28 March 2018

મેરેજ સર્ટિ ફિકેટના 5 હજાર લેતા મહિલા સબરજિસ્ટ્રાર ઝડપાયા


નવસારીની સબરજિસ્ટ્રાર કચેરીમાં લગ્નની નોંધણીના સર્ટીફિકેટ માટે રૂ. 5 હજારની લાંચ લેતા સબરજીસ્ટ્રાર એસીબીના છટકામાં રંગેહાથ ભેરવાયા હતા.

યુવક-યુવતી પ્રભુતામાં પગલાં માંડ્યા બાદ ઘણાં સરકારી કામોમાં તેમના લગ્ન સંદર્ભે સર્ટીફિકેટની જરૂરિયાત ઉભી થાય છે ત્યારે નવદંપતી દ્વારા સબરજીસ્ટ્રારની કચેરીમાં તે અંગેની નોંધણી કરાવતા હોય છે ત્યાંથી તેમને લગ્ન નોંધણી અંગેનું સર્ટીફિકેટ આપવામાં આવે છે.

નવસારી જિલ્લામાં નવસારી સબરજીસ્ટ્રારની કચેરીમાં આ કામગીરી કરવામાં આવે છે. દરમિયાન આ લગ્ન નોંધણી બાદ મેરેજ સર્ટીફિકેટ માટે સ્થાનિક દ્વારા દરખાસ્ત કરવામા આવી હતી. જોકે નવસારી સ્થિત મહિલા સબરજીસ્ટ્રારે આ કામગીરી માટે રૂ. 5 હજારની માગણી કરી હતી.

આથી મહિલાએ નવસારી એસીબી પીઆઈ સી.એમ. જાડેજાને મળી ફરિયાદ આપી હતી. આથી એસીબી પીઆઈ જાડેજાએ તેમની ટીમ સાથે મંગળવારે બપોરે 12 કલાકની આસપાસ છટકુ ગોઠવી દીધુ હતું. જેમાં રૂ. 5 હજારની લાંચ લેતા સબરજીસ્ટ્રાર સુનિતાબેન પટેલ આબાદ ઝડપાઈ ગયા હતા. એસીબી પીઆઈ જાડેજાએ આ પ્રકરણમાં વધુ તપાસ હાથ ધરી છે.