14 February 2018

નવસારીની પાણીની સમસ્યા હવે ઉકેલાશે


ડિસેમ્બર મહિનાથી નહેરનું રિપેરીંગ કામ શરૂ થતાં નહેરમાં પાણી આપવાનું બંધ કરવામાં આવ્યું હતુ. નવસારી પાલિકા પણ નહેર વાટે જ પાણી મેળવી શહેરને પાણી સુવિધા પૂરી પાડ છે. નહેરનું રિપેરિંગ કાર્ય પૂર્ણ થતાં હવે 55 દિવસ બાદ નવસારી શહેરને પૂન: નહેરનું પાણી મળતાં આગામી ત્રણેક દિવસમાં શહેરીજનોને બે ટાઇમ પાણી પાલિકા આપી શકશે. ઉકાઇ કાકરાપાર નહેરમાં મોટાપાયે મરામતનું કામ હાથ ધરાતાં લગભગ 50થી 55 દિવસ નહેરનું પાણી વહેવડાવવાનું બંધ કરવામાં આવ્યું હતું.

અહીંની નવસારી નગરપાલિકા પણ કાકરાપાર નહેરનું જ પાણી શહેરનાં તળાવમાં ઠાલવી ફિલ્ટર કરી શહેરીજનોને પુરૂ પાડે છે. ત્યારે નવસારી શહેરમાં પણ પાણીની સમસ્યા ઉભી થઇ હતી.નહેરનું પાણી ઘણા દિવસ ન મળવાને કારણે 16 ડિસેમ્બર બાદથી શહેરીજનોને દરરોજ બે ટાઇમની જગ્યાએ એક ટાઇમ પાણી આપવાનો નિર્ણય લીધો હતો, જે આજદિન સુધી જારી રહ્યો છે. પાલિકા દરરોજ એક જ સમય અને તે પણ બોરવેલનું પાણી મીક્ષ કરી અંદાજે 55 દિવસથી શહેરીજનોને પાણી આપી રહી છે.

આ દિવસો દરમિયાન શહેરમાં પાણીની બૂમરાણ મચી છે. જોકે હવે 55 દિવસથી ચાલતી પાણીની સમસ્યાનો ઉકેલ આવી શકશે.10 ફેબ્રુઆરીથી કાકરાપાર કેનાલમાં પાણી પુન: વહેવાનું શરૂ થઇ ગયું છે. જે નવસારીનાં દુધિયાતળાવમાં 11મીની રાત્રિથી આવવા માંડ્યું છે. નહેરનું પાણી પુન: પાલિકાને મળતાં આગામી દિવસોમાં નવસારી શહેરની પાણીની સમસ્યા ઉકેલવાની આશા બંધાઇ છે. જોકે હજુ સુધી નગરપાલિકા એક સમય જ પાણી આપવાનું ચાલું રાખ્યું છે. તળાવમાં વધુ પાણી આવ્યા બાદ શહેરીજનોને બે ટાઇમ આપવાની વિચારણા ચાલી રહ્યાંનું પાલિકા સૂત્રે જણાવે છે.

હાંસાપોર ગામનું તળાવ મદદે આવ્યું
નવસારી શહેરમાં પાણીની સમસ્યા ધારવા કરતાં પણ વધુ ઘેરી બની હતી. શહેરનાં તળાવનાં હયાત પાણીને બોરવેલ સાથે મિક્ષ કરી એક ટાઇમ પાણી આપવાનાં પણ ફાંફા પડ્યા હતા. જો કે હાંસાપોરના તળાવે નવસારીની મુશ્કેલી હળવી કરી હતી. હાંસાપોરના તળાવનું પાણી નવસારી પાલિકાએ મેળવતાં એક ટાઇમ પાણી આપી શકાયું હતું.

ફાયરના ટેન્કરોનો ઉપયોગ
નવસારીમાં હાલના સમયમાં પાણીની સમસ્યા ઉભી થતા લોકોએ ફાયરબ્રિગેડના ટેન્કરોનો પણ ભરપૂર ઉપયોગ કર્યો છે. જે વિસ્તારમાં એક સમય પણ પૂરતું પાણી આવતું નથી તથા જે લોકોને વધુ પાણીની જરૂર પડી તેઓએ ફાયરના પાણીના ટેન્કરોની મદદ લીધી હતી. છેલ્લા 50-55 દિવસથી ફાયરના 30થી 35 ટેન્કરોનું પાણી પણ શહેરીજનોને અપાઈ રહ્યું છે, જે હજુ પણ જારી જ છે.

હજુ ધીમું પાણી આવે છે.
નહેરનું પાણી શહેરનાં તળાવમાં પુન: આવવા માંડ્યું છે એ વાત સાચી છે. પરંતુ હાલ ખૂબ જ ધીમું અને ઓછું પાણી આવી રહ્યું છે. પૂરતા પ્રેશરથી વધુ પાણી મળે અને તળાવમાં લેવલ વધતાં જ આગામી દિવસોમાં બે ટાઇમ પાણી ચાલી શકાશે.- રાજુ ગુપ્તા સીટી ઇજનેર, નવસારી પાલિકા