22 February 2018

નવસારીમાં 15 હજાર મિલકતદારોને વેરા નોટિસ


નવસારી નગરપાલિકા દ્વારા આગામી દિવસોમાં વેરાવસૂલાત માટે કડકાઈ દાખવવામાં આવશે. પાલિકામાં મુખ્યત્વે મિલકતવેરો, વ્યવસાય વેરો, માર્કેટ શાખાના ભાડાઓની વેરા માટેની વસૂલાત, પાણી-નળવેરો વગેરે વેરા ભરવામાં લોકોએ ઉદાસીનતા દાખવી છે. જેના કારણે આગામી માર્ચ 2018 સુધીમાં વેરા વસૂલાત 100 ટકા થવાની શક્યતા કે તેની નજીક પણ પહોંચી શકાય તેવી સ્થિતિ નથી.

વેરા વસૂલાતમાં માત્ર નોટિસ ઈસ્યુ કરીને પાલિકા દ્વારા આજદિન સુધી કામ ચલાવાતું હતું પરંતુ હવે આ વસૂલાત માટે કડક કાર્યવાહી કરવાનો પાલિકા સત્તાધિશોએ નિર્ણય લીધો છે. તેના ભાગરૂપે હાલ 15000 મિલકતદારોને બાકી વેરો ભરી જવા માટે નોટીસ મોકલી દેવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે 11000 જેટલી નોટીસ મકાનમાલિકો અને 4000 જેટલી નોટીસ દુકાનદારોને આપવામાં આવી છે. અત્યાર સુધીમાં ગત વર્ષના બાકી વેરા સાથે પાલિકા દ્વારા માત્ર 62 ટકા એટલે કે સાડા સાત કરોડની જ રિકવરી કરાઈ છે. જ્યારે ડિમાન્ડ 12 કરોડની છે.

ગત વર્ષે અઢી કરોડ જેટલી રકમનો વેરો બાકી હતો, જેથી વેરા વસૂલાત માટે કડક કાર્યવાહીનો નિર્ણય લેવાયો છે. હાલ 7 દિવસ માટે નોટિસ ઈસ્યુ કરી વેરો ભરપાઈ કરવા તાકિદ કરી છે પરંતુ જો તેમ નહીં થાય તો બાકી વેરાના મિલકતદારોના નળ તથા ડ્રેનેજ કનેકશન કાપી નાંખવાની અને તેનાથી એક ડગલું આગળ વધી મિલકત સીલ કરવાની પ્રક્રિયા હાથ ધરવા અંગે પણ મિલકતદારોને તાકિદ કરાતા બાકીદારોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

એક ટીમ બનાવી કાર્યવાહી શરૂ કરાઈ 
નવસારી નગરપાલિકાના બાકી નીકળતા લેણાઓ જેવા કે મિલકત વેરો, વ્યવસાય વેરો, માર્કેટ શાખાના ભાડા, વેરાઓ માટેની વસૂલાત માટે નગરપાલિકા દ્વારા ટીમ બનાવી બાકી લેણાં ભરપાઈ કરવાની ઘનિષ્ઠ ઝૂંબેશ શરૂ કરાઇ છે. આ ટીમ પાલિકાના વેરા વસૂલાત ની કામગીરી કરશે.

વેરાની વસૂલાત માટે માંગણાપત્રક મોકલાયાં 
મિલકતદારોને ચાલુ સાલના વેરા માટે માંગણાપત્રક મોકલવામાં આવ્યા છે. ઘણાં લોકોએ વેરો ભરીને પાલિકાને સહકાર આપ્યો છે પરંતુ હજી સુધી ઘણાં એવા મિલકતદારો પણ છે જેનો ગત વર્ષનો વેરો પણ બાકી છે. જેથી 15000 જેટલા માંગણાપત્રક મોકલાયા છે. શૈલેષભાઈ નાયક, અધિકારી, વેરા વિભાગ

શનિ-રવિ અને જાહેર રજામાં પણ વેરો સ્વીકારાશે 
નવસારી નગરપાલિકા કચેરીમાં સમયસર વેરો ભરી શકાય તે માટે પાલિકાની વેરા શાખામાં ઓફિસ સમય દરમિયાન તથા શનિ-રવિ તથા જાહેર રજાના દિવસે વેરો સ્વીકારવા માટે ખુલ્લી રહેશે. એવી જાણકારી મળી છે.