26 March 2018

નવસારી પાલિકાની 2.73 કરોડની અંગ્રેજી માધ્યમની શાળાનું નિર્માણ કામ શરૂ


દેશ અને રાજયની માતૃભાષા સાથે અંગ્રેજી શિક્ષણ જરૂરી બન્યું છે ત્યારે ગરીબ અને મધ્યમ પરિવારના બાળકોને અંગ્રેજી માધ્યમનું શિક્ષણ પૂરું પાડવા નવસારી નગરપાલિકા આયોજિત 273 લાખના ખર્ચે અંગ્રેજી શાળાનું ખાતમુહૂર્ત નવસારીના ધારાસભ્ય પિયુષભાઇ દેસાઈની અધ્યક્ષતમા પાલિકા પ્રમુખનાં હસ્તે કરવામાં આવ્યું હતું.

24000 સ્કવેર ફૂટમાં અદ્યતન શાળા બનશે
ભારતનાં બંધારણમાં પ્રાથમિક શિક્ષણ મફત અને સાર્વત્રિક પૂરું પાડવાની જવાબદારી રાજય સરકારની છે. રાજયમાં પંચાયતી રાજ અમલમાં આવ્યા બાદ પ્રાથમિક શિક્ષણની જવાબદારી પંચાયતને સુપ્રત થયેલી છે ત્યારે નવસારી નગરપાલિકાની શિક્ષણ સમિતિ દ્વારા શહેર હાર્દ સમા જુનાથાણા વિસ્તારમાં રાજ્યની નગરપાલિકાઓમાં પ્રથમ કહી શકાય એવી અંગ્રેજી માધ્યમ શાળાનું ખાતમુહૂર્ત નવસારીના ધારાસભ્ય પિયુષભાઇ દેસાઈની અધ્યક્ષતામાં પાલિકા પ્રમુખ અલકાબેન દેસાઈના હસ્તે કરવામાં આવ્યું હતું. આ શાળા 24000 ચોરસફૂટના બાંધકામમાં 16 ઓરડા ત્રણ અદ્યતન લેબોરેટરી, 1 કમ્પ્યૂટર લેબ, લાયબ્રેરી ઉપરાંત વિશાળ હોલ પણ બનાવમાં આવશે.

શહેર તેમજ આજુબાજુના વિસ્તારના બાળકોને ઓછી ફી લઇ શિક્ષણ આપવાની નવસારી પાલિકાએ નેમ લીધી છે.અંગ્રેજી માધ્યમ શાળાનાં ખાતમુહૂર્ત પ્રસંગે પાલિકા સંચાલિત જુનાથાણા શોપિંગ સેન્ટરનાં દુકાનદારો દ્વારા પાછળના ભાગમાં લગાવેલ એસી અને પાણીની ટાંકી દૂર કરવા પાલિકા પ્રમુખનાં અધ્યક્ષતામા પાલિકાના બાંધકામ ચેરમેન જયંતિ ગોપાણીએ ચીફ એન્જિનિયર રાજુ ગુપ્તાને આદેશ આપ્યો હતો. આ પ્રસંગે નવસારી નગર શિક્ષણ સમિતિ ચેરમેન માધુભાઈ કથિરીયા, બાંધકામ ચેરમેન જયંતિ ગોપાણી, ફાયર ચેરમેન છાયાબેન દેસાઈ, વોટરવર્કસ ચેરમન ત્રિભોવન ચાવડા, વિરોધ પક્ષાના ઈકબાલ ઉસ્માની સાથે નગરસેવકો તેમજ શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.