19 March 2018

બાળક રમતા રમતા સાયકલ સાથે તળાવમાં ડૂબ્યો, બેન બચાવે પહેલા જ મોત


વિજલપોરનાં રામનગર વિસ્તારમાં આવેલા તળાવમાં બપોરબાદ એક 8 વર્ષિય બાળક સાયકલ સાથે રમતા રમતા પડી જતાં ડૂબી ગયો અને મૃત્યુ પામ્યો હતો. વિજલપોરમાં પૂર્વ બાજુએ ગોકુળપુરાની નજીક રામનગર પાસે તળાવ (રામનગર તળાવ) આવેલું છે. આ તળાવનો ઉપયોગ અહીંની નગરપાલિકા મીઠા પાણીની યોજના માટે કરનાર છે અને તળાવ નજીક ફિલ્ટરરેશન પ્લાન્ટ પણ બનાવવામાં આવ્યો છે.

વિજલપોરનાં રામનગર વિસ્તારનાં જય શક્તિનગરમાં રહેતા મૂળત: યુ.પી વાસી અખિલેશ દોહરેનો 8 વર્ષીય બાળક સની પોતાની બહેન સાથે બપોરબાદ રમવા નીકળ્યો હતો.

સાઇકલ ચલાવતી વેળા તળાવમાં ખાબકતા દુર્ઘટના

સાયકલ સાથે રમવા નીકળેલ સની રમતા રમતા રામનગર તળાવની ખુલ્લી જગ્યામાંથી અંદર પહોંચી ગયો હતો. તળાવના પાણી નજીક ગયેલ સની અચાનક તળાવનાં પાણીમાં સાયકલ સાથે ડૂબી ગયો હતો. આ દ્રશ્ય જોતાં સનીની બહેને સની ડૂબી ગયાની વાત સ્વજનોને કરી હતી. બાદમાં લોકોએ તળાવમાં ડૂબી ગયેલ સનીને બહાર કાઢ્યો હતો અને નવસારી સિવીલ હોસ્પિટલમાં લઇ ગયા જ્યાં મૃત જાહેર કરાયાની જાણકારી મળી હતી. નાનો બાળક ડૂબી જઇ મૃત્યુ પામ્યાની જાણ થતાં ગમગીની ફેલાઇ ગઇ હતી. સિવીલ હોસ્પિટલે મોટી સંખ્યામાં લોકસમૂહ ભેગો થઇ ગયો હતો.

મળતી જાણકારી મુજબ મરનાર સનીના પિતા અખિલેશભાઇ શેરડીનો રસ વેચી ગુજરાન ચલાવે છે. તેમને સંતાનોમાં બે દિકરી અને એક દિકરો સની હતો. જે દિકરાનું મૃત્યું થયું હતુ. અહીં ઉલ્લેખનીય છે કે પાલિકાએ આમ તો તળાવની ફરતે દિવાલ સુરક્ષા માટે બનાવી જ છે પરંતુ એક બાજું થોડી ખુલ્લી જગ્યામાંથી બાળક તળાવની અંદર જઇ ચડતાં દુર્ઘટના સર્જાઇ હતી.