6 March 2018

બજેટમાં રૂ. 10 લાખ ફાળવયા પરંતુ ઢોર પકડવાનું કોઇ આયોજન જ નહીં


મહિલાના મોત બાદ પાલિકાએ ઢોર પકડવાનું શરૂ કર્યુ, શહેરની આસપાસ દિવસ દરમિયાન કામગીરી શહેરમાં રાત્રિના ઢોર પકડશે

નવસારી શહેરમાં રખડતા ઢોરની સમસ્યા ઘણાં સમયથી છે. શહેરના મુખ્ય અને આંતરિક માર્ગો, રહેણાંક વિસ્તારોમાં દિવસે અને રાત્રે ઢોરના સમૂહ જોવા મળે છે. શહેરીજનોનો ઉહાપોહ વધે ત્યારે પાલિકા ઢોર પકડવાની કામગીરી થોડો સમય કરે છે અને ત્યારબાદ પુન: કામગીરી બંધ કરતા સ્થિતિ યથાવત રહે છે. પાલિકામાં રખડતા ઢોરની સમસ્યા હલ કરવા કાયમી કોઈ જ નીતિ બનાવી નથી.

પાંજરાપોળમાં શેડ બનાવી રખડતા ઢોરને ત્યાં ડબ્બે કરવાની વાત હતી 
એકાદ વર્ષ અગાઉ પણ શહેરમાં રખડતા ઢોર મુદ્દે ઉહાપોહ થયો હતો. વિપક્ષે પણ સામાન્ય સભામાં આ મુદ્દો ઉઠાવ્યો હતો ત્યારે પાલિકાના શાસકોએ ખડસુપા પાંજરાપોળ સાથે સંયુક્ત નીતિ બનાવવાની જાહેરાત કરી હતી. આ નીતિ અંતર્ગત પાંજરાપોળમાં શેડ બનાવી શહેરના રખડતા ઢોરને ત્યાં ડબ્બે કરવાની વાત હતી. આ માટે ઢોરનો નિભાવખર્ચ આપવાની તૈયારી પણ બતાવાઈ હતી અને સને 2017-18ના બજેટમાં 10 લાખ રૂપિયાની ફાળવણી પણ કરાઈ હતી. જોકે આ મુજબ પાંજરાપોળ સાથે કોઈ સંયુક્ત નીતિ બની નથી. પાંજરાપોળના સૂત્રોના જણાવ્યા મુજબ આવી કોઈ નીતિ અંગે પાલિકાએ વાતચીત કરી નથી અને સમસ્યા યથાવત રહી છે. આખાય શહેરમાં રખડતા ઢોર ફાવે તેમ વિહરી રહ્યા છે, વાહનચાલકોને ભયભીત કરી રહ્યા છે છતાં પાલિકા ડબ્બે કરતી ન હતી. રવિવારે આખલાની અડફેટે આવી જતા શહેરની એક વૃદ્ધ મહિલા સરોજબેન કંસારાનું મૃત્યુ થતા રખડતા ઢોરની સમસ્યા શહેરભરમાં આજે પુન: ટોક ઓફ ધ ટાઉન બની છે. પાલિકામાં પણ સોમવારે પ્રમુખ અલકાબેન દેસાઈ, સીઓ રમેશ જોષી સહિતના અગ્રણીઓની તાકિદની બેઠક સવારે મળી હતી અને તુરંત ઢોરને પકડવાની કામગીરી શરૂ કરવાનો નિર્ણય લેવાયો હતો.

વૃદ્ધાના મૃત્યુના જવાબદારો કોણ ? 
નવસારીમાં રવિવારે રખડતા ઢોરની અડફેટે વૃદ્ધા મૃત્યુ પામ્યા હતા ત્યારે એક ચર્ચા એ ચાલી રહી છે કે આ મૃત્યુ માટે જવાબદાર કોણ ? ઢોર તો મૂંગુ પ્રાણી છે ત્યારે તેના માલિકોને જવાબદાર ઠેરવી શકાય કે ઢોરની સમસ્યા હલ કરવા નક્કર પગલાં ન લેતી પાલિકાને ? હાલ તો નવસારી ટાઉન પોલીસે અકસ્માત ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.

ઢોરનો સરવે કરાશે 
નવસારી પાલિકાએ રખડતા ઢોરોને તાકિદે ડબ્બે કરવાનો નિર્ણય લઈ સોમવારથી જ શરૂઆત કરી દીધી છે. ઢોરના માલિકોની ઓળખ કરવા સાથે સરવે પણ કરાશે. પાંજરાપોળ સાથે વાટાઘાટો કરી ઢોરને ત્યાં મોકલવામાં આવશે.રમેશ જોષી, ચીફ ઓફિસર, નવસારી પાલિકા

સોમવારે પાલિકામાં તાકીદની બેઠક યોજાઈ 
નવસારીમાં રવિવારે તોફાને ચઢેલા આખલાની અડફેટે આવી જતા શાકમાર્કેટમાં એક વૃદ્ધાનું ગંભીર ઈજા થતા મોત નીપજ્યું હતું. શહેરમાં આ ઘટનામાં ઘેરા પ્રત્યાઘાત પડતા પાલિકામાં સોમવારે એક તાકિદની બેઠક મળી રખડતા ઢોરોને પકડવાની તુરંત કાર્યવાહી કરવાનો નિર્ણય લેવાયો હતો. આ નિર્ણય અંતર્ગત સોમવારે બપોરથી તંત્રએ તીઘરા રોડ વિસ્તાર સહિત કેટલાક વિસ્તારમાં રખડતા ઢોર પકડવાની કામગીરી શરૂ કરી હતી. બપોરથી સાંજ સુધીમાં 11 ઢોર પકડવામાં આવ્યા હતા. શહેરના મુખ્ય વિસ્તારમાં રાત્રિના સમયે ઢોર પકડવાનું આયોજન કરાઈ રહ્યાની જાણકારી મળી હતી.