1 March 2018

દબાણ હટાવો ઝુંબેશમાં 4 દુકાન તોડી પડાઈ


નવસારી પાલિકાના ટી.પી. સ્કિમના રોડ ઉપર તાણી દેવાયેલા ચાર દુકાનોને પાલિકા તંત્રએ જેસીબી ફેરવી જમીનદોસ્ત કરી દીધી હતી. શહેરમાં છેલ્લાં 20 દિવસમાં પાલિકાએ 80થી વધુ ગેરકાયદે લારી ગલ્લા કબજે કરી રસ્તા ખુલ્લા કર્યા હતા.બુધવારના રોજ થયેલી કામગીરી પણ એનો જ એક ભાગ હતો. આગામી દિવસોમાં પણ પાલિકા પોતાની આ કામગીરી યથાવત રાખી રસ્તા પરના દબાણ હટાવશે.

નવસારી પાલિકાએ છેલ્લા કેટલાક દિવસોથી રસ્તા ઉપરના લારીગલ્લા કેબિનો દૂર કરવાની કામગીરી હાથ ધરી છે. આ ઝૂંબેશ અંતર્ગત છેલ્લા 15-20 દિવસમાં શહેરમાંથી 80થી વધુ લારીગલ્લા ઉંચકી લેવામાં આવ્યા છે. કેટલીક જગ્યાએ વધારાના શેડના દબાણો પણ દૂર કરાયા હતા. જોકે બુધવારે નગરપાલિકાએ રોડ ઉપર ગેરકાયદે ઠઠારી દેવાયેલી દુકાનોને નિશાન બનાવી હતી. નવસારી શહેરમાં ગણદેવી રોડની પૂર્વ બાજુનો મોટો વિસ્તાર છેલ્લા કેટલાક વર્ષોમાં ડેવલપ થયેલો છે.


આ વિસ્તારમાં વિરાંજલી માર્ગનો પણ સમાવેશ થાય છે. આ માર્ગ ગણદેવી રોડથી શરૂ થઈ અગ્રવાલ કોલેજ તરફ જાય છે. અહીંનો માર્ગ પાલિકાની ટાઉન પ્લાનિંગ સ્કિમ-3મા રોડ મુકાયો હતો. જોકે આ ટી.પી.-3ના રોડ ઉપર દબાણ પણ ઉભા થયેલા હતા. જેમાં અલીફનગરથી થોડે દુર ચાર જેટલી દુકાનો અર્ધપાકી બનાવી દેવામાં આવી હતી. આ ચાર દુકાનોમાં એકમાં કરિયાણાની દુકાન, એકમાં પસ્તી, એકમાં ગેરેજ તથા અન્ય એક દુકાન હતી. આ દુકાનોનું ડિમોલિશન કરવા બુધવારે બપોર બાદ પાલિકાનો રસાલો જેસીબી લઈ સ્થળ ઉપર પહોંચ્યો હતો.

સ્થળ ઉપર સાધારણ બોલાચાલી થયા બાદ દુકાનદારોએ જ પતરા-શેડ વગેરે ઉતારવાનું શરૂ કર્યું હતું. કેટલું પાકુ બાંધકામ ઉપર પાલિકાએ જેસીબી ફેરવ્યું હતું. સાંજ સુધીમાં તો ચારેય દુકાનોએ જમીનદોસ્ત કરી દેવામાં આવી હતી.

ભૂતપૂર્વ કોર્પોરેટરનું હિત સંકળાયેલું
નવસારી નગરપાલિકા દ્વારા બુધવારે જે દુકાનોનું ડિમોલિશન કરવામાં આવ્યું તેમાં બે દુકાનોમાં પાલિકાના એક નરેશ નામના ભૂતપૂર્વ સભ્યનું હિત સંકળાયેલું હોવાની પણ જાણકારી મળી છે. આ સભ્યનું બે દુકાનો સાથે તથા અન્ય બે દુકાનોમાં અશોક પટેલ નામના શખ્સનું નામ સંકળાયેલું હોવાની ચર્ચા છે. હાલ દુકાન ચલાવનારા પાસે ભાડુ વસૂલાતુ હતું.

વર્ષો જુની દુકાન  અચાનક શા માટે તોડાઈ: તર્ક-વિતર્ક

પાલિકા દ્વારા ગેરકાયદે દુકાનો તોડી પડાઈ એ વાત તો સાચી છે પરંતુ ભાજપનું આંતરિક રાજકારણ પણ જવાબદાર હોવાની ચર્ચા ચાલી રહી છે. વિધાનસભાની ચૂંટણી ટાણે પિયુષ દેસાઈ જૂથ અને ભૂરાભાઈ શાહ જૂથ વચ્ચે ભાજપમાં ભાગ પડ્યા હતા. ઘણાં સમયથી દુકાનો ગેરકાયદે હતી તો અચાનક જ કેમ તોડાઈ ? 

રોડનો વિકાસ કરવાના ભાગ રૂપે કાર્યવાહી થઈ

નવસારી પાલિકાના રોડ ઉપર દુકાનો બનાવી દેવાઈ હોય તેને તોડી પડાઈ હતી. પાલિકાના રોડ ઉપરનું દબાણ દૂર કરવા માટે નોટિસ આપવાની ના હોય, બીજુ કે આમાં કોઈ ‘વ્યક્તિગત એજન્ડા’ ન હતો. રોડનો વિકાસ કરવાના ભાગરૂપે જ આ કામગીરી કરાઈ છે.- રમેશ જોષી, ચીફ ઓફિસર નવસારી પાલિકા