24 March 2018

બુલેટ ટ્રેન: 8 ગામમાં જમીન સંપાદન શરૂ


નવસારી જિલ્લામાં બુલેટ ટ્રેન માટે જમીન સંપાદન કરવાનો વિધિવત ઈરાદો સરકારે જાહેર કરી દીધો છે. આ માટે દરેક ગામોના જાહેરનામા બહાર પાડવાની શરૂઆત પણ કરી છે. કેન્દ્રની મોદી સરકારનો અત્યંત મહાત્વાકાંક્ષી પ્રોજેકટ બુલેટ ટ્રેન (હાઈસ્પીડ રેલ પ્રોજેકટ)નો છે. બુલેટ ટ્રેન અમદાવાદથી મુંબઈ વચ્ચે દોડનારી હોય જિલ્લામાંથી પણ પસાર થશે. જિલ્લાના 28 ગામોમાંથી બુલેટ ટ્રેન પસાર થનાર હોય તેનો પ્રાથમિક સરવે થઈ ગયો છે.

પ્રથમ જાહેરનામામાં સરકારે જમીન સંપાદન કરવાનો ઈરાદો જાહેર કરી દીધો
આ સરવેની કામગીરી તથા સરકારે જમીન સંપાદનની સ્પષ્ટ નીતિ હજુ જાહેર ન કરતા જિલ્લાના ખેડૂતોમાં નારાજગી પણ જોવા મળી છે. સરકારની નીતિ સામે ખેડૂત સમાજે તો મિટિંગ બોલાવી વિરોધ કરવાનો પણ નિર્ણય લીધો હતો. આ દરમિયાન વાદવિવાદ વચ્ચે પણ સરકાર બુલેટ ટ્રેન પ્રોજેકટ આગળ વધારવા આગળ ધપી રહ્યાનું જણાય છે. નવસારી જિલ્લામાં જ્યાંથી બુલેટ ટ્રેન પસાર થનાર છે ત્યાંની જમીન સંપાદન કરવાની કાયદાકીય ગતિવિધિ આરંભી દીધી છે.

જે અંતર્ગત સરકારના મહેસૂલ વિભાગે પ્રથમ જાહેરનામુ બહાર પાડવાની શરૂઆત કરી છે. આ વખતે જાહેરનામુ તમામ ગામોનું એકસાથે નહીં પરંતુ તમામ ગામોના અલગ અલગ બહાર પાડવાની શરૂઆત કરી છે. 23મી માર્ચ સુધીમાં જિલ્લાના 8 ગામોના જાહેરનામા પ્રસિદ્ધ થઈ ચૂક્યા છે. આ પ્રથમ જાહેરનામામાં સરકારે મુંબઈ-અમદાવાદ હાઈસ્પીડ રેલ પ્રોજેકટના આંતર માળખાકીય પ્રોજેકટના જાહેર હેતુ માટે જમીન સંપાદન કરવાનો ઈરાદો જાહેર કર્યો છે.

આ જાહેરનામામાં જે જમીન સંપાદન કરવાનો ઈરાદો જાહેર કર્યો છે તેના સરવે નંબર-બ્લોક નંબરની સાથે વિસ્તાર પણ દર્શાવવામાં આવ્યો છે. આ જાહેરનામામાં જે જમીનો સરકાર સંપાદન કરવાનો ઈરાદો જાહેર કરે છે તેની માત્ર જાણકારી જ અપાઈ છે. કુલ 28 ગામોમાંથી બુલેટ ટ્રેન પસાર થનાર છે ત્યારે વધુ 20 ગામોના જાહેરનામા આગામી દિવસોમાં પડશે. 18 ગામોના જાહેરનામા પડવાની તૈયારી થઈ ચૂકી હોવાની જાણકારી મળી છે.

જાહેરનામા બહાર પડેલા ગામો
પડઘા, ખડસુપા, ધામણ, ધનોરી, ઈચ્છાપોર, આમરી, પરથાણ, વીરવાડી

આ ગામોના જાહેરનામા હવે પડશે
ઉંડાચ વાણિયા ફળિયા, વંકાલ, ઘેકટી, નાંદરખા, કેસલી, પાટી, દેસાડ, ખેરગામ, વડસાંગળ, પાથરી, માણેકપોર, પીંજરા, કછોલ, ગણેશ સિસોદ્રા, નસીલપોર, ધારાગીરી, આમડપોર, વેજલપોર, ડાભેલ, આસણા

અનેક કક્ષાએ રજૂઆત કરાઈ છે
બુલેટ ટ્રેન માટે થનાર જમીન સંપાદનની કાર્યવાહી, વળતર અંગે સરકારમાં અનેક કક્ષાએ રજૂઆતો કરી છે. ખાસ કરીને ગુજરાત-મહારાષ્ટ્રની જમીન સંપાદનની પોલિસી-વળતર અલગ અલગ ન હોવી જોઈએ, ‘એકસરખી’ હોવી જોઈએ. સરકારે કોમર્શિયલ હેતુ માટે જમીન લઈ રહી હોય વળતરની ચૂકવણી કોમર્શિયલ દરે જ કરવી જોઈએ. હાલની જંત્રી વાસ્તવિક નથી. સરકારે જમીન-સંપાદન વળતરની નીતિ યુનિફોર્મ (એકસરખી) રાખવાનું સ્વીકાર્યું છે. - વિનોદ દેસાઈ (સીએ), અગ્રણી, ગણેશ સિસોદ્રા

ખેડૂતોની મરજી વિરૂદ્ધની કાર્યવાહી
સરકાર કાયદાને નેવે મુકીને ખેડૂતોની મરજી વિરૂદ્ધની કાર્યવાહી બુલેટ ટ્રેન માટે કરી રહી છે. સરકારે માત્ર થોડા ધનવાનોના હિતમાં નહીં પરંતુ વિશાળ જનતા (માસ પબ્લિક)ના હિતમાં નિર્ણય લેવા જોઈએ. - સી.પી.નાયક, પ્રમુખ, ખેડૂત સમાજ નવસારી-જલાલપોર