો હતો.

સાંસદ સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, કેટલાંક સમયમાં પોસ્ટ ઓફિસની કામગીરી બંધ થવાની તૈયારીમાં હતી. વડાપ્રધાને મેઇક ઇન ઇન્ડિયા મુવમેન્ટમાં પોસ્ટઓફિસમાં આધારકાર્ડ, પાસપોર્ટ સેવા મળી રહે એવું આયોજન હાથ ધરી આ સેવા સાથે અન્ય સેવાને સાંકળીને પોસ્ટ ઓફિસને ધમધમતી કરી પોસ્ટલ સર્વિસને જીવંત કરી છે. ઘણા કિસ્સામાં પાસપોર્ટ કાઢવા અગવડ પડતી હતી, પરંતુ તેમને દુર કરી પબ્લીકને થતી તકલીફ નિવારી 7 દિવસમાં પાસપોર્ટ મળે એવું આયોજન હાથ ધરાયું છે. લોકોને સુરત જવું ન પડે અને નવસારીની જનતાને પાસપોર્ટ મળે એવી વ્યવસ્થા કરાઇ છે. લોકોને ઘરઆંગણે પાસપોર્ટ સેવા માટે 4થી એપ્રિલ સુધીમાં 250 જેટલા પાસપોર્ટ સેવા કેન્દ્ર શરૂ કરાશે. સુરતથી ગોવા માટે આજથી સંપર્કક્રાંતિ એકસપ્રેસનું સુરત સ્ટોપેજ મળશે.

પોસ્ટ માસ્ટર જનરલ વિનિત માથુરે જણાવ્યું હતું કે, નવસારીની જનતાની માંગ લીધે પાસપોર્ટ સેવા કેન્દ્રને પ્રારંભ કરાયો છે. પાસપોર્ટના તમામ દસ્તાવેજો ચેક કરી ટુંક સમયમાં પાસપોર્ટ મળે એવો અભિગમ રહ્યો છે. પાસપોર્ટમાં આધાર રજીસ્ટર કરવાની પણ સુવિધા પ્રાપ્ત થશે. દેશમાં પોસ્ટ ઓફિસના સૌથી મોટા નેટવર્કમાં નાગરિક સેવા માટે પસંદ કરી કાર્યરત કરાઇ છે. ઇન્ચાર્જ કલેકટર તુષાર સુમેરાએ જણાવ્યું હતું કે, આજથી 10-15 વર્ષ પહેલા પાસપોર્ટ કઢાવવા ઘણી તકલીફ પડતી હતી પરંતુ વર્તમાન સરકારે પાસપોર્ટને પબ્લિક સેવાના રાઇટસ આપી આવી સેવાઓ લોકોને નજીકના સ્થળે મળી રહે એવું આયોજન હાથ ધરી કાર્યરત કરાઇ છે. સેવા કેન્દ્રનો પહેલા ગ્રાહક હુ બનીશ. જેનો નવસારીની જનતાને પણ લાભ લેવા ભાર મૂકયો હતો.