20 March 2018

નવસારીમાં રૂ. 2.25 કરોડના ખર્ચે બનાવ્યું લેકવ્યુ ફ્રંટ, નથી શૌચાલયની સુવિધા


નવસારીમાં 2.25 કરોડના માતબર ખર્ચે પાલિકાએ દુધિયા તળાવના કિનારે રૂ. 2.25 કરોડના માતબર ખર્ચે બનાવેલા લેકવ્યુ ફ્રંટમાં શૌચાલય જ નથી. નવસારી પાલિકાએ શહેરના દુધિયા તળાવના કિનારે લેકવ્યુ ફ્રંટ (દુધિયા તળાવ ઉદ્યાન)નો પ્રોજેકટ અમલી બનાવ્યો છે. આ પ્રોજેકટમાં સરકારની આગવી ઓળખની ગ્રાંટમાંથી અંદાજે રૂ. 2.25 કરોડનો માતબર ખર્ચ કરવામાં આવ્યો છે. આ ખર્ચમાંથી તળાવની પશ્ચિમ અને દક્ષિણ બાજુએ અનેક સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. જેમાં અનેક મિની ગાર્ડનો, મિની થિયેટર, મિનિ જીમ, જોગીંગ પથ, સિટિંગ એરેજમેન્ટ, કુટિર વગેરે બનાવવામાં આવ્યા છે.

વિરોધને કારણે શૌચાલય તોડી પડાયા બાદ ફરી બનાવાયું નથી
આમ તો લેકવ્યુ ફ્રંટને ગઈકાલે રવિવારે ખુલ્લુ મુકાયું છે પરંતુ તેનો ઉપયોગ તો છેલ્લા મહિનાથી લોકોએ કરવા માંડ્યો હતો. સવારથી લઈ મોડી સાંજ સુધી લોકોની અવરજવર આ જગ્યાએ જોવા મળે છે. મોટી સંખ્યામાં અત્યારથી જ આ ઉદ્યાન (લેકવ્યુ ફ્રંટ)નો ઉપયોગ કરતા જોવા મળ્યા છે. આગામી દિવસોમાં તેમાં વધારો થશે એ નક્કી છે. જોકે નવાઈની અને નોંધનીય વાત એ છે કે 2.25 કરોડનો માતબર ખર્ચ કરાયો, મોટી સંખ્યામાં લોકો આ જગ્યાએ આવશે ત્યારે લેકવ્યુ ફ્રંટમાં કુદરતી જરૂરિયાત સમુ એકપણ શૌચાલય જ બનાવવામાં આવ્યુ નથી.

ઉદ્યાનની નજીક પણ ‘જાહેર શૌચાલય’ નજરે પડતું નથી. અહીં ઉલ્લેખનીય છે કે લેકવ્યુ ફ્રંટના પ્રોજેકટમાં અગાઉ શૌચાલય બનાવવાની શરૂઆત થઈ હતી પરંતુ વિરોધ થાય તે તોડી પડાયું હતું. બાદમાં અન્ય જગ્યાએ શૌચાલય બનાવાયું નથી.

શૌચાલયની સુવિધા જરૂરી છે
દુધિયા તળાવ ઉદ્યાનમાં શૌચાલય હતું પરંતુ તળાવમાં ફિલ્ટરેશન પ્લાન્ટમાં શૌચાલયથી મુશ્કેલી પડશે એ વાતથી તોડી પડાયો હતો. હું એ વાત સાથે સહમત છું કે જ્યાં મોટી સંખ્યામાં લોકો આવશે ત્યાં શૌચાલય બનવું જરૂરી છે. એ માટે આગામી દિવસોમાં ‘ડિસ્પોઝેબલ ટોયલેટ’ યા અન્ય જગ્યાએ શૌચાલયની સુવિધા ઉભી કરવામાં આવશે. આ માટે હું મારી ધારાસભ્યની ગ્રાંટમાંથી નાણાં પણ ફાળવીશ. - પિયુષ દેસાઈ, ધારાસભ્ય, નવસારી

વિરોધ બાદ ઉચિત જગ્યા ન મળી
લેકવ્યુ ફ્રંટમાં અગાઉ શૌચાલય બનાવાયું હતું પરંતુ વિરોધ થતા તોડી પડાયું હતું. અન્ય ઉચિત જગ્યા ન મળતા હજુ સુધી બનાવાયું નથી. જોકે ભવિષ્યમાં આ અંગે આયોજન થઈ શકે. - રાજુ ગુપ્તા, સિટી ઈજનેર, નવસારી પાલિકા

શૌચાલય ઉપર વધારે ભાર અને...
કેન્દ્રની મોદી સરકારે છેલ્લા કેટલાક વખતથી દેશમાં સ્વચ્છતા અભિયાન ચલાવી રહેલી છે. આ અભિયાનમાં પણ સૌથી વધુ ભાર શૌચાલય બનાવવા ઉપર મુક્યો છે. શૌચાલયના નિર્માણ માટે સરકાર ગ્રાંટ અને અન્ય સહાય પણ કરી રહી છે. આ સ્થિતિ વચ્ચે ભારતીય જનતા પાર્ટીના જ શાસનવાળી નવસારી પાલિકાના શાસકો શહેરના એક મોટા પ્રોજેકટમાં શૌચાલય જ બનાવ્યું નથી. એક રીતે મોદી સરકારના સ્વચ્છતાના ઉદ્દેશોની ‘ઐસીતૈસી’ કરી દીધી છે.

વિજલપોર પાલિકા બનાવશે?
નવસારીમાં દુધિયા તળાવની ફરતે જે રીતે ઉદ્યાન બનાવાયું છે તેજ રીતે દુધિયા તળાવની સામે વિજલપોરની હદમાં વિજલપોર પાલિકાએ પણ તેવું જ નાનુ ઉદ્યાન બનાવવાનો નિર્ણય કર્યો છે. આ ઉદ્યાનમાં થોડી જગ્યામાં વિજલપોર પાલિકા ‘શૌચાલય’ બનાવી શકે છે. જો આમ થાય તો નજીક નજીક આવેલા બંને શહેરના ઉદ્યાનમાં આવતા લોકોની શૌચાલયની જરૂરિયાત સંતોષી શકાશે!!!