16 February 2018

વિજલપોર એરૂમાં ખાદ્યચીજોનું અચાનક ચેકિંગ


વિજલપોર-એરૂ વિસ્તારમાં ગુરૂવારે ફુડ વિભાગે રેસ્ટોરન્ટ, ખાણી-પીણીની લારીઓ ઉપર ચેકીંગ હાથ ધરતા ફફડાટ વ્યાપી ગયો હતો. ચેકીંગ દરમિયાન કેટલીક ખાદ્યચીજોનો નાશ કરાયો હતો.


ખાદ્યચીજ વસ્તુઓની ચેકીંગની કામગીરી હાથ ધરી

જિલ્લા ફુડ વિભાગે ગુરૂવારે સવારથી વિજલપોરનાં પશ્ચિમ વિસ્તારમાં ફુડ ચેકીંગની કામગીરી હાથ ધરી હતી. ફુડ ઇન્સપેક્ટર સ્વાતિબેન.આર. પટેલે વિજલપોરનાં ફાટક વિસ્તારથી શરૂ કરી એરૂ ચાર રસ્તા વિસ્તારમાં આવેલ રેસ્ટોરન્ટ, ભોજનાલય, ખાણી-પીણીની લારીઓ ઉપર ખાદ્યચીજ વસ્તુઓની ચેકીંગની કામગીરી હાથ ધરી હતી. 10થી વધુ લારી-રેસ્ટોરન્ટમાં ચકાસણી કરવામાં આવી હતી. ફુડ વિભાગનાં સૂત્રોનાં જણાવ્યા મુજબ ચકાસણી દરમિયાન વાંધાજનક કેટલીક ખાદ્ય ચીજ વસ્તુઓનાં જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો.

નાશ કરાયેલ વસ્તુઓમાં 1 કિલો ખમણની લીલી ચટણી, 20 કિલો તળેલું તેલ, 1 કિલો દહીં રાયતા, મરચું પાવડર (કલરમુક્ત ભેળસેળ જણાતા), 3 કિલો બોઇલ નુડલ્સ, 500 ગ્રામ શ્રીખંડના જથ્થાનો સમાવેશ થાય છે. વિજલપોર ફાટકથી લઇને નારણલાલા કોલેજ સુધીનાં વિસ્તારમાં આવેલ ખાદ્ય ચીજવસ્તુઓનાં વિતરણ કેન્દ્રો ઉપર ચેકીંગ કરાયું હતું. વધુમાં એક જગ્યાએથી ઘારીનો સેમ્પલ પણ લેવામાં આવ્યો હતો. આ સેમ્પલને ચકાસણી માટે રાજકોટ લેબોરેટરીમાં મોકલવામાં આવશે.


અનેક લારીઓ ટપોટપ બંધ
વિજલપોર ફાટકથી એરૂ ચાર રસ્તા વિસ્તારમાં અનેક રેસ્ટોરન્ટની સાથે બેકરી તથા ઘણી ખાણીપીણીની લારીઓ આવેલી છે. ચેકીંગથી ખાદ્યચીજોનું વેચાણ કરનારાઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો. ચેકીંગની જાણ થતાં જ ઘણી ખાદ્યચીજોની લારીઓ ટપોટપ બંધ થઇ હતી. કેટલાકે તો લારીઓ લઇ ચાલતી પકડી હતી. આ લારીઓમાં ખાદ્યચીજોનું ચેકીંગ થઇ શક્યું ન હતું. આગામી દિવસોમાં પૂન: આ બંધ લારીઓમાં ચેકીંગ થાય એવી શક્યતા છે.