6 February 2018

ધોળે દહાડે 2 બંધ ફલેટમાંથી 1.5 લાખની ચોરી


જલાલપોર પંથકમાં આવેલા વિજલપોરના પુષ્ટી પ્લેટીનમ રેસિડેન્સી એપાર્ટમેન્ટમાં બે બંધ મકાનોને રવિવારે તસ્કરોએ નિશાન બનાવતા ચકચાર મચી છે. થોડા દિવસો અગાઉ જ એરૂ ચાર રસ્તા વિસ્તારમાં પણ ચોરીની ઘટના ઘટી હતી. હજી તે ચોરીનો ભેદ ઉકેલાયો નથી ત્યાં વધુ બે બંધ મકાનમાં થયેલી ચોરીથી પોલીસ દોડતી થઈ ગઈ છે. જલાલપોર પોલીસે આ ઘટનાની નોંધ લઈ એફએસએલ અને ડોગ સ્કવોર્ડની મદદથી તપાસ શરૂ કરી છે. એક ઘરમાં રૂ. 47 હજાર રોકડા સહિત સોનાના દાગીનાની ચોરી થઇ હતી,જ્યારે બીજા ઘરમાં પણ રૂ. 70 હજારથી વધુની ચોરી થઇ હતી.

એરૂ ચાર રસ્તા વિસ્તારની ઘટનાનો ભેદ ઉકેલાયો નથી
જલાલપોર પંથકમાં છેલ્લા કેટલાક વખત એક પછી એક ટૂંકાગાળામાં જ ઘરફોડ ચોરીની ઘટનાએ જલાલપોર પોલીસની ઉંઘ હરામ કરી દીધી છે. અગાઉની ચોરીની ઘટનાનું પોલીસ પગેરુ મેળવી શકી નથી ત્યાં વિજલપોરની દિવ્યેશ સ્કૂલ સામે આવેલા પુષ્ટી એપાર્ટમેન્ટના બે બંધ મકાનોને તસ્કરોએ નિશાન બનાવ્યા છે. દિનદહાડે બપોરે 1થી સાંજે 5.30 કલાક બનેલી આ ઘટનાને લઈ પોલીસ પણ ચોંકી ઉઠી છે. મળતી માહિતી મુજબ પુષ્ટી એપાર્ટમેન્ટમાં પહેલા માળે ફલેટ નં. 102માં રહેતા શિક્ષિકા મયુરીબેન નિલેશભાઈ પટેલ ઘર બંધ કરીને એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે પહોંચ્યા હતા.


તેમની સાથે સાસુ અને બે બાળકો રહે છે પરંતુ તેઓ પણ ગામ ગયા હતા. તેથી ઘરને તાળુ મારી મયુરીબેન પટેલ કાર્યક્રમમાં ગયા હતા. એ દરમિયાન તસ્કરોએ તેમના બંધ ઘરને નિશાન બનાવ્યું હતું. લોક તોડી તસ્કરો ઘરમાં પ્રવેશ્યા હતા અને બે રૂમમાં મુકેલા કબાટ ખુલ્લા જ હોવાથી (લોક કર્યા નહતા) તેનો લાભ ઉઠાવી રોકડા રૂ. 47 હજાર, કાંડાની ઘડિયાળ નંગ 2, રૂ. 30 હજારની કિંમતની 2 નંગ સોનાની બંગડી, રૂ. 5 હજારની સોનાની વીટી નંગ-1 મળી કુલ રૂ. 86 હજારની મત્તાની ચોરી કરી ગયા હતા. મયુરીબેન જ્યારે ઘરે પરત થયા ત્યારે ઘરના દરવાજાને મારેલુ લોક ખુલ્લુ જોતા ચોંકી

તસ્કરો સફળતાથી હાથફેરો કરી રૂ. 1.5 લાખની ચોરી થઇ હતી

તસ્કરોએ મયુરીબેન પટેલના ઘરની સામે જ શીતલબેન પટેલના બંધ મકાનને પણ નિશાન બનાવ્યુ હતું. તેમના ઘરમાંથી પણ કેટલીક સામગ્રીની ચોરી થઇ હતી. જોકે સોમવારન રોજ ઘરે આવ્યા બાદ રૂ. 70 હજારથી વધુની ચોરી થયાનું બહાર આવ્યુ હતુ. બંને ઘર બંધ હોવાથી તસ્કરો સફળતાથી હાથફેરો કરી રૂ. 1.5 લાખની ચોરી થઇ હતી. જોકે એક પછી એક ચોરીની ઘટનાથી પોલીસ દોડતી થઈ ગઈ છે. આ ઘટનાની વધુ તપાસ પીએસઆઈ એચ.પી. ગરાસીયા કરી રહ્યા છે.

એરૂમાં બે બંધ મકાનમાં સવા લાખના દાગીના ચોરાયા હતા

વિજલપોરને અડીને આવેલા એરૂ ચાર રસ્તા વિસ્તારમાં સીતારામનગર અંકુરપાર્કમાં રહેતા હિતેશભાઈ પટેલ 23 ડિસેમ્બર 2017 શનિવારે શિરડી જવા રવાના થયા હતા. તેઓ જ્યારે રવિવારે વહેલી સવારે ઘરે આવ્યા તો તેમના બંધ મકાનના પણ ચોરી થયાનો ખ્યાલ આવ્યો હતો. પલંગના ગાદલામાં મુકેલા રૂ. 1.29 લાખના દાગીના તસ્કરો ચોરી કરી ગયા હતા.

જે હાલની બજાર કિંમત પ્રમાણે જોતા તેની કિંમત રૂ. 2.50 લાખ થાય છે. હજી આ કેસમાં પણ પોલીસને સફળતા મળી નથી ત્યાંજ નજીકમાં જ વધુ બે બંધ ફલેટને તસ્કરોએ નિશાન બનાવતા જિલ્લામાં તસ્કરોનો કહેર વર્તાય રહ્યો છે. આ ઉપરાંત બીલીમોરામાં પણ દુકાનોના શટર ઉંચકી રોકડ તથા મોબાઈલ મળી કુલ 19 હજારની ચોરી થઈ હતી.