10 March 2018

નવસારી જિલ્લામાં 33 હજાર બહેનોને વિનામૂલ્યે ગેસ કનેક્શન મળશે


આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવણી અવસરે રાજ્યમાં એકમાત્ર નવસારી જિલ્લાની 33 હજાર ઉપરાંત બીપીએલ, અંત્યોદય યોજનાની બહેનોને વિનામૂલ્યે ગેસ કનેકશન ઉપલબ્ધ કરાવવા, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મહત્ત્વનો નિર્ણય કર્યો હોવાનું નવસારી કલેકટર રવિ કુમાર અરોરાએ જણાવ્યું હતું. જેનો અમલ નવા નાણાકીય વર્ષથી કરવાનું આયોજન છે.

વિનામૂલ્યે ગેસ કનેકશન આપવાનો મહત્ત્વનો નિણર્ય કર્યો 

નવસારી લુન્સીકૂઇ સ્પોર્ટસ કોમ્પલેક્સ ખાતે યોજાયેલા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવણી સમારોહમાં કલેકટરે જણાવ્યું હતું કે, નવસારી જિલ્લામાં કાર્યરત નવનારી પ્રોજેકટની મુખ્યમંત્રીએ સરાહના કરી હતી. જેના ભેટ સ્વરૂપ વિનામૂલ્યે ગેસ કનેકશન આપવાનો મહત્ત્વનો નિણર્ય કર્યો છે. નવસારી જિલ્લાની બહેનોએ મુખ્યમંત્રીના નિર્ણયને હર્ષભેર વધાવી લીધો હતો. નવસારી જિલ્લા પ્રભારી મંત્રી અને આદિજાતિ, મહિલા અને બાળ કલ્યાણ વિભાગના મંત્રી ગણપતસિંહ વસાવાએ પણ રાજય સરકારને નવસારી જિલ્લાની પસંદગી માટે આભાર માન્યો હતો.

નવસારી જિલ્લામાં નવસારી અભિયાન હેઠળ 15 હજાર ઉપરાંત નિરક્ષર બહેનોને સાક્ષર કરવામાં આવી છે. નવસારી અભિયાનના બીજા તબકકામાં જિલ્લાની સરકારી શાળાઓમાં ભણતી ધોરણ-6થી 8ની દીકરીઓને સ્વરક્ષણની તાલીમ આપવામાં આવી રહી છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવણી અવસરે નવસારી જોઇન્ટ ઇન્કમટેક્ષ કમિશ્નર સુમિત કૌર પણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન માસિક ધર્મ સમયે દિકરીઓ જાગૃતતા કેળવે તે માટે પુસ્તિકાનું વિતરણ કરવામાં આવ્યું હતું.

મહિલાઓ-દીકરીઓને સારૂ શિક્ષણ મળશે તો સમાજની પણ પ્રગતિ થશે

કલેકટર રવિકુમાર અરોરાએ મહિલા દિવસ ઉજવણી અવસરે જણાવ્યું હતું કે, મહિલાઓ પ્રત્યે સમાજે અભિગમ બદલાવની જરૂર છે. મહિલાઓ-દીકરીઓને સારૂ શિક્ષણ મળશે તો સમાજની પણ પ્રગતિ થશે. મહિલાઓમાં આત્મવિશ્વાસ આવવો જોઇએ, તો સમાજમાં પ્રતિષ્ઠિત સ્થાન મળશે. દિકરીને ભણાવો, હિંમત આપો. 8મી માર્ચના રોજ જન્‍મેલી દીકરીઓને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ ‘બેટી બચાવો બેટી પઢાઓ’ થીમ આધારિત રાજ્ય સરકારની પહેલ જેને નન્હી પરી અવતરણ કાર્યક્રમ એવું નામ આપવામાં આવ્યું છે.

સિકલસેલ, થેલેસેમિયા રોગ અંગે જાગૃત રહેવા માર્ગદર્શન આપ્યું 
જે અંતર્ગત દીકરી અને તેના પરિવારને કલેકટર રવિ કુમાર અરોરાના હસ્તે ચાંદીનો સિક્કો, મમતા કિટસ અને ગુલાબનું ફૂલ આપી, વધાવવામાં આવ્યા હતા.પ્રાંત અધિકારી કુ.નેહાએ મહિલા દિવસ ઉજવણી અવસરે સૌને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, મહિલાઓ શકિતઓ પડેલી છે. તેને યોગ્ય માર્ગે લઇ જઇને સમાજમાં આત્મ સન્માનભેર આગળ આવવું જોઇએ.  મહિલા દિવસ ઉજવણી અવસરે નવસારી પાલિકા પ્રમુખ અલકાબેન દેસાઇએ મહિલાઓમાં જાગૃતતા, ગાયનેકોલોજીસ્ટ ડો. સુરંગીબેન કસબવાલાએ માતાના મહત્‍વ અંગે તેમજ સિકલસેલ, થેલેસેમિયા રોગ અંગે જાગૃત રહેવા માર્ગદર્શન આપ્યું હતું.