27 March 2018

મુંબઇથી થયું 5 વર્ષની બાળાનું અપહરણ,નવસારી સ્ટેશને મળ્યો મૃતદેહ


નવસારી રેલવે સ્ટેશન ઉપર આવેલા મહિલા શૌચાલયમાંથી બાળકીની લાશ મળી આવ્યાની રવિવારની ઘટનામાં નવો વળાંક આવ્યો છે. મુંબઈના નાલાસોપારા વિસ્તારમાંથી આ પાંચ વર્ષીય બાળાનું કોઈક મહિલાએ અપહરણ કર્યું હતું. સોમવારે મૃતક બાળાનું પીએમ કરાવી લાશનો કબ્જો તેની મુંબઈ પોલીસની હાજરીમાં વાલી વારસોને નવસારી રેલવે પોલીસે સુપરત કર્યો હતો. નાલાસોપારા પોલીસ મથકમાં મૃતકના વાલીએ પોતાની દીકરીનું અપહરણ કરાયાની ફરિયાદ નોંધાવી છે. અહીં ઉલ્લેખનીય છેકે નવસારી રેલવે સ્ટેશન પર સીસીટીવી કેમરા જ નથી. આ કેમેરા હોત તો ઘટનાની મહત્વની કડીઓ મળી શકી હોત.

નવસારી સ્ટેશને સીસીટીવી જ નથી, ઘટનાની મહત્વની કડી માટે મુશ્કેલી

નવસારીમાં રેલવેના સ્ટેશન ઉપર આવેલા મહિલા શૌચાલયમાંથી અંદાજિત 5 વર્ષીય બાળાની લાશ મળી આવતા ચકચાર મચી ગઇ હતી. નવસારી રેલવે પોલીસે આ બાળકીનો કબજો લઇ તેના વાલી વારસોની શોધખોળ હાથ ધરી હતી. રેલવે પોલીસે મૃતક બાળાનું આજે પીએમ કરાવ્યું હતું અને એફ.એસ.એલની મદદથી તપાસ હાથ ધરી હતી. એ દરમિયાન મૃતક બાળાની ઓળખ થઈ ગઈ હતી. તે મહારાષ્ટ્રના મુંબઈમાં આવેલ નાલાસોપારા વિસ્તારમાં રહેતા સંતોષ સરોજની દીકરી અંજલિ હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું.

બાળકીની લાશ મળી આવતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું

સંતોષ ડ્રાઇવિંગ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. 24મી તારીખે સવારે 8 વાગ્યે અંજલિ ઘરની બહાર ગયા પછી ગાયબ થઈ ગઈ હતી. તે મોડી રાત સુધી ઘરે પરત નહીં થતા તેની શોધખોળ હાથ ધરી હતી પરંતુ રવિવારે તેની લાશ મળી આવતા સરોજ પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. નવસારી રેલવે પોલીસે અંજલિના મોતનું કારણ જાણવા વિસેરા પણ લીધા છે. હાલના તબક્કે તેની હત્યા કરાઈ હોવાની શંકા પ્રબળ બની છે અને પોલીસે પણ એ દિશામાં જ તપાસ હાથ ધરી છે.

અંજલિનો મૃતદેહ મહારાષ્ટ્ર પોલીસની હાજરીમાં સોંપાયો

જોકે આ ઘટનાની વધુ તપાસ નાલાસોપારા પોલીસ કરશે. આજે અંજલિનો મૃતદેહ તેના વાલી વારસોને મહારાષ્ટ્ર પોલીસની હાજરીમાં સોંપાયો હતો. બપોરે પોલીસ તેને લઇ રવાના થઈ હતી. નવસારી રેલવે સ્ટેશન એ વન ગ્રેડનું સ્ટેશન હોવા છતાં અહીં સીસીટીવી કેમેરા ગોઠવાયા નથી. ક્રાઈમની મોટી ઘટના કે દુર્ઘટનાઓ ઉપર તલસ્પર્શી નજર રાખવા માટે સરકાર સતર્કતાની વાત કરે છે પરંતુ અતિમહત્ત્વપૂર્ણ ગણાતા રેલવે સ્ટેશન ઉપર જ સીસીટીવી નથી.

પશ્ચિમ રેલવે વિભાગને 25 સીસીટીવી મુકવા લેખિત રજૂઆત

બે વર્ષ અગાઉ નવસારી રેલવે તંત્રએ પશ્ચિમ રેલવે વિભાગને 25 સીસીટીવી મુકવા લેખિત રજૂઆત કરવામાં આવી છે પરંતુ તે પ્રપોઝલ અંગે રેલવે તંત્રએ ધ્યાન આપ્યું નથી. બીજી તરફ રવિવારે જે બાળાનું અપહરણ કરી તેને નવસારીમાં મૃત હાલતમાં મળી હતી. જો સીસીટીવી લાગ્યા હોત તો આ ઘટનાનો અંજામ આપનારની ઓળખ સરળ બની શકી હોત. રેલવે મસમોટુ તંત્ર હોવા છતાં સીસીટીવી કેમેરા લગાવવામાં પાછળ કેમ છે તે પણ આશ્રર્યજનક છે.