12 February 2018

વિજલપોરના ઘરમાં આગ લાગતાં બે બહેનોનાં મોત, પરિવાર પર આભ ફાટ્યું


વિજલપોરનાં રામનગર વિસ્તારમાં રવિવારે સવારે 11 વાગ્યાનાં અરસામાં એક વેપારીનાં ઘરમાં લાગેલ આગમાં બે સગી બહેનો ગંભીર રીતે દાઝી જતાં મોત નીપજ્યું હતું. જ્યારે આ બહેનોની માતાને પણ ઇજા થવા પામી હતી. મળતી માહિતી મુજબ વિજલપોરનાં પૂર્વ વિભાગે આવેલ રામનગર વિસ્તારમાં મોટેભાગે પરપ્રાંતી હિન્દીભાષી લોકો રહે છે.

અહીંના રામનગર-2 માં મૂળત: યુ.પી.ના ગોરખપુરનાં મોહનભાઇ પ્રહલાદભાઇ ગુપ્તા અને તેમનો પરિવાર રહે છે. તેઓ ચીક્કી બનાવવાનો ધંધો કરે છે. આજે રવિવારે સવારે તેમનાં ઘરમાં મોહનભાઇની પત્નિ સંધ્યાબેન તથા દિકરીઓ રોશની અને વંદના ઘરમાં હાજર હતા. આ દરમિયાન 11 વાગ્યાનાં અરસામાં ઘરમાંથી ધુમાડો બહાર જોતાં નજીકનાં રહેવાસીઓને ઘરમાં આગ લાગ્યાની શંકા જતાં વિજલપોર ફાયરબ્રિગેડને જાણ કરી હતી.



ફાયરબ્રિગેડનાં જવાનોએ ઘરમાં ઘૂસી નીચેના રૂમોમાં જોતાં બે છોકરીઓ બેભાન જેવી હાલતમાં પડેલી જોવા મળી હતી. તેમની માતાની સ્થિતિ પણ સારી ન હતી. ત્રણેયને તાબડતોડ 108 માં નવસારી સિવીલ હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા હતાં. ત્યારે હાજર તબીબે બે દિકરીઓ રોશની ગુપ્તા (ઉ.વ.16) અને વંદના ગુપ્તા (ઉ.વ.14) ને મૃત જાહેર કરી દીધા હતા. બે બહેનોની માતા સંધ્યાબેન ગુપ્તાને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે નવસારીની પારસી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતાં. આગ લાગવાનું ચોક્કસ કારણ તુરંત જાણી શકાયું ન હતું.




તમામ સભ્યો હાજર હોતે તો વધુ જાનહાનિ થઇ હોત 
મોહનભાઇ ગુપ્તાનાં ઘરમાં તેઓ, તેમની પત્નિ તથા 6 સંતાનો છે. જેમાંથી ત્રણ જણા જ આગ લાગવાનાં સમયે ઘરમાં હતા. બાકીનાં સભ્યો ઘરની બહાર, બાજુની જગ્યાએ હતાં. જેથી આગમાં વધુ લોકોને અસર થઇ ન હતી. જો ગુપ્તા પરિવારના બધા જ સભ્યો ઘરમાં હોત તો દુર્ઘટનાનું સ્વરૂપ વધુ વિકરાળ બનવાની શક્યતા હતી!