4 March 2018

ઘર દીઠ નોકરી આપો યા હોકિંગ ઝોનમાં જગ્યા આપો


નવસારી પાલિકાએ હટાવેલા લારીગલ્લાવાળાઓનો મોરચો કલેકટરાલય પહોંચ્યો હતો. તેઓએ વહીવટીતંત્ર પાસે ઘરદીઠ નોકરી અપાવવા યા લારીગલ્લા માટે વૈકલ્પિક જગ્યા આપવાની માગ કરી હતી.

નવસારી પાલિકાએ તાજેતરમાં ટ્રાફિકને અડચણરૂપ રોડને લાગુ લારી અને ગલ્લા હટાવવાની ઝૂંબેશ શરૂ કરી છે. આ ઝૂંબેશ અંતર્ગત શહેરના વિવિધ વિસ્તારોમાંથી લારીગલ્લા ઉઠાવી લીધા છે. જે લોકોના લારીગલ્લા ઉઠાવાયા છે તેઓમાં નારાજગી ફેલાઈ છે. આજે ગુરૂવારે શહેરમાંથી ઉઠાવી લેવાયેલા લારીગલ્લાવાળાઓનો મોરચો કલેકટરાલય પહોંચ્યો હતો ત્યાં જઈ નિવાસી એડિશનલ કલેકટર કે.એસ.વસાવાને લેખિત-મૌખિક રજૂઆતો કરી હતી.

લારીગલ્લાવાળાઓનું કહેવું છે કે તેમના લારીગલ્લા ઉઠાવી લેવાતા મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. આજ સ્થિતી ચાલુ રહે તો બાળકો ભૂખે મરે એમ છે. આ સ્થિતિમાં તેઓએ વહીવટીતંત્ર પાસે ઘરદીઠ નોકરી પૂરી પાડવા અથવા તમામ લારી-ગલ્લાવાળાઓને વૈકલ્પિક જગ્યા (હોકિંગ ઝોન) આપવાની માગ કરી છે. આ નવી વ્યવસ્થા થાય ત્યાં સુધી તેઓ જ્યાં છે ત્યાં ઉભા રહેવા દેવાની પરવાનગી આપવાની રજૂઆત પણ કરી હતી.

કલેકટરાલયમાં રજૂઆત કરતી વેળા લારીગલ્લાવાળાઓની સાથે ભૂતપૂર્વ કોર્પોરેટર એડવોકેટ બિપીન રાઠોડ પણ જોડાયા હતા.