2 March 2018

વિજલપોરમાં 16 હજાર મિલકતધારકોનો વેરો બાકી


નાણાંકીય વર્ષ 2017-18 પૂર્ણ થવાને માત્ર એક જ મહિનો માર્ચ બાકી રહ્યો છે. ત્યારે વિજલપોર શહેરનાં અંદાજે 16 હજાર મિલકત ધારકોનો પાલિકાનો વેરો હજી બાકી રહ્યો છે. આ બાકીદારોને નોટિસ અપાઇ રહી છે. વિજલપોર પાલિકાનાં ચોપડે શહેરની 25695 મિલકતો નોંધાયેલી છે. આ મિલકતોમાં રહેણાંક, કોમર્શીયલ, ઇન્ડસ્ટ્રીયલ તમામ પ્રકારની મિલકતોનો સમાવેશ થાય છે. આ તમામ મિલકતધારકો પાસે અહીંની પાલિકા વેરા વસૂલાત કરે છે. વિજલપોર પાલિકાની સૌથી મોટી અને મુખ્ય સ્વભંડોળની આવક પણ વેરાની જ છે. જોકે આ વેરાની આવક જ ચાલુ સાલ હજુ સુધી પૂરતી ન આવી હોવાની જાણકારી મળી છે.

નાણાકીય વર્ષ પૂરું થવાને મહિનો છે ત્યારે હજુ 40 ટકા જ વસૂલાત
મળતી માહિતી મુજબ વિજલપોર પાલિકાનું વેરા માંગણું વાર્ષિક 2.46 કરોડ રૂપિયા છે. આ ઉપરાંત 1.53 કરોડ રૂપિયાની પાછલી બાકી મળી કુલ વેરામાંગણું 4 કરોડ રૂપિયા જેટલું થાય છે. હાલ ચાલુ નાણાંકીય વર્ષ 2017-18 પૂર્ણ થવાને માત્ર માર્ચ મહિનો જ બાકી રહ્યો છે. ત્યારે હાલ સુધીમાં કુલ વસૂલાત માત્ર 1.60 કરોડ રૂપિયાની જ આવી છે. જેમાં પાછલી વસૂલાત 31.41 લાખની અને 1.28 કરોડ ચાલુ વર્ષની છે.

ટકાવારીની દ્રષ્ટિએ જોઇએ તો હાલ સુધી 40 ટકાની વસૂલાત જ આવી છે હજુ 60 ટકા વસૂલાત બાકી છે. મિલકતોની સંખ્યા જોઇએ તો કુલ 25695 મિલકતોમાંથી હજુ અંદાજે 16 હજાર મિલકતધારકોનો વેરો બાકી રહ્યો છે. આ બાકીદારોનો વેરો વસૂલવાનું કામ આગામી દિવસોમાં પાલિકા માટે ચેલેન્જ બની રહેશે. હાલ આ બાકી વેરાદારોને ‘નોટિસ’ આપવાની શરૂ કરી દીધી છે.

ચૂંટણી કામગીરીની અસર
વિજલપોર નગરપાલિકાની ચાલુ વર્ષની વેરા વસૂલાત ઓછી થવા માટે કેટલાક કારણો છે. એક તો પાલિકાનાં વેરા વિભાગમાં ખૂબ ઓછો સ્ટાફ છે. બે થી ત્રણ કર્મચારીથી ગાડું ગબડાવાય છે. બીજું કે આ ઓછા કર્મચારી હોવા છતાં તેમને પણ વિધાનસભાની ચૂંટણી અને ત્યારબાદ પાલિકાની ચૂંટણીની પણ કામગીરી સોંપાઇ હતી. જેને લઇને કર્મચારીઓ પૂરતો સમય આપી શક્યા નહીં અને વેરાની નોટિસ પણ સમયસર નીકળી શકી ન હતી.

બાકી વેરા ધારકોને નોટિસ અપાઇ રહી છે
વિજલપોર નગરપાલિકા બાકી વેરાદારોને નોટિસ આપી રહી છે. વેરો ન ભરનારાઓનાં નળ- ડ્રેનેજ કનેકશન કાપવાની ચેતવણી અપાઇ છે. વધુ વેરાની વસૂલાત માટે તમામ પ્રયત્નો કરાશે.- ભરત પટેલ વેરા અધિકારી, વિજલપોર પાલિકા

ભૂતકાળમાં 93 ટકા વસૂલાત પણ થઇ હતી
વિજલપોર નગરપાલિકાની વેરા વસૂલાત છેલ્લા બે-ત્રણ વર્ષથી નબળી પડી છે. જોકે ભૂતકાળમાં ચારેક વર્ષ અગાઉ અવ્વલ પણ રહી હતી. સને 2013-14 નાં નાણાંકીય વર્ષમાં વેરાની 93 ટકા વસૂલાત વિજલપોર પાલિકાએ જ કરી હતી. જે સમગ્ર રાજ્યની ‘બ’ વર્ગની પાલિકામાં અવ્વલ રહી હતી અને સરકારની પ્રશંસા પણ મળી હતી.