2 February 2018

નવસારીમાં સીલ કરાયેલી રેસ્ટોરાંનાં સંચાલકોની લાયસન્સ લેવા દોડધામ


નવસારીમાં સીલ કરેલ દુકાનોમાંથી ઘણી દુકાનોના સંચાલકોનો સમુહ ગુરૂવારે પ્રાંત કચેરીએ પહોંચી લાયસન્સ લેવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. બીજી તરફ ગુરૂવારથી દુકાન શરૂ કરવા દેવાની કેટલીક રેસ્ટોરા ચાલકોની માંગ ફગાવી દેવાઇ હતી. રેસ્ટોરા સંચાલકોએ લાયસન્સ લેવા પ્રાંત કચેરીઓ કાર્યવાહી શરૂ કરી હોવાની વિગતો બહાર આવી છે.

નવસારીનાં સબડીવીઝનલ મેજીસ્ટ્રેટ (પ્રાંત અધિકારી) કુ. નેહાકુમારી તથા તેમની ટીમે બુધવારે નવસારી શહેરની હોટેલોમાં ચકાસણી કામગીરી હાથ ધરી હતી. આ ચકાસણી દરમિયાન પ્રથમ તો ચાર હોટેલો લુન્સીકુઇ સરબતીયા તળાવ નજીકની ડોમિનોઝ પીઝા, રીસ્ટ્રોબીસ્ટ્રો ઉપરાંત ચટરપટર અને કોર્ટ સામેની રેસ્ટોરા તુલસીમાં લાયસન્સ ન હોવું યા અન્ય અનિયમિતતા જણાતા તેમને તાબડતોડ સીલ કરી દેવાઇ હતી.

ત્યારબાદ શહેરમાં પારસી હોસ્પિટલ સામેની ખાઉધર ગલીમાં આવેલ હોટેલો અને ગણદેવી રોડની હોટેલોમાં ચેકીંગની કામગીરી આરંભી હતી. ત્યાંની પણ અન્ય 16 હોટેલોમાં લાયસન્સ ન હોવાની યા ફુડ ગુણવત્તા, સ્વચ્છતા વિગેરે અનિયમિતતા જણાતા તેને પણ સીલ કરાઇ હતી. આ 16 હોટેલોમાં સુરતી ઢોસા, લઝીઝ પીઝા, પંજાબી તડકા, અજય પીઝા, એસ.એચ.ઢોસા, ચટાકાઝ, સાંઇ ફેન્સી ઢોસા, કેફે સાઉથ, બોમ્બે ગ્રીલ, બડીઝ ફાસ્ટફુડ્ઝ, કેફે ક્લાસે, ફુડ સ્ટ્રીટ, સીઝન રેસ્ટોરન્ટ, મહાવીર રેસ્ટોરન્ટ, ડબલ્યું ટી એફ અને ફોર્મીંગ કોર્નરનો સમાવેશ થાય છે. આમ કુલ 20 હોટેલ-રેસ્ટોરન્ટોને સીલ મરાતાં નવસારીમાં ફફડાટ વ્યાપી ગયો હતો.