7 March 2018

લોક દરબારમાં નકામા વીજપોલ હટાવવા માગણી


નવસારીમાં કાલીયાવાડી ખાતે સ્વપ્નલોક સોસાયટીમાં ઘાંચીપંચની વાડીમાં નવસારી શહેરી વિભાગીય વીજ કચેરી દ્વાર લોકદરબારનું આયોજન કરાયું હતું. જેમાં લોકોએ હાજર અધિકારીઓને વિવિધ પ્રશ્નોની છણાવટ કરી ઘેરામાં લીધા હતા.

વીજ કંપનીના લોકદરબારમાં પાલિકા પ્રમુખ અલકાબેન દેસાઈ, વિજલપોર પાલિકા પ્રમુખ જગદીશભાઈ, નવસારી પાલિકાના વિરોધ પક્ષના નેતા પ્રમોદ રાઠોડ, વીજ કંપનીના અધિકારી માલીજી, સુપ્રિટેન્ડન્ટ એન્જિનિયર અને સીઈઓ શાહજી, વીજ કંપનીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ લોકદરબારમાં લોકોએ વીજ કંપનીના અધિકારીઓ ઉપર પ્રશ્નોની વણઝાર વરસાવી દીધી હતી. લોકદરબારમાં ઉપસ્થિત લોકોએ વીજ કંપનીમાં કેશબારી ચાલુ રાખવામાં આવતી હતી તે બંધ કેમ કરી ω એવો સવાલ કરી તે સગવડ પુન: શરૂ કરવા અનુરોધ કર્યો હતો. ગ્રાહકો માટે લાઈટબીલ ભરવા માટે નવુ કેશ કાઉન્ટર ચાલુ કરવામાં આવ્યું છે છતાં ગ્રાહકોએ તડકામાં ઉભા રહેવું પડે જે અસહ્ય સ્થિતિ છે તો તે જગ્યાએ તાત્કાલિક શેડ બનાવાય, નવસારીમાં વેસ્ટ અને ઈસ્ટ સબડિવિઝનની નવી ઓફિસ ચાલુ કરવામાં આવી તો શા માટે નવી ઓફિસમાં શિફટ ન કરી લોકોએ જગ્યા ઓછી હોવાથી તકલીફ વેઠવી પડે છે ત્યારે તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવા અનરોધ કરાયો હતો.

આ ઉપરાંત શહેરમાં કેટલીક જગ્યાએ બિનજરૂરી લોખંડના વીજપોલ આજે પણ છે જે અવરોધરૂપ છે તો તાત્કાલિક ધોરણે કેમ દૂર કરાતા નથી. અમરદીપ સોસાયટી, ક્રિસ્ટલ વિલા તથા કચ્છ કડવા પાટીદાર સમાજની વાડી પાસે આવા થાંભલા તાત્કાલિક દૂર કરવા અનુરોધ કરાયો છે. વધુમાં મોટાબજાર પોલીસ સ્ટેશન નજીક ટ્રાન્સફોર્મર ફેન્સિંગ કરવા અનુરોધ કરાયો હતો. લોકદરબારમાં 30થી વધુ પ્રશ્નો ઉઠ્યા હતા.

જેમાં મહત્તમ 20થી વધુ પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ લવાશે તેવી અધિકારીઓએ બાંયધરી આપી હતી.